Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અનુમોદનીય કાર્ય : ૮૦૦ જૈન સાધર્મિકોના બેંક ખાતામાં રૂ. પ હજાર જમા કરાવ્યા

રાજકોટ, તા.ર૭ : શ્રી સંઘાણી સંપ્રદાયના સંઘનાયક પૂજયશ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબના અનન્ય ભકત શ્રી અજયભાઇ શેઠ પૂજય ગુરૂદેવ શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબની ૧૦મી પુણ્યથિતિ નિમિત્તે શ્રી શાલોભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રાજકોટ અને ગોંંડલમાં વસતા ૮૦૦ જૈન સાધર્મિક બંધુઓને તેમના બેન્ક ખાતામાં રૂ. પ૦૦૦ જેવી માતબર રકમ જમા કરાવી અનુમોદનિય કાર્ય કરેલ છે.

અગાઉ લોકડાઉનના સમય દરમ્યાન રાજકોટમાં વસતા સાધર્મિકો ૧૬૦૦, ગોંડલમાં ૯૦૦, ભરૂચ પાસે નર્મદા કિનારે ગોરા આદિવાસી વિસ્તાર માટે રપ૦, મુંબઇ ઘાટકોપર ખાતેની પંડીત રત્નાચંદ્રજીત કન્યા શાળાના જરૂરીઆતમંદ વિદ્યાર્થી પરિવારમાં ૬૦૦ અને મુંબઇ કમાટીપુરામાં ૬૦૦ એમ મળી કુલ ૩૯પ૦ જેટલી રપ કિલોની રાશન કીટ ઉપરાંત રાજકોટની બોલબાલા ટ્રસ્ટમાં એક સપ્તાહ ચાલે તેટલું અને રાજકોટ શહેરમાં ચાલતા અન્ય રાહતના રસોડામાં પણ અનાજનું અનુદાન આપેલ. ઉપરાંત મે માસના અંતમાં રાજકોટના ૧૬૦૦ અને ગોંડલના ૧પ૦ પરિવારોને ૧૦ કિલો કેશર કેરી બોકસનું વિતરણ કરાયેલ હતું.

ગત તા. ર૪ના શ્રી સંઘાણી સંપ્રદાયના પૂજય શ્રી નરેન્દ્રમુનિ મહારાજ સાહેબની ૧૦મી પુણ્યતિથિ નિમિત્તે રાજકોટના ૭૦૦ જૈન સાધર્મિકો તથા ગોંડલના ૧૦૦ જેટલા સાધર્મિકોને આ મહામારીના સમયમાં શ્રીમતિ બિનાબેન અજયભાઇ શેઠ-મુંબઇના અનુદાન થકી શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા રૂ.પ૦૦૦ જેવી માતબર રકમ તેઓશ્રીના બેન્ક ખાતામાં સીધા જ જમા કરાવી આપેલ છે. એટલે કે રૂ. ૪૦ લાખનું અનુદાન કરેલ છે.

આ કાર્ય બદલ જુનાગઢ ખાતે બિરાજતા ગોંડલ સંપ્રદાયના રાષ્ટ્રસંત પૂ. ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ તથા ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ એક વિડીયો સંદેશ દ્વારા અનુમોદના અને ધન્યવાદ પાઠવેલ છે.

આ કાર્ય માટે શ્રી શાલીભદ્ર સરદારનગર સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ હરેશભાઇ વોરા અને તેમની ટીમ દ્વારા જહેમત ઉઠાવેલ હતી.

(4:26 pm IST)