Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજકોટ સિટી તથા જીલ્લાની દવાબજારમાં લટાર મારો : લેબોરેટરીઓની એક ઝલક

મેડીકલ સ્ટોર્સની સંખ્યા, ફાર્માસીસ્ટનું કવોલિફીકેશન, સ્ટાફની ડીગ્રી, લાયસન્સની પ્રક્રિયા, રીન્યુઅલ, દવાનો હોલસેલ બિઝનેસ, ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ દ્વારા ઇન્સ્પેકશન, એકસપાયર્ડ દવાઓ, ચોરાઉ તથા ડુપ્લીકેટ દવાઓ, નફો-ડીસ્કાઉન્ટ, હોસ્પિટલમાંથી થતું દવાનું વેચાણ, વેટરનરી મેડીકલ સ્ટોર્સ વિગેરે સંદર્ભે માહિતી : લેબોરેટરીનો ટોટલ ફીગર, સંચાલકની શૈક્ષણિક લાયકાત, નિયમ મુજબ છે કે નહીં?, ચાર્જીસ, હોસ્પિટલોમાં ચાલતી લેબોરેટરી વિગેરે ઉપર ફોકસ : લોકોના મનમાં ઉદ્દભવતા પ્રશ્નોનું અકિલા દ્વારા સચોટ પોસ્ટમોર્ટમ

રાજકોટ તા. ર૪ : હાલમાં વૈશ્વિક મહામારી કોરોના (COVID 19) એ ભારત સહિત સમગ્ર વિશ્વમાં કદી પણ ન ધારેલા પરિણામો અને સંજોગો સર્જી દિધા છે. લોકોની જીવનશૈલીમાં આમૂલ પરિવર્તન દેખાઇ રહ્યું છે. કોરોનાને કારણે વિશ્વમાં લાખો લોકો મૃત્યુ પામ્યા છે  તથા કરોડો લોકો કોરોનાગ્રસ્ત બન્યા છે.

સોશ્યલ ડીસ્ટન્સીંગ, માસ્ક, સેનિટાઇઝર, કવોરન્ટાઇન, આઇસોલેશન, લોકડાઉન, અનલોક,  PPE કીટ, હાઇડ્રોકસી કલોરોકવીન, રેમેડેસિવિર, ટોસીલીઝૂમેબ, કોવિડ હોસ્પિટલ, કોરોના વેકિસન, કોરોના પોઝીટીવ, નેગેટીવ, વેન્ટીલેટર, RT-PCR ટેસ્ટ, રેપીડ કીટ ટેસ્ટ, કોરોના વોર્ડ, લેબોરેટરી, એન્ટીબોડી વિગેરે નામો-શબ્દો સતત સાંભળવા મળી રહ્યા છે.

આ બધાં વચ્ચે એલોપેથિક દવાના વેપારીઓ (રીટેલર્સ-હોલસેલર્સ) તથા લેબોરેટરી ચલાવતા ડોકટર્સ-ટેકિનશ્યન્સની જવાબદારી, સજાગતા, માનવીય અભિગમ, ભૂમિકા વિગેરે ખૂબ જ મહત્વના બની જતા હોય છે. હાલની વૈશ્વિક મહામારીની પરિસ્થિતિ વચ્ચે લોકોના મનમાં પણ દવાના વેપારીઓ તથા લેબોરેટરી સંચાલકો સંદર્ભે અનેક પ્રશ્નો ઉદ્દભવતા હોય છે. જે પ્રશ્નોના જવાબ મેળવવાનો યથાયોગ્ય પ્રયાસ અકિલા દ્વારા કરવામાં આવ્યો છે. સંભવિત પ્રશ્નો તથા તેના સંભવિત જવાબો આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યા છે.

પ્રશ્નઃ- રાજકોટ તથા જીલ્લામાં એલોપેથિક દવા બનાવતી ફેકટરી કેટલી છે? તેના લાયસન્સના નિયમો શું છે?

જવાબઃ- ફેકટરીઓની સંખ્યા ૪૦ આસપાસ છે જેેેમાંં API બનાવતી એટલે કે બલ્ક ડ્રગ (પેરાસીટામોલ, રેનિટીડીન, ઓમેપ્રાઝોલ જેવા કન્ટેઇન્સ) બનાવતી ૩પ જેટલી ફેકટરીઓ છે તથા ફોર્મ્યુલેશન (ટેબલેટ, કેપ્સ્યુલ, સીરપ વિગેરે) બનાવતી પ જેટલી ફેકટરીઓ રાજકોટ જીલ્લામાં છે.

