Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કાર્યાલય એટલે કાર્યને આગળ વધારવાનું કેન્દ્ર : વિજયભાઇ ભવ્ય કાર્યાલયો નાના પડે એટલો ભાજપનો વ્યાપ વધ્યો : પાટીલ

રાજકોટ મહાનગર અને સૌરાષ્ટ્ર વિભાગીય પાર્ટી કાર્યાલયનું ભૂમિપૂજન : મુખ્યમંત્રીએ સંસ્મરણો વાગોળ્યા :કાર્યાલય પાવર હાઉસ બનવાની આશા : પ્રદેશ પ્રમુખે સમય મર્યાદા પહેલા કામ પુરૂ કરવા સૂચવ્યુ

રાજકોટના ૧૫૦ ફુટ રીંગ રોડ પર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા કાર્યાલયનું 'ઇ-ભૂમિપૂજન - તકતી અનાવરણ' કરેલ તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સંબોધન કરેલ. ગાંધીનગરથી સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને શહેર મહિલા મોરચાના પ્રભારી અંજલીબહેન રૂપાણી પણ જોડાયેલ. શાસ્ત્રોકતવિધિ પાર્ટીના સ્થાનિક આગેવાનોના હસ્તે થઇ હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : શહેર ભાજપ દ્વારા સૌરાષ્ટ્ર વિભાગીય કાર્યાલયનું ઇ-ભૂમિપૂજન મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની હાજરીમાં નવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ. બંનેએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી જોડાઇને કાર્યકરોને શુભેચ્છા પાઠવેલ અને આ કાર્યાલય રાજકીય પાવર હાઉસ તરીકે વિકસે તેવી આશા વ્યકત કરી હતી.

સી.આર.પાટીલે જણાવેલ કે, પાર્ટી બીજમાંથી વૃક્ષની જેમ વિકાસી રહી છે. રાજકીય પક્ષ માટે કાર્યાલય આવશ્યક વ્યવસ્થા છે. તેનાથી કામ કરવાની સરળતા રહે છે. એક સમયે કાર્યકરોના ઘરમાં ભાજપ કાર્યાલય ચાલતા હવે પાર્ટીનો વ્યાપ વધ્યો છે અને હજુ વધવાનો છે. ભવ્ય કાર્યાલયો પણ નાના પડશે. દિલ્હીમાં માત્ર ૧૫ માસમાં સુવિધાપૂર્ણ અદ્યતન કાર્યાલય નિર્માણ પામેલ. રાજકોટમાં પણ એટલી સમય મર્યાદા છે. ટેકનોલોજીના ઉપયોગથી અને ખંતથી સમય પહેલા નિર્માણ કાર્ય પુરૃં કરવા પ્રયાસ કરવો જોઇએ. અમદાવાદ પછી સૌરાષ્ટ્ર ઝોનનું આ કાર્યાલય મહત્વનું બનશે. તેમાં અગાઉના કાર્યકરોની જવાબદારી સહિતની માહિતી અને યાદગાર ફોટા રાખવા જોઇએ.

મુખ્યમંત્રી વિજય ભાઇ રૂપાણીએ જણાવેલ કે, રાજકોટ ૧૯૫૧થી જનસંઘની સ્થાપના વખતથી જ સંગઠનમાં જોડાયેલું છે. રાજકોટનું સંગઠન વ્યવસ્થિત અને વિશેષ ઉલ્લેખનીય છે. ચીમનકાકા, અરવિંદભાઇ મણિયાર વગેરેએ તે વખતે સંગઠનમાં કામગીરી કરેલ અને તેમની સાથે કામ કરેલ. ભવિષ્યમાં આ કાર્યાલય ભાજપનું પાવર હાઉસ બનશે. પક્ષ માટે કાર્યકરો, કાર્યાલય, કાર્યક્રમો વગેરે મહત્વના છે. સંગઠનના કામમાં કાર્યાલયનો મહત્વનો હિસ્સો છે. કાર્યાલય એ કાર્યને આગળ વધારવાનું કામ કરે છે. માત્ર મકાન નહિ પણ ત્યાં ચાલતી પ્રવૃત્તિ અગત્યની છે.

