Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ગફારભાઇ અને રહિમભાઇની રજૂઆત : અમારી માલિકીની જમીનમાં કબ્જો કરવા મથનારાને દૂર કરો

રામનાથપરાના અંધ વૃધ્ધે ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગ્યાની અરજી સંદર્ભે સામી રજૂઆત : પોલીસ કમિશનરને વિસ્તૃત લેખિત રજૂઆત કરી ન્યાયની માંગણી કરવામાં આવી

રાજકોટ તા. ૨૭: સણોસરાના વતની અને હાલ રામનાથપરામાં રહેતાં અંધ વૃધ્ધા અમિનાબેન આમદભાઇ ભુવરે પોલીસ કમિશનરને અરજી કરી ઇચ્છા મૃત્યુની પરવાનગી માંગી હતી. સણોસરાની જમીન મામલે પોતાને સતત અન્યાય થયો હોવાની રજૂઆત તેમણે કરી હતી. તેની સામે ભગવતીપરામાં રહેતાં ગફારભાઇ અયુબભાઇ જરગેલા અને જંગલેશ્વર લેઉવા પટેલ સોસાયટીમાં રહેતાં રહિમભાઇ મામદભાઇ સોરાએ પોલીસ કમિશનરને વળતી રજૂઆત કરી પોતાની કબ્જાની માલિકીની સણોસરાની જમીનમાં ગેરકાયદેસર રીતે કબ્જો કરવા મથતા ઇસમોને દૂર કરવા અને પોતાના ખર્ચે પોલીસ બંદોબસ્ત આપવા માંગણી કરી છે.

ગફારભાઇ અને રહિમભાઇએ વિસ્તૃત લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે હાલના અરજદાર અમીનાબેનના સસરા હાસમભાઇ ઇસ્માઇલભાઇ ભુવરે સને ૧૯૭૧માં સણોસરામાં તેની જમીન પર લેન્ડ ડેવ. બેંકમાંથી લોન મેળવી હતી અને પછી હપ્તા ભરી શકયા નહોતાં. હાસમભાઇને પૈસાની જરૂર હોઇ નાગરિક બેંકમાંથી પણ લોન લીધી હતી. જેમાં પણ હપ્તા ન ભરી શકતાં મિત્ર અયુબભાઇ ઇસ્માઇલભાઇ જરગેલાએ પ્રોેસરી નોટથી પૈસા લઇ નાગરિક બેંકની લોન ભરી આપી હતી. નાગરિક બેંક બાકીનું લેણુ ભરપાઇ કરવા હાસમભાઇ ભુવરની સણોસરાની જમીનની હરરાજી કરતાં ત્રણ વાર સણોસરા ગામે થાળી વેલણ વગાડી પંચાયતના બોર્ડ પર નોટીસ લખી ૧૯૮૩માં હરરાજી કરી હતી. જેમાં સોૈથી ઉંચી બોલી ૧૦ હજાર સ્થાનિક ખેડુત હંસરાજ અરજણે બોલી હતી. એ પછી રૂ. ૭૨૪૩.૪૬ના ભાવે હરરાજી થયેલ. જ્યારે ગુજરાત સ્ટેટ કો.ઓ.લેન્ડ ડેવ. બેંક લિ. રાજકોટનું દેણુ ૧૮૫૫૬ તથા સણોસરા સહકારી મંડળીનું રૂ. ૧૧,૫૯૫ ભરપાઇ કરવા કોર્ટએ હુકમ કર્યો હતો.

દેણુ ભરપાઇ કરી જમીન ખરીદવા અયુબ ઇસ્માઇલ જરગેલાએ સહમતી દર્શાવતા તેના નામનો દસ્તાવેજ કોર્ટ દ્વારા કરી અપાયો હતો. ખેડુ હંસરાજ અરજણે મિત્રતા દાવે સમગ્ર દેણું ભરપાઇ કરી હરરાજીમાં ઉભેલા અયુબ ઇસ્માઇલ જરગેલાના નામે દસ્તાવેજ કરાવી આપેલ. ત્યારબાદ હાસમભાઇ ભુવરનું મૃત્યુ થતાં તેના પુત્ર આમદ હાસમ ભુવરે આ જમીન પર વારસાઇ દાવો કર્યો હતો. જેમાં ૧૯૯૮માં અમારા પિતાજી અયુબભાઇ ઇસ્માઇલભાઇ જરગેલા જે મહાપાલિકાનો કોન્ટ્રાકટ રાખતા હોઇ તેઓ રહિમભાઇ સોરાના મામા થતાં હોઇ જેથી રહિમભાઇ સોરાના નામે કુલમુખત્યારનામુ કરી આપ્યું હતું. આમ પ્રથમથી જ આ જમીનના કુલમુખત્યાર રહિમભાઇ સોરા છે. તેમની રાજકીય કારકિર્દીને હાની પહોંચાડવા અલ્તાફ ભુવર, તેના માતા અમીનાબેન ભુવર સહિતના સતત વહિવટી તંત્રો સહિતને ગેરમાર્ગે દોરી રહ્યા છે.

તેમજ અમારા વિરૂધ્ધ નાયબ મામલતદાર, એડી કલેકટરશ્રી સહિતને રજૂઆતો કરી રહ્યા છે. અમે અમારો પક્ષ રજૂ કરતાં ચુકાદો પણ અમારા પક્ષમાં આવ્યો છે. કુવાડવા પોલીસ મથકના પીઆઇ દ્વારા તટસ્થ તપાસ કરવામાં આવી છે. વહિવટી તંત્ર પર ખોટુ દબાણ લાવવા ખોટી અરજીઓ કરવામાં આવી રહી છે. તેમ વધુમાં ગફારભાઇ અને રહિમભાઇએ જણાવી પોલીસ કમિશનરશ્રી ન્યાય અપાવે તેવી માંગણી કરી છે.

(3:43 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં હવે ગુંડા રાજ : પૂર્વ મિનિસ્ટરના પરિવારના 3 સભ્યોની હત્યા : અપરાધોનો ગ્રાફ વધુને વધુ ઊંચો જઈ રહ્યો છે : ટ્રિપલ મર્ડર કેસ મામલે અખિલેશ યાદવનો આક્રોશ access_time 1:37 pm IST

  • ખાનગીકરણની ગાડી પૂરપાટ દોડશે : મોદી સરકાર ખૂબ જ ઝડપભેર ૧૫૩ જેટલી ખાનગી પેસેન્જર ટ્રેનો અને કેટલાક મુખ્ય રેલ માર્ગો ઉપર માલવાહક ટ્રેનો માટે ટેન્ડરો બહાર પાડશે : તમામ ખાનગી ટ્રેનો ૨૦૨૩ની મધ્યમાં દોડતી થઈ જશે access_time 12:35 pm IST

  • ગોરખપુરમાંથી અપહરણ કરાયેલ 13 વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો : 1 કરોડ રૂપિયાની ખંડણી માંગી હતી : ઉપર છાપરી અપહરણ ,બળાત્કાર ,અને હત્યાના બનાવો સામે ભાજપ સરકાર મૌન કેમ ? : અખિલેશ યાદવ ,પ્રિયંકા ગાંધી સહિતના આગેવાનોનો આક્રોશ access_time 8:08 pm IST