આ માટેનું લાયસન્સ ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ, ગાંધીનગર ખાતેથી મેળવવું પડે છે. દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ કરાવવું જરૂરી છે. સામાન્ય રીતે વર્ષમાં એક વખત ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ દ્વારા ફેકટરીનું ઇન્સ્પેકશન કરવામાં આવે છે. લાયસન્સ લેવા માટે સરકાર દ્વારા નિયત કરેલી ફી ભરવાની હોય છે.

 પ્રશ્નઃ- રાજકોટ સિટી તથા જીલ્લામાં કુલ કેટલા એલોપેથિક દવાના વેપારીઓ છે ? (રીટેઇલર્સ-હોલસેલર્સ)

 જવાબઃ- સમગ્ર રાજકોટ જીલ્લામાં દવાના કુલ રીટેઇલર્સ ર૪૦૦ જેટલા છે અને હોલસેલર્સ ૬૦૦ જેટલા (સ્ટાન્ડર્ડ-જેનેરીક-સર્જીકલ વિગેરે) છે. જેમાંથી માત્ર રાજકોટ સિટીમાં ૧૧૦૦ રીટેઇલર્સ અને રપ૦ જેટલા હોલસેલર્સ છે.

પ્રશ્ન :- દવાના રીટેઇલ તથા હોલસેલ બિઝનેસ માટે કવોલિફીકેશન શું છે તથા લાયસન્સ ફી કેટલી હોય છે?

જવાબઃ- રીટેઇલ મેડીકલ સ્ટોર માટે ફુલટાઇમ ફાર્માસીસ્ટ હોવા જરૂરી છે. ફાર્મસી કોલેજમાંથી ડી.ફાર્મ કે બી.ફાર્મની ડીગ્રી મેળવનાર રીટેઇલ મેડીકલ સ્ટોર શરૂ કરી શકે છે. અન્ય કોઇની માલિકીના મેડીકલ સ્ટોરમાં ફુલટાઇમ ફાર્માસીસ્ટ તરીકે સર્વિસ પણ કરી શકે છે.

એલોપેથિક દવાનો હોલસેલ બિઝનેસ શરૂ કરવા માટે ધોરણ ૧૦ પાસ માટે દવાના બિઝનેસ-દુકાનમાં ૪ વર્ષનો અનુભવ તથા ગ્રેજ્યુએટ થયેેલાઓ માટે મેડીકલ સ્ટોરનો ર વર્ષનો અનુભવ જરૂર છે.

રીટેઇલ તથા હોલસેલ બિઝનેસ માટે અલગ-અલગ લાયસન્સ લેવા પડે છે. રીટેઇલ માટે બે પ્રકારના તથા હોલસેલ માટે બે પ્રકારના લાયસન્સ લેવા  પડે છે. જેની લાયસન્સ દીઠ ૧પ૦૦ રૂ. ફી છે. એટલે કે રીટેઇલ માટે ૩૦૦૦ રૂ. તથા હોલસેલર્સ માટે ૩૦૦૦ રૂ. ફી નિયત થયેલ છે.

પ્રશ્નઃ- કેટલા વર્ષે લાયસન્સ રીન્યુ થતું હોય છે ? તથા સામાન્ય રીતે કેટલા સમયે ઇન્સ્પેકશન કરવામાં આવે છે? ઇન્સ્પેકશન કોણ કરે છે?

જવાબઃ- દર પાંચ વર્ષે લાયસન્સ રીન્યુ. કરાવવું જરૂરી છે. ઉપરાંત રીટેઇલના કિસ્સામાં ફાર્માસીસ્ટ દ્વારા પણ પોતાનું રજીસ્ટ્રેશન નિયમ મુજબ રીન્યુ કરાવવામાં આવતું હોય છે.

સામાન્ય રીતે વર્ષમાં એક વખત રૂટીન ઇન્સ્પેકશન સ્થાનિક જિલ્લાના ડ્રગ ઇન્સ્પેકટર દ્વારા થતું હોય છે. રીન્યુઅલની અરજી સંદર્ભે પણ ઇન્સ્પેકશન કરે છે. ઇન્સ્પેકશનનો કોઇ ફીકસ સમય હોતો નથી. જરૂર જણાયે વર્ષ દરમ્યાન એકથી વધુ વખત પણ ઇન્સ્પેકશન આવી શકે છે. દવા બનાવતી ફેકટરીઓમાં મોટાભાગે સિનિયર ડ્રગ ઇન્સ્પેકટર દ્વારા ચેકીંગ-ઇન્સ્પેકશન કરવામાં આવે છે. જીલ્લા ખાતેના આસીસ્ટન્ટ ડ્રગ કમિશનર (ખોરાક અને ઔષધ નિયમન તંત્ર) નિયંત્રણ હેઠળના કોઇપણ સ્થળે સીધા જ ઇન્સ્પેકશનમાં જઇ શકે છે.