શ્રી રૂપાણીએ જણાવેલ કે ભાજપ એક સમયે બસ સ્ટેશન સામેના 'ઉદય' મકાનમાંથી ચાલતો હતો. ૨૦૦૧માં કરણપરામાં હાલના કાર્યાલયનું જી.આઇ.ડી.સી.ના તત્કાલીન ચેરમેન પરસોત્તમભાઇ રૂપાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવેલ. હવે સૌરાષ્ટ્ર વિભાગનું કાર્યાલય બની ગયા પછી પાર્ટીના કાર્યક્રમો માટે હોલ ભાડે રાખવા જવું નહિ પડે. નવા કાર્યાલય થકી નવા કાર્યકરો તૈયાર થશે. ભાજપ મોટો પરિવાર છે. ભાજપ છોડી ગયેલા કહે છે કે ભાજપ જેવો પ્રેમ અને આત્મીયતા અન્ય રાજકીય પક્ષમાં નથી. એટલે જ પાર્ટી છોડીને ગયેલા મોટાભાગના પાછા આવી જાય છે.

કાર્યક્રમનું સંચાલન દેવાંગ માંકડે, સ્વાગત પ્રવચન કમલેશ મિરાણીએ અને આભારવિધિ કિશોર રાઠોડે કરી હતી.

કાર્યક્રમમાં ભાજપના આગેવાનો કમલેશ મિરાણી, ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ, ગોવિંદભાઇ પટેલ, અરવિંદ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, કમલેશ જોષીપુરા, બીનાબેન આચાર્ય, રાજુ ધ્રુવ, ઉદય કાનગડ, દલસુખ જાગાણી, કિશોર રાઠોડ, જીતુ કોઠારી, મનીષ રાડિયા, જૈમિન ઠાકર, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાનુબેન બાબરીયા, જીતુભાઇ શાહ, અનિલભાઇ પારેખ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

જિલ્લા ભાજપને નિમંત્રણ નહિં

રાજકોટ તા. ર૭: શહેર ભાજપ સંચાલિત આજના ભૂમિપૂજન કાર્યક્રમમાં જિલ્લા ભાજપને આમંત્રણ નહિં અપાયાનું જાણવા મળે છે. પાર્ટી કાર્યાલય સૌરાષ્ટ્ર વિભાગીય હોવા છતાં અને જિલ્લા ભાજપના અમુક હોદેદારો રાજકોટમાં રહેતા હોવા છતાં કાર્યક્રમમાં તેમની કોઇની હાજરી હતી નહિં.

ભાજપને કાર્યક્રમની છુટ? સોશ્યલ ડીસ્ટન્સ કાગળ પર!

રાજકોટ તા. ર૭: આજે શહેર ભાજપના નવા કાર્યાલયનું ભૂમિપૂજન ૧પ૦ ફૂટ રીંગ રોડ પર યોજાયેલ. કોરોનાના કપરા કાળમાં સામાન્ય લોકો આવા કાર્યક્રમો નથી યોજી શકતા તો ભાજપને કઇ રીતે છુટ મળી શકે? વોર્ડવાઇઝ મર્યાદિત સંખ્યામાં કાર્યકરોને બોલાવાયેલ છતાં કુલ સંખ્યા ૩ આંકડામાં થઇ ગઇ હતી. પ્રેક્ષક ગણમાં ખુરશીઓ એકદમ બાજુ-બાજુમાં જ ગોઠવવામાં આવેલ. ભૂમિપૂજનની વિધિમાં પણ આગેવાનો એકબીજાથી એકદમ નજીક હતા.

સોશ્યલ ડીસ્ટન્સનો ઉપદેશ માત્ર અન્ય માટે જ હોય તેવી છાપ પડી હતી. કોરોનાની ગાઇડ લાઇનનું કેટલું પાલન થયું  તે તસ્વીરોમાં જોઇ શકાય છે. સામાન્ય લોકોને નિયમ ભંગ બદલ દંડ ફટકારતા સતાધીશો આ કાર્યક્રમથી અજાણ હોય તેવું માનવાનું કોઇ કારણ દેખાતું નથી.

(3:55 pm IST)