Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

''સોમા''ની ચૂંટણીનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો

સમીરભાઇ શાહે મતદાર યાદીમાં પોતાના નામ ન હોવા તથા ચેરીટી કમીશ્નરના હુકમને હાઇકોર્ટમાં પડકાર્યો : મેં નિયત તારીખમાં જ ફી ભરી દીધી હતીઃ સમીર શાહ

રાજકોટ તા. ર૭: સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીયેશન (સોમા) ની ચૂંટણીનો મામલો હવે હાઇકોર્ટમાં પહોચ્યો છે.

''સોમા''ની ચૂંટણીમાં મતદાર યાદીમાં પોતાના નામ ન હોવા અંગે તથા જામનગર ચેરીટી કમીશ્નરે આપેલા હુકમને ''સોમા''ના સમીરભાઇ શાહે ગુજરાત હાઇકોર્ટમાં પડકારતા હવે નવી લડાઇનો પ્રારંભ થયો હોવાનું જાણવા મળે છે.

હાઇકોર્ટમાં થયેલી SCA ૮૭૬૬-ર૦ર૦ની અરજીમાં સમીરભાઇ શાહે પોતાનો બચાવ કરતાં કહ્યું છે કે, મેં સોમાની સભ્ય ફી નિયત સમયમાં ભરી દીધી હોવા છતાં મારૃં નામ મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યું છે અને ચેરીટી કમીશ્નરે એક તરફી નિર્ણય લીધો છે જે સામે મને વાંધો છે.

અત્રે એ નોંધનીય છે કે, શનિવારે ચેરીટી કમીશ્નરે ફાઇનલ મતદાર યાદી જાહેર કરી હતી તેમાં તેમનું નામ ન્હોતું ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, વાંધા અરજીની સુનાવણીમાં સમીરભાઇએ જે વાંધા અરજી રજૂ કરી તેને સાંભળીને નિર્ણય જાહેર કરાયો હતો. તા. ૩૧-૩-૧૯ના રોજ સભ્ય ફી ભરવાની હતી. આ સમય મર્યાદામાં તેણે સભ્ય ફી ભરી નથી તેથી તેનું નામ મતદાર યાદીમાં સમાવાયું નથી. જે હુકમ જાહેર કરવામાં આવ્યો છે તે રજિસ્ટર્ડ એડીથી સમીર શાહને મોકલી દેવાયો છે.

હવે આ ચૂંટણીનો મામલો હાઇકોર્ટમાં પહોંચતા આ માટે જબરો કાનુની જંગ ખેલાય તેવી શકયતા છે.

(3:48 pm IST)