Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગઇકાલે બપોરે ૩II ઇંચ વરસાદે તંત્રની પોલ ખોલી નાંખી

રાજકોટમાં વરસાદથી જળબંબાકાર સ્થિતિ : મકાનોમાં પાણી ઘુસ્યા

ગાંધીગ્રામ, રૈયા રોડ, સાધુ વાસવાણી રોડ, કોઠારીયા રોડ, ગાયકવાડી સહિતનાં વિસ્તારોમાં ''મીની પુર'' જેવી સ્થિતિઃ મ.ન.પા.નો કન્ટ્રોલરૂમ શોભાનો ગાંઠિયો સાબીતઃ પ્રી-મોન્સુન કામગીરીનાં ફોટા પડાવનારાઓ પુરની સ્થિતિમાં ગુમ થઇ જતાં લોકરોષ

રાજકોટ તા. ર૬: શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે ગઇકાલે બપોરે ૩ વાગ્યાથી સતત પાંચ વાગ્યા સુધી એકધારો ૩ાા ઇંચ જેટલો વરસાદ ખાબકતા શહરેનાં અનેક વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી.

ગઇકાલે બપોરે ખાબકેલા વરસાદથી શહેરમાં ૧પ૦ ફુટ રીંગ રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા ચોકડી, આમ્રપાલી સિનેમાં પાછળ નિરંજની સોસાયટી, રામેશ્વર ચોક, સૌરભ સોસાયટી, પ્રગતી સોસાયટી, કોઠારીયા રોડ, ગાંધીગ્રામ વિસ્તાર, પોપટપરા નાલુ તેમજ ગાયકવાડી પ્લોટ, મહિલા કોલેજ અંડર બ્રિજ, યાજ્ઞિક રોડ, કોલેજવાડી, વિજય પ્લોટ, મનહર પ્લોટ સહિતનાં વિસ્તારોમાં રસ્તાઓ પર ધોધમાર નદીઓ વહી હતી.

પ્રિમોન્સુન કામગીરીમાં વોકળાઓ, ભુગર્ભ ગટરની સફાઇનાં ફોટા પડાવનારાઓ ગઇકાલે આ ''મીની પુર''ની સ્થિતિમાં ગુમ થઇ ગયા હતાં.

બીજી તરફ લોકોનાં મકાનોમાં પાણી ઘુસ્યા હતાં. મદદ માટે જયુબેલી ખાતેનાં ફલડ કંટ્રોલ રૂમમાં ફોન સતત 'નો-રિપ્લાય'' થતો હતો, સ્થાનિક કોર્પોરેટરોનાં ફોન પણ લાગતા ન હતાં. આવી સ્થિતિમાં મુશ્કેલીમાં મુકાયેલા લોકોમાં તંત્ર સામે રોષ્ક્ષ જોવા મળ્યો હતો. આમ ગઇકાલે બપોરે ૩ કલાકમાં ખાબકેલા ૩ાા ઇંચ વરસાદે મ.ન.પા.ની બેદરકારીની પોલ ખોલી નાંખી હતી.

વોંકળાઓ ઉભરાતાં રસ્તા પર પાણીની ધોધમાર નદીઓ વહી અને પાણીનો નિકાલ બંધ થતો મકાનોમાં પાણી ઘુસી જતાં ઘરવખરી પલળી ગઇ હતી.

આ મુશ્કેલ સ્થિતિમાં પાણીનાં નિકાલ માટેની વ્યવસ્થામાં તંત્ર ટુંકું પડયું હતું ભૂગર્ભ ગટરો પણ છલકાઇ જતાં ગંદુ પાણી મકાનોમાં ઘુસવા લાગ્યું હતું.

પાણી નિકાલ માટે ઇજનેરોની ''ફલાઇંગ સ્કવોડ''ની વાતો વરસાદનાં ખરા ટાણે હવામાં ઓગળી ગઇ.

આમ રાજકોટમાં માત્ર ૩ થી ૪ ઇંચ વરસાદની સ્થિતિમાં સર્જાયેલ જળ બંબાકાર સ્થિતિ અંગે તંત્ર વાહકોએ ગંભીરતાપૂર્વક વિચારી આ બાબતનાં કાયમી ઉકેલ રૂપે વરસાદી પાણી નિકાલની કાયમી વ્યવસ્થા રૂપે ''સ્ટોર્મ વોટર ડ્રેનેજ''ની યોજના સાકાર કરવી જરૂરી છે.

(12:16 pm IST)