Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'વિશ્વાસ'નો દુષ્કાળ : નબળા નેતૃત્વમાં કોઇ અધિકારી - કર્મચારીનો જવાબદારી સંભાળવા નનૈયો

ડેપ્યુટી રજીસ્ટ્રાર કક્ષાના ૭ અધિકારીઓના અણગમા બાદ માંડ માંડ ગ્રંથપાલ નિલેશ સોનીને તૈયાર કર્યા : નિલેશ સોની પાસે પરીક્ષા નિયામક, રજીસ્ટ્રારનો હવાલો... હવે કોણ દાવ લેશે ? ચર્ચા

રાજકોટ તા. ૨૭ : એ-ગ્રેડથી પ્રકાશિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે બી-ગ્રેડની બની ગઇ છે. નેક કમિટિ સમક્ષ દેખાવમાં નબળી પુરવાર થઇ ગયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વધુ એક વખત જાણે 'વિશ્વાસ'નો દુષ્કાળ પડયો હોય તેમ કોઇ કર્મચારી કે અધિકારી કામ કરવા તૈયાર નથી. રજીસ્ટ્રાર પદે સાત ડેપ્યુટી કક્ષાના અધિકારીઓએ નનૈયો ભણી દેતા આખરે સૌના કહ્યાગરા ગણાતા ગ્રંથપાલને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ પદનો વધારાનો ચાર્જ સોંપવાની ફરજ પડી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ નિતીન પેથાણી અને કુલનાયક વિજય દેશાણી વચ્ચે ચાલતા વિવાદ જાણે શમવાનું નામ જ નથી લેતું. તેમાય ભાજપના વગદાર સિન્ડીકેટ સભ્ય અને સંકલન સમિતિ પણ હાલ યુનિવર્સિટીમાં વિશ્વાસ સંપાદન કરવામાં નિષ્ફળ નિવડી છે.

 

વિદ્યાર્થીઓના ઉત્કર્ષ અને પદવીની ગરિમા વધારવાને બદલે ભાજપના સિન્ડીકેટ સભ્યો પોતાની ખાનગી કોલેજો અને મળતીયાઓને લાભ અપાવવા જ કાર્યરત હોય છે. કોરોના કાળમાં બીજી તીવ્ર લહેરમાં પણ ભાજપ અને કોંગ્રેસ બંનેએ સિન્ડીકેટ અને એકેડમિક કાઉન્સીલમાં મલાઇદાર પદ મેળવીને ભાગબટાઇ પૂરી કરી હતી પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ગરિમાપૂર્ણ બનાવવાને બદલે સતત ઝઘડા અને એકબીજાને પાડી દેવામાં સૌ વ્યસ્ત રહેતા હોવાની છાપ ઉપસી છે.

 

પરીક્ષા નિયામક પદ ઉપર અમીત પારેખે રાજીનામુ આપ્યા બાદ ગ્રંથપાલ નિલેશ સોનીને પરાણે ચાર્જ સોંપવામાં આવ્યો હતો. ભાજપના સિન્ડીકેટ સભ્યોના માનીતા નિલેશ સોનીએ કપરા સમયમાં પણ પરીક્ષા વિભાગનું કામ કર્યું હતું.

 

નેક કમિટિના આગમન પૂર્વે સિન્ડીકેટ એકેડમિક કાઉન્સીલ, કુલપતિ - કુલનાયક, ભાજપ - કોંગ્રેસના આગેવાનોએ સાથે મળીને ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરવા બ્યુટીફિકેશનના નામે અનેક કામ કર્યા હતા. સહિયારા કામમાં માટી કામ પ્રકરણે કાર્યકારી કુલસચિવ જતીન સોની સામે વ્યકિતગત ટાર્ગેટ બનાવી કોંગ્રેસે આક્ષેપ કર્યા હતા. આ આક્ષેપ સામે ભાજપ મુકપ્રેક્ષક બની તમાસો જોતુ હતું. આખરે કંટાળીને કાર્યકારી કુલસચિવ પદેથી જતીન સોનીએ કુલસચિવનો વધારાનો કાર્યભારમાંથી મુકિત આપવા માંગ કરી હતી.

 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ ડેપ્યુટી કક્ષાના અનુભવી નિષ્ણાંત અધિકારીઓ જી.કે.જોષી, અમિત પારેખ, રમેશ પરમાર, મનીષ ધામેચા, ચંદ્રેશ કાનાબાર, શ્રી માંડલિયા, શ્રી ગાંધી સહિતના અધિકારીઓની ફોજ તૈયાર છે છતાં તેઓએ યેનકેન પ્રકારે કાર્યકારી કુલસચિવ પદ સંભાળવાનો નનૈયો ભણી દીધો છે. આખરે તમામ કામગીરી સંભાળવા સતત તત્પર રહેતા નિલેષ સોનીએ ફરી કાર્યકારી કુલસચિવનો વધારાનો કાર્યભાર સંભાળવા તૈયારી બતાવતા ચાર્જ સોંપાયો છે.

વિશ્વાસનો જાણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં દુષ્કાળ હોય તેમ નબળા નેતૃત્વમાં કોઇ કર્મચારી કે અધિકારી જવાબદારી સંભાળવા તૈયાર નથી. હવે નિલેશ સોની કેવી રીતે તેનો વધારાનો કાર્યભાર સંભાળશે અને કોણ દાવ લેશે? તેની ચર્ચા ચાલી રહી છે.

 

(2:45 pm IST)