પ્રશ્નઃ- દવાની દુકાનમાં કામ કરતા કર્મચારીઓનું કવોલિફીકેશન શું હોય છે? સરેરાશ કેટલા કર્મચારી કામ કરે છે ?

જવાબઃ- દવાની દુકાનમાં (રીટેઇલ) જો માલિક દ્વારા ફાર્માસીસ્ટ રાખવામાં આવ્યા હોય તો ફાર્માસીસ્ટ ડી ફાર્મ કે બી ફાર્મ હોવા જરૂરી છે. અન્ય કર્મચારીઓ (હેલ્પર) માટે સામાન્ય રીતે કોઇ નિશ્ચિત કવોલિફીકેશન સાંભળવા નથી મળતું. હોલસેલ બિઝનેશમાં તો ફાર્માસીસ્ટ પણ હાલમાં જરૂરી નથી. દવાની દરેક પેઢીમાં એકથી વધારે હેલ્પર્સ જોવા મળતા હોય છે. માલિક સિવાયની સરેરાશ બે વ્યકિત દવાના બિઝનેસ સાથે પેઢી દીઠ સંકળાયેલી હોય છે.

રાજકોટમાં વિકાસ, દેવપુષ્પ, એબીસી, યશ જેવા મોટા મેડીકલ સ્ટોર્સમાં તો ઘણો મોટો સ્ટાફ જોવા મળે છે.

પ્રશ્નઃ- દુકાનમાં એકસપાયર્ડ થયેલ દવાઓની શું પ્રોસીજર છે?

જવાબઃ- એકપાયર્ડ થયેલ દવાઓ વેચવી તે ગુનો બને છે.જેથી તેને અલગ જગ્યાએ કે બોક્ષમાં ભેગી કરી બોક્ષ ઉપર NOT FOR SALE લખવામાં આવે છે .સ્થાનિક કેમીસ્ટ એસોસીએશન દ્વારા નિયત કરેલ તારીખ દરમ્યાન દરેક રીટેઇલર જે-તે હોલસેલરને એકસપાયરી મોકલી આપે છે અને ત્યારબાદ હોલસેલર્સ કંપનીને પરત મોકલી આપે છે. રીટેઇલર્સ-હોલસેલર્સ બંનેને સંતોષકારક અને વ્યવહારિક લાગતા એકસપાયરીના નિયમો કેમીસ્ટ એસોસીએશન રાજકોટ દ્વારા ઘડવામાં આવ્યા છે.

પ્રશ્નઃ- કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન રાજકોટ તથા સૌરાષ્ટ્રમાં હાલમાં કેટલા સભ્યો છે?

જવાબઃ- કેમીસ્ટ એસો.રાજકોટના ૧૦૦૦ જેટલા મેમ્બર્સ છે તથા સૌરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના કુલ પ૦૦૦ જેટલા મેમ્બર્સ નોંધાયેલા છે. બંને સંસ્થાના પ્રમુખ તરીકે મયૂરસિંહ જાડેજા તથા મંત્રી તરીકે અનિમેષ દેસાઇ કાર્યરત છે.

પ્રશ્નઃ- દવાના વેપારીઓ નિયત પ્ય્ભ્ (મેકસીમમ રીટેઇલ પ્રાઇસ) કરતા વધુ ભાવ લેતા હોય તો શું કાર્યવાહી કરી શકાય? કેટલો પ્રોફીટ હોય છે? ડીસ્કાઉન્ટ મળે છે?

જવાબઃ- વધારે ભાવ લેવા તે સજાપાત્ર ગુનો છે. લાયસન્સ સસ્પેન્ડ થઇ શકે છે. કોર્ટમાં કેસ થઇ શકે છે અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટીકસ એકટ ૧૯૪૦ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી સંભવ છે.

દવાના બિઝનેસમાં સામાન્ય રીતે રીટેઇલમાં ૧ર થી ર૩ ટકા સુધીનો તથા હોલસેલમાં ૬ થી ૧ર ટકા સુધીનો પ્રોફીટ હોઇ શકે છે. ઉપરાંત સ્કીમ-કેશ ડીસ્કાઉન્ટ વિગેરેનેા ખરીદીના જથ્થા પ્રમાણે તથા પેમેન્ટ કન્ડીશન પ્રમાણે લાભ વેપારીઓ દ્વારા મેળવાતો હોય છે. સામાન્ય રીતે રેગ્યુલર-લાઇફ ડીઝીઝને લગતી દવાઓમા દવાના ઘણા રીટેઇલર્સ દસ ટકા સુધી ડીસ્કાઉન્ટ તથા ફ્રી હોમ ડીલીવરી આપતા હોય છે.

કોઇક વેપારીઓ છાનેખૂણે-અન્ડર ટેબલ પોતાના લાગતા-વળગતાને દસ ટકાથી પણ વધુ ડીસ્કાઉન્ટ આપતા હોવાની પણ ચર્ચા છે. ઘણા સ્માર્ટ કસ્ટમર્સ તો ઘણી વખત સીધા જ હોલસેલર્સ પાસે પણ પહોંચી જતા જોવા મળે છે.

પ્રશ્નઃ- ડોકટર્સ દ્વારા કે તેનાં સ્ટાફ દ્વારા એલોપેથિક દવાનું કે સર્જીકલ વસ્તુનું ડાયરેકટ વેચાણ થઇ શકે કે નહીં ?

જવાબઃ- નિયમ મુજબ ફાર્માસીસ્ટ, મેડીકલ સ્ટોર માટે જરૂરી જગ્યા, લાયસન્સ વિગેરે ન હોય તો ડોકટર્સ કે તેના સ્ટાફ દ્વારા એલોપેથિક દવા કે સર્જીકલ આઇટમનું વેચાણ ન થઇ શકે. જો કરે તો સજાપાત્ર ગુનો બને છે.

અમુક ડોકટર્સ કે સ્ટાફ દ્વારા પોતાના ઉપરીને અંધારામાં રાખીને તથા દર્દીના સગાને સમજાવીને બિલ વગર પોતાની હોસ્પિટલમાં રહેલી-અગાઉની વધેલી-કંપનીપેક પેકીંગમાં દવા વેચી દેવામાં આવતી હોવાની પણ ચર્ચા છે. અમુક હોસ્પિટલોમાં તો વર્ષોથી પેધી ગયેલો સ્ટાફ જ દર્દી પાસેથી જરૂર કરતા વધુ દવા મંગાવીને પાછળથી લાગતા-વળગતા મેડીકલ સ્ટોર્સમાં ઓછા ભાવે આપી દેતા હોવાનું સંભળાઇ રહ્યું છે.ે આવી ચોરાઉ દવા મેડીકલ સ્ટોર્સના માલિકો પણ મજબુરીવશ હસતે મોઢે સ્વિકારતા હોય છે. ઘણા કિસ્સામાં તો હોસ્પિટલનો જ મેડીકલ સ્ટોર હોય  છે  અથવા હોસ્પિટલના સ્ટાફની ભાગીદારીમાં ચાલતો હોય છે. આશ્ચર્યજનક રીતે અમુક કિસ્સામાં તો હોસ્પિટલ ચલાવતા ખુદ ડોકટરને પણ પોતાના સ્ટાફના આવા 'સમાજ વિરોધી' કૃત્યની ખબર હોવાનું જાણવા મળે છે.

જો કે ઇશ્વરનું રૂપ ગણાતા મોટાભાગના ડોકટર્સ પોતાની હોસ્પિટલમાં શિસ્તના આગ્રહી હોય છે તથા હોસ્પિટલની પ્રતિષ્ઠા તેઓની પ્રાયોરીટી હોય છે.

પ્રશ્નઃ- બજારમાં ચોરાઉ કે ડુપ્લીકેટ દવા મળવાની સંભાવના કેટલી ?

જવાબઃ- વિશ્વાસપાત્ર તથા રેગ્યુલર કેમીસ્ટ પાસેથી દવા ખરીદવાનો આગ્રહ રાખવો. પાકું બિલ લેવું હિતાવહ છે. સાથે-સાથે રીટેઇલર્સ પણ પાકા બિલ સાથે જ હોલસેલર્સ પાસેથી દવા ખરીદે તો ચોરાઉ કે ડુપ્લીકેટ દવાનો ભય રહેતો નથી. ચોરાઉ કે ડુપ્લીકેટ દવા સંદર્ભેના સમાચાર ઘણી વખત સાંભળવા કે વાંચવા મળતા હોય છે. વધારે પડતા અને અશકય લાગતા ડીસ્કાઉન્ટનો મોહ ન રાખવાથી પણ ચોરાઉ કે ડુપ્લીકેટ દવાથી બચી શકાય છે.

