Gujarati News

Gujarati News

News of Tuesday, 27th July 2021

માધાપર ચોકડી આસપાસ સરકારી જમીન-સાર્વજનિક પ્લોટ ઉપર ભૂમાફીયાઓ બેફામ : આડેધડ દબાણની રાવ

કલેકટરને ફરિયાદ કરતા માજી સૈનિક રાજેન્દ્રસિંહ ગોહીલઃ દબાણકારોએ ૮ જાહેર રસ્તા બંધ કરી દિધાનો ધડાકો... : મેરી ગોલ્ડથી ૧પ૦ ફુટ રીંગ રોડને જોડતા ૪ રસ્તા અને ગાંધી-કૃષ્ણનગર સોસાયટીને જોડતા ૪ રસ્તા બંધ કરી દિધાનો આક્ષેપ... : એસ. ટી. તંત્ર-કોર્પોરેટર-મેયર અને મુખ્યમંત્રીના બંગલા સામે આજથી દરરોજ ધરણાકરવા દેવા કલેકટર પાસે મંજૂરી માંગીઃ ૩૮ દિ' પહેલા આવેદન પાઠવેલ તેનો પણ જવાબ ન હોવાનો ખૂલ્લો અફસોસ...

રાજકોટ તા. ર૭ :.. માધાપર ચોકડી મેરી ગોલ્ડ એવન્યુ-ર દુકાન નં. ૪ ધરાવતા આર્મીના માજી સૈનિક રાજેન્દ્રસિંહ ગોહીલે ગત તા. રર જૂલાઇના રોજ એક ફરીયાદ અરજી પાઠવી પોતે તથા ગાંધી સોસાયટી પાછળ રહેતા હજારો લોકોએ માધાપર ચોકડી પાસે ભૂમાફીયાઓએ કબજે કરેલ સરકારી રોડ-સાર્વજનિક પ્લોટને મુકત કરાવવા, બિલ્ડરોએ ખોટા દસ્તાવેજો બનાવી. દુકાનદારો પાસેથી બે ગણા નાણા વસૂલ્યા તે બાબત અને રૂડાના નિયમો મુજબ જે ગેરકાનુની બાંધકામ થયું છે, તેને રેગ્યુલાઇઝ કરવા અંગે રૂડાને અપાયેલ આવેદન અંગે પણ જાણ કરી છે, અને ઉપરોકત તમામ બાબતે ધરણા-રેલીની મંજૂરી આપવા માંગણી કરી છે.

આવેદન અને ફરીયાદમાં ઉમેર્યુ છે કે, ૩૮ દિવસ પહેલા અમે અમારી સોસાયટીના ૯ રોડમાંથી ૮ રોડ ભૂમાફીયાઓએ બંધ કરી દિધા તે અંગે આવેદન આપ્યું હતું. પરંતુ હજુ સુધી કલેકટર તંત્રે કોઇ કાર્યવાહી કરી નથી અને આવેદનનાં જવાબ પણ આપ્યો નથી.

આવેદનમાં માંગણી કરી છે કે આ ભૂમાફીયાઓ સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુન્હો દાખલ કરો, તથા ધરમશીબાપા મેલડી માતાજી મંદિરની જમીન અને ત્યાં સુધી જતા રસ્તાને બંધ કરીને પાર્કિંગ બનાવાયું છે, તેમની સામે કડક પગલા ભરવા માંગણી કરી છે, આવેદનમાં ઉમેરાયું છે કે કલેકટર તંત્ર પગલા લેતુ નથી. પરંતુ ભૂમાફીઓને રાષ્ટ્રીય પુરસ્કાર અપાય છે. તે નવાઇની વાત છે, એટલુ જ નહી, કોરોના કાળમાં કોર્પોરેટર રોડ બંધ કરી પૈસાદારો માટે બગીચો બનાવી રહ્યા છે.

માજી સૈનિક શ્રી રાજેન્દ્રસિંહ ગોહીલે કલેકટરને પાઠવેલ ફરીયાદ મુજબ આજથી એટલે કે બુધવારથી વિવિધ કચેરી - કોર્પોરેટર - મેયર - મુખ્યમંત્રીના નિવાસસ્થાન સામે ધરણા ઉપર બેસવા મંજૂરી માંગી છે, જેમાં આજે બુધવારે એસટીની ડીવીઝનલ કચેરી સામે, ગુરૂવારે ઘંટેશ્વર ગામના કોર્પોરેટરના નિવાસસ્થાન સામે, શુક્રવારે મેયરના બંગલા સામે, શનિવારે મુખ્યમંત્રીના બંગલા સામે ધરણા કરવા અંગે મંજૂરી માંગી છે.

ફરીયાદમાં વધુમાં ઉમેરાયું છે કે, રાજકોટમાં માધાપર ચોકડી પાસે સ્વામીનારાયણ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં અમીરો દ્વારા અને રાજનેતાઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે મેરી ગોલ્ડ એવન્યુથી ૧પ૦ ફુટ રીંગ રોડને જોડતા ચાર જાહેર રોડ અને ગાંધી સોસાયટી, કૃષ્ણનગરને જોડતા ચાર જાહેર રોડ બંધ કરીને પોતાના ફાયદા માટે હજારો ગરીબ લોકોની સાથે સરકારી બસોને પણ ર૦૦ મીટરને બદલે ર૦૦૦ મીટરનો ખોટો રન કાપવો પડી રહ્યો છે. જેથી ઇંધણની અને સમયની પણ ખોટી બરબાદી થઇ રહી છે.

આ અંગે અમોએ તમામ લેવલ પર પ્રાર્થના કરી ચૂકયા છીએ. પરંતુ હજી સુધી કોઇપણ ટી. પી. સ્કીમમાં મંજૂર થયેલ જાહેર રોડોને ભુમાફીયાઓના કબજામાંથી છોડાવવાની હિંમત કરી શકયુ નથી. અમોએ આ અંગે તા. ૧પ-૬-ર૧ ના રોજ કલેકટરશ્રીને પણ આવેદન આપ્યુ હતું અને ૪૦ દિવસ સુધી કોઇ જવાબ ન મળતા હવે ધરણા અને રેલીની પણ મંજૂરી માંગેલ છે.

(2:43 pm IST)