Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

૭ ઇલેકટ્રીક બસ રાહ જોવે છે ચાર્જીંગ સ્ટેશનની !!

મ.ન.પા. ની ઇલેકટ્રીક બસ દોડાવવાની યોજનાં અમલી બનવામાં હજુ રાહ જોવી પડશેઃ બસની ટ્રાયલ રનમાં કેટલીક ટેકનીકલ ક્ષતીઓ દૂર કરાવતાં મ્યુ. કમિશ્નર અરોરા : આજે ૩૦ થી વધુ મુસાફરો સાથે ૪૦ ની સ્પીડે ઇલેકટ્રીક બસની સફળ ટ્રાયલ

રાજકોટ, તા. ર૬ :  પર્યાવરણ શુધ્ધી માટે મ.ન.પા. દ્વારા હવે સીટી બસ સેવામાં ઇલેકટ્રીક એટલે કે બેટરીથી ચાલતી બસ દોડાવવામાં આવનાર છે. જે અંતર્ગત રાજકોટને ૭ ઇલેકટ્રીક બસ ફાળવી દેવાઇ છે. પરંતુ હજુ સુધી આ બસનું ચાર્જીગ સ્ટેશન તૈયાર થયુ નહી હોવાથી ઇલેકટરીક બસ દોડાવવાની યોજના અમલી બનાવવામાં થોડા દિવસો રાહ જોવી પડશે. દરમિયાન મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જાતે ઇલેકટ્રીક બસની ટ્રાયલ લઇ તેમાં બેટરીની ક્ષમતા વધારવા તથા બસની સ્પીડ ૪૦ સુધી લઇ જવા સુધીનાં ટેકનીકલ ફેરફારો સુચવ્યાં હતાં. આ ફેરફારો બાદ આજે આ ઇલેકટ્રીક બસની સફળ ટ્રાયલ લેવાઇ હતી.

રાજકોટ શહેરના લોકોને અવર-જવર માટે સેવા આપી રહેલ રાજકોટ રાજપથ લી.ની સિટી બસ અને BRTS બસનાં કાફલામાં હવે ટૂંક સમયમાં ઇલેકિટ્રક બસનો ઉમેરો થનાર છે ત્યારે, આજે સોમવારે તા. ૨૬-૦૭-૨૦૨૧ના રોજ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ઇલેકિટ્રક બસમાં બેસી તેના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો, એન્જિનિયરિંગ સ્ટોર, ઢોર ડબ્બાની મુલાકાત લીધી હતી.

મ્યુનિ. કમિશનર અમિત અરોરા, ત્રણેય નાયબ કમિશનરઓ  આશિષ કુમાર,  એ.આર. સિંહ અને  ચેતન નંદાણી, આર.આર.એલ.ના જી.એમ.  જયેશ કુકડીયા, એડીશનલ સિટી એન્જિનિયર  એમ.આર.કામલિયા, પર્યાવરણ ઈજનેર  નિલેશ પરમાર, પી.એ.(ટેક) ટુ કમિશનર  રસિક રૈયાણી વગેરે સહિત આશરે ૩૫ જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો ખાતેથી ઇલેકિટ્રક બસમાં બેસી ભકિતનગર રેલ્વે સ્ટેશન પાસેના સર્કલ સુધી મુસાફરી કરી હતી. જે દરમ્યાન કમિશનરએ બસની બેટરી, કૂલિંગ વગેરે સહિતના પરફોર્મન્સની સમીક્ષા કરી હતી.

આ ઉપરાંત કમિશનરએ ૮૦ ફૂટ રોડ પર અમુલ સર્કલ પાસેના સિટી બસ ડેપો તૈયાર કરવાની હાલ ચાલી રહેલી કામગીરીની પ્રગતિ પણ નિહાળી હતી. સાથોસાથ અમુલ સર્કલ પાસે આવેલા મહાનગરપાલિકાનાં એન્જિનિયરિંગ સ્ટોરની મુલાકાત લઈ મહાનગરપાલિકાની વિવિધ સાધનોની આવશ્યકતા અનુસાર સાધનોનો જરૂરી સ્ટોક મેઇન્ટેઇન થાય તે સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. દરમ્યાન અમુલ સર્કલ નજીક આવેલા ઢોર ડબ્બાની મુલાકાત લઈ કમિશનરએ ત્યાંની સમગ્ર વ્યવસ્થા નિહાળી હતી.

નોંધનિય કે રાજકોટને તબક્કાવાર પ૦ જેટલી ઇલકેટ્રીક બસ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આપનાર છે.  

(3:59 pm IST)