પ્રશ્નઃ- પશુઓ માટે દવા (વેટરનરી) રાખતી રાજકોટમાં કેટલી દુકાનો છે? લાયસન્સની પ્રોસીજર શું છે?

જવાબઃ- ૧૦ જેટલી દુકાનો છે. જેનું લાયસન્સ જિલ્લાના ફુડ એન્ડ ડ્રગ ડીપાર્ટમેન્ટ દ્વારા જ આપવામાં આવે છે. દર પાંચ વર્ષે રીન્યુઅલ હોય છે.

પ્રશ્નઃ- જન ઔષધિ કેન્દ્ર (પ્રધાનમંત્રી-મુખ્યમંત્રી) ખાતે દવાઓ સસ્તી કેમ મળે છે? ત્યાં કોરોનાની દવા મળે કે નહીં ?

જવાબઃ- જન ઔષધિ કેન્દ્ર ખાતે સરકારના નિયમ મુજબ જેનરીક દવા (દવાની અંદર રહેલ રસાયણ-કન્ટેઇન્સ) મળે છે. જયારે બ્રાન્ડેડ એલોપેથિક દવાઓમાં જેનરીક દવામાં રહેલ રસાયણ અને કન્ટેઇન્સ તો હોય જ છે. પરંતુ બ્રાન્ડેડ દવા પાછળ થતો સીધો કે આડકતરો માર્કેટીંગ ખર્ચ જેનેરીક દવા પાછળ થતો નથી. માટે તે સસ્તી મળે છે. ટુંકમાં જેનેરીક દવા એટલે બ્રાન્ડેડ દવાનું મૂળ સ્વરૂપ.  જો કે અમુક ડોકટર્સ કે પેશન્ટસ અને એલોપેથીક દવાના વેપારીઓ જેનેરીક દવા સંદર્ભે શંકા ઉત્પન કરતા હોવાની ચર્ચા છે. કોરોનાની સારવારમાં વપરાતી 'ટોલીસીઝુમેબ' તથા 'રેમડેસિવિર' જેવી દવાઓ ડાયરેકટ કંપની દ્વારા કોવિડ હોસ્પિટલ્સને જ મોકલાઇ રહી છે જેથી જન ઔષધિ કેન્દ્રમાં મળવી મુશ્કેલ છે.

પ્રશ્ન :- રાજકોટ તથા જીલ્લામાં કુલ કેટલી લેબોરેટરી છે ? તેમાંથી કેટલી કાયદેસર  માન્યતા ધરાવે છે ?

જવાબ :- સમગ્ર રાજકોટ જીલ્લામાં અંદાજે કુલ ૧૧૦૦ જેટલી પેથોલોજી લેબોરેટરી છે. જેમાં નાની-મોટી થઇને કુલ ૯૦૦ જેટલી લેબોરેટરી રાજકોટ સીટીમાં આવેલ છે. ૫૦ જેટલી લેબોરેટરીઓ એમ. ડી. પેથોલોજીસ્ટ દ્વારા કાર્યરત છે.  અન્ય ૮૫૦ જેટલી લેબોરેટરી (હોસ્પિટલમાં ચાલતી સહિત) મોટાભાગે લેબ ટેકિનશ્યન્સ જ ચલાવતા હોવાની ચર્ચા છે.

નિયમ મુજબ તથા અંદાજે ૬ વર્ષ પહેલાના હાઇકોર્ટના નિરીક્ષણ - સૂચન મુજબ પેથોલોજી લેબોરેટરી ચલાવવા માટે એમ. ડી. પેથોલોજીસ્ટ અનિવાર્ય છે. પરંતુ આ સમગ્ર મેટર સુપ્રીમ કોર્ટમાં પેન્ડીંગ હોવાનું તબીબી સુત્રો જણાવે છે. જેથી હાલમાં તો લેબ ટેકિનશ્યન્સ દ્વારા ચાલતી લેબોરેટરીઓ પણ ધમધોકાર ચાલતી હોવાનું સંભળાઇ રહયું છે. ઘણી લેબોરેટરીઓમાં તો ઓનપેપર એમ. ડી. પેથોલોજીસ્ટ પણ બતાવવામાં આવતા હોય છે. સરકાર પણ નિયમોનું કડક પાલન કરાવે તે જરૂરી છે. જો કે મોટાભાગની તમામ લેબોરેટરીઓમાં ડાયગ્નોસીસ સાચું જ આવતું હોય છે.

પ્રશ્ન :- લેબોરેટરીમાં વિવિધ ટેસ્ટસ (પરીક્ષણો)નો ચાર્જ કેવી રીતે લેવાતો હોય છે?

જવાબ :- સામાન્ય રીતે સરકાર દ્વારા નકકી કરાયેલ કોઇ ફીકસ ચાર્જ હોતો નથી, પરંતુ જે તે શહેર-જિલ્લાના સ્થાને પેથોલોજી એસોસીએશન દ્વારા વિવિધ ટેસ્ટસના ચાર્જ નકકી કરાતા હોય છે. ઓળખાણ-પદ-પ્રતિષ્ઠા પ્રમાણે આ ચાર્જમાં પણ ઘણી વખત ફેરફાર થતા હોય છે.

પ્રશ્ન :- વિવિધ હોસ્પિટલ્સમાં ચાલતી લેબોરેટરી કોણ ચલાવતું હોય છે ?

જવાબ :- મોટાભાગની હોસ્પિટલમાં લેબ ટેકિનશ્યન્સ દ્વારા લેબોરેટરી ચાલતી હોય છે. કારણ કે જો ફુલ ટાઇમ એક એમ. ડી. પેથોલોજીસ્ટને રાખવામાં આવે તો તે ૬૦ હજારથી ૮૦ હજાર રૂપિયા માસિક પગાર લેતા હોય છે. જયારે ફુલ ટાઇમ એક લેબ - ટેકિનશ્યન અનુભવ મુજબ ર૦ થી ૩૦ હજાર માસિક પગાર લેતાં હોવાનું જાણવા મળે છે. ઘણાં કિસ્સામાં હોસ્પિટલની લેબોરેટરીમાં સંબંધના દાવે કોઇ એમ. ડી. પેથોલોજીસ્ટનું નામ પણ રાખવામાં આવે છે.

કારણ કે ઘણી વખત એમ. ડી. પેથોલોજીસ્ટના અભાવે અમુક ઇન્સ્યોરન્સ કંપનીઓ દર્દીઓના મેડીકલેઇમમાં લેબોરેટરીના બિલો પાસ ન કરતી હોવાનું જાણવા મળે છે.

ફુડ એન્ડ ડ્રગ ખાતામાં ભ્રષ્ટાચાર પણ ફુલ્યો ફાલ્યો જોવા મળે છે ?!

રાજયના ખોરાક તથા ઔષધ નિયમન તંત્રના અમુક અધિકારીઓ ભૂતકાળમાં એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં પણ સપડાઇ ચુકયા છે. મેડીકલ સ્ટોરમાં ફાર્માસીસ્ટની ગેરહાજરી, ઇન્સ્પેકશન, એકસપાયરી દવાઓ, દવાના સેમ્પલનુ વેચાણ, રીન્યુઅલ, પેઢીના બંધારણમાં તથા ભાગીદારીમાં ફેરફાર, ફાર્માસીસ્ટમાં ફેરફાર વિગેરે સંદર્ભે અમુક અધિકારીઓ તો વેપારીઓને કાયદાઓનો ડર બતાવીને તથા કોઇપણ રીતે નાનો ફોલ્ટ શોધીને રૂપિયા કટકટાવતા હોવાની પણ દવાબજારમાં કાન ફાડી નાખે તેવી ચર્ચા છે. નાના-મોટા દવાના રીટેલર્સ, હોલસેલર્સ તથા ફેકટરી માલિકો પાસેથી રોજના કેશ કાઉન્ટર તથા ટર્નઓવરને ધ્યાને રાખીને બે હજારથી માંડીને પાંચ આંકડા સુધીની રકમો પણ કરપ્શન પેટે લેવાતી હોવાનું સંભળાઇ રહ્યું છે.આમાં મહિલા અધિકારીઓ પણ બાકાત નથી.

રાજકોટની લેબોરેટરીમાં થતાં વિવિધ ટેસ્ટસના સંભવિત ચાર્જીસ

 - સીબીસી

 -ર૦૦ રૂપિયા

- સુગર

-૧૦૦ રૂપિયા

- સાદો યુરીન

-૧૦૦ રૂપિયા

- લીપીડ પ્રોફાઇલ

-પ૦૦ રૂપિયા

- