Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

ભાજપના કાર્યકરો માટે મેં જ્ઞાનયજ્ઞ કર્યો છેઃ નરોત્તમ પટેલ

ગુરૂપૂર્ણિમાએ પક્ષના ગુરૂ તરફથી આ શ્રેષ્ઠ ભેટ મળી છેઃ મેયર પ્રદિપ ડવેઃ રાજકોટમાં નરોત્તમભાઈ પટેલના પુસ્તક ''અંતરના ઝરૂખેથી'નો વિતરણ સમારંભ વરસતા વરસાદ વચ્ચે યોજાયો

રાજકોટ,તા.૨૭: શહેરમાં ગત શનિવારે સાંજે વરસતા વરસાદમાં એક ગરિમાપૂર્ણ સમારોહ યોજાઈ ગયો. પૂર્વ કેબીનેટ પ્રધાન સુરતના નરોત્તમભાઈ પટેલની હાજરીમાં તેમણે લખેલા પુસ્તક 'અંતરના ઝરૂખેથી'નો વિતરણ સમારોહ નિર્મળા કોન્વેન્ટ સ્કૂલ સામેની પારસ સોસાયટીના હોલમાં યોજાયો હતો. ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ સમારંભમાં શહેરભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, નીતિનભાઈ ભારદ્વાજ, મેયર પ્રદીપ ડવ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આરંભમાં ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ સૌનું સ્વાગત કર્યું હતું.

સમારંભને સંબોધતા પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજે કહ્યું હતું કે, નરોત્તમભાઈના આ પુસ્તકમાં જિંદગીનો નીચોડ છે. તેઓ ૮૬ વર્ષના છે. છતાંયે આપણને શરમાવે એવી સ્ફૂર્તિથી કામ કરે છે. જીવનના જુદાં જુદાં પાસાઓ આ પુસ્તકોમાં જોવા મળે છે.  તેઓ સંગઠનમાં સરકારમાં બધે જ કામ કરતા હતાં આપણાં સૌના આદર્શ છે, નરોત્તમ કાકા, તેમના દીર્ઘાયુ માટે શુભકામના વ્યકત કરી હતી.

 

પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઈ કથીરિયાએ સંબોધન કરતા કહ્યું હતું કે, નરોત્તમમામાનું આ પુસ્તક સરસ મજાના જીવન કથનનું છે. તેમના ભાણેજ ડો.નટુભાઈ પટેલ મારી સાથે એમ.એસ.કરતા હતા. તેઓ નરોત્તમભાઈને મામા કહે અટેલે હું પણ કહું. નરોત્તમમામાની દીર્ઘદ્રષ્ટિ, કાર્ય કુશળતા કાબિલેદાદ છે. તેઓ સમાજસેવા, રાષ્ટ્ર સેવા માટે સૌના માર્ગદર્શક બને એવી શુભકામના વ્યકત કરી હતી.

 

સૌરાષ્ટ્ર- કચ્છ ભાજપના પ્રવકતા રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે નરોત્તમભાઈએ પાણી પુરવઠા પ્રધાન તરીકે ઐતિહાસિક કામગીરી કરી છે. નરોત્તમભાઈની પાકટતા, પીઢતા બિરદાવા લાયક છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની કર્મભૂમિમાં નરોત્તમભાઈનું સ્વાગત છે.

 

ઉદય કાનગડે સંબોધન કરતા કહ્યું હતું કે, ભાજપ વડિલોની છાયામાં કબીર વડ જેવી પાર્ટી બની છે. તેમણે નરોતમભાઈના તંદુરસ્ત દીર્ઘાયુ માટે શુભેચ્છા આપી હતી.

 

રાજકોટના મેયર પ્રદીપ ડવે કહ્યું હતું કે, આજે રાજકોટ ભાજપ પરિવારમાં ગુરૂપૂર્ણિમાએ પક્ષના ગુરૂ દ્વારા શ્રેષ્ઠ ભેટ મળે છે. નરોતમભાઈના સંસ્મરણોજીવનમાં ઉતારીને એમના અનુભવોમાંથી કાંઈક શીખીને આપણે આપણી રાજકીય કારર્કિદીની સફરમાં આગળ વધીએ.

 

સમારંભને સંબોધતા નરોત્તમભાઈ પટેલે રાજકોટની ધરતીને નમન કરતા કહ્યું હતું કે, હું રાજકોટ જનસંઘ અને ભાજપની વાતોસાંભળવા આવતો હતો. આપણી પાર્ટી કાયર નથી, બુઝ દિલ નથી, ગભરાશો નહીં, મુંઝાશો નહી, નરોત્તમભાઈને જુઓ તમે અને હું એક જ જેવા છીએ, ભાજપ મારો પરિવાર છે. એ હું ભૂલ્યો નથી, ભરવરસાદમાં અહીં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડયા છે. સુરતના ભાજપના કાર્યકરોને આ સ્થિતિમાં લાવવા અઘરૂ થઈ પડે.

 

તેમણે કહ્યું કે, હું પુસ્તક વેંચનારો નથી, કોમર્શિયલ નથી અહીં પુસ્તક બધાને વિનામૂલ્યે અપાશે. તેમાંથી કોઈ જગ્યાએ તમે તમારી જાતને મૂકજો અને તમે શુ
ં કરો એ વિચારજો, હું તો કાર્યકરો માટે 'જ્ઞાનયજ્ઞ' કરૃં છું.

 

અંતરના ઝરૂખેથી પુસ્કતના સંપાદક, પત્રકાર હેમેન ભટ્ટે પુસ્તકની રૂપરેખા આપી હતી.

 

પ્રમુખસ્થાનેથી ગોવિંદભાઈ પટેલે કહ્યું હતું કે, વિચાર તો સૌ કોઈ કરે છે, પણ આ વિચારોને શબ્દ દેહ અપાય તો તે આગળની પેઢીને માર્ગદર્શન બની રહે છે. આ કામ નરોત્તમકાકાએ કર્યુ છે. ગોવિંદભાઈ પટેલે કહ્યું કે સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યા ગંભીર હતી ટ્રેન મારફત ત્રણ ત્રણ વર્ષ સુધી રાજયોને પાણી અપાયું હતું. પરિસ્થિતિ એવી હતી કે સૌરાષ્ટ્રને જો પાણી નહીં મળે તો સૌરાષ્ટ્રવાસીઓ હિજરત કરે એવી સ્થિતિ હતી. એ વખતે કેશુભાઈ પટેલ અને નરોત્તમભાઈ પટેલે સૌરાષ્ટ્ર- કચ્છ માટે પાણી યોજના બનાવી હતી. ભાજપની ઉત્તરોત્તર સરકારોએ ગુજરાતના ગામડે- ગામડે નર્મદાનું પાણી પહોચાડયું છે.

આ કાર્યક્રમનું સંચાલન પત્રકાર નૈષધ ભટ્ટે કહ્યું હતું.

 

(2:48 pm IST)