Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટ જિલ્લાના તમામ ફરવા લાયક સ્થળો ઉપર પ્રતિબંધ મૂકાય તેવી શકયતા

મેળાઓ તો બંધ કરી દેવાયા પણ શહેર - જિલ્લાના પીકનિક પોઇન્ટ - ઐતિહાસિક સ્થળો ઉપર સાતમ - આઠમમાં લોકો ઉમટી પડે તો શું કરવું ?! : આજી ડેમ - ન્યારી ડેમ - ભાદર ડેમ - વીરપુર - ખોડલધામ - ઘેલા સોમનાથ - દાળેશ્વર સહિતના સ્થળો ઉપર સાતમ - આઠમમાં ભારે ભીડ થતી હોય છે : કલેકટર ૧ થી ૨ દિવસમાં જિલ્લા પોલીસવડા તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી જાહેરનામું બહાર પાડી શકે છે : ટોળા-લોકો ઉમટવાના ભય સામે તંત્ર ગંભીર : જબરી વિમાસણ : પણ કંઇક તો નિર્ણય લેવો જ પડશે

રાજકોટ તા. ૨૭ : રાજકોટ સહિત જિલ્લાભરમાં મેળા ઉપર પ્રતિબંધ આવી ગયો, વિખ્યાત ઓસમ ડુંગર ઉપર જવા અંગે પણ જાહેરનામું બહાર પડી ગયું, પરંતુ શહેર - જિલ્લામાં એવા અનેક સ્થળો છે કે જ્યાં સાતમ - આઠમના તહેવારો ઉપર ચિક્કાર ગીર્દી થાય છે, આગામી તા. ૧૧ ઓગસ્ટથી સાતમ - આઠમના તહેવારો શરૂ થઇ રહ્યા છે, કોરોના વેરી બન્યો છે, રોજેરોજ શહેર - જિલ્લામાં ઢગલાબંધ કેસો આવી રહ્યા છે, તો મૃત્યુઆંક પણ ચોંકાવનારી રીતે વધી રહ્યો છે.

દરમિયાન કલેકટરની નજીક સંકળાયેલા ટોચના અધિકારી સૂત્રો જણાવી રહ્યા છે કે, મેળા તો બંધ રહ્યા પરંતુ રાજકોટ શહેર - જિલ્લામાં સંખ્યાબંધ ફરવા લાયક સ્થળો છે કે, જ્યાં સાતમ - આઠમના તહેવારો ઉપર લોકો ઉમટી પડે છે. આવા સ્થળોમાં આજીડેમ, ન્યારી ડેમ, ખંભાલીડા બૌધ્ધ ગુફા, વીરપુર, ખોડલધામ (કાગવડ), ભાદર ડેમ, ઘેલા સોમનાથ, જડેશ્વર, રફાળેશ્વર, અન્ય ફરવા લાયક સ્થળો, શહેર - બહારની અન્ય પીકનીક પોઇન્ટવાળી જગ્યાઓનો સમાવેશ થાય છે.

તહેવારો ઉપર ઉપરોકત તમામ સ્થળોમાં રજાઓમાં લોકો સવારથી રાત સુધી ઉમટી પડે, સોશ્યલ ડીસ્ટન્સ ન જળવાય, ટોળા થાય, માસ્ક - સેનેટાઇઝરનો છેદ ઉડી જાય અને એમાં કોઇને કોઇ કોરોનાગ્રસ્ત આવી જાય તો અનેક લોકો ચેપના ભોગ બને. પરિણામે તહેવારો ઉપર લોકોના ટોળા ન થાય તે બાબતે તંત્ર અત્યંત ગંભીરતાથી વિચારી રહ્યું છે.

ટોચના અધિકારી સૂત્રોએ ઉમેર્યું હતું કે, આવું ન બને અને લોકો ટોળા ન કરે તે સંદર્ભે કલેકટર આજે અથવા તો ૧ થી ૨ દિવસમાં જિલ્લા પોલીસ વડા અને પ્રાંત તથા અન્ય અધિકારીઓ સાથે ચર્ચા કરી, આવા સ્થળો ઉપર જવા અંગે પ્રતિબંધ લાવવો કે કેમ તે અંગે નિર્ણય લેવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યું છે.

કલેકટર દ્વારા સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા - વિચારણા કરી સાતમ - આઠમના તહેવારો ઉપર જિલ્લાના ફરવા લાયક સ્થળો ઉપર ભીડ ન થાય, ટોળા ન જામે તે અંગે પ્રતિબંધ પણ આવી શકે છે, અને જો આ આવો નિર્ણય લેવાય તો ટુંક સમયમાં તંત્ર જાહેરનામુ બિહાર પાડી શકે છે. હાલ તો જિલ્લા વહિવટી તંત્ર આ બાબતે ભારે ગંભીર બન્યું છે, મીટીંગો બાદ નિર્ણય લેવાશે.

દરમિયાન જિલ્લા કલેકટર શ્રી રેમ્યા મોહને હાલ શહેર - જિલ્લાના લોકોને વધુ એક વખત અપીલ કરી હતી કે, લોકો વગર કામે બહાર ન નીકળો, સોશ્યલ ડીસ્ટન્સ જાળવે, સેનેટાઇઝ કરે, માસ્ક પહેરે તેવી વિનંતી કરી છે.

સરકારે જણાવ્યું હતું કે, આજે જૈન સમાજ સાથે પણ મીટીંગ યોજી છે, ડોકટરો સાથે પણ મીટીંગ થશે, ફીઝીશયનો પણ આજે રીપોર્ટ આપનાર છે, શહેરની નવી હોસ્પિટલોમાં બેડ વધારવા અંગે પણ સંભવતઃ ૧ થી ૨ દિવસમાં નિર્ણય આવી જશે.

(3:20 pm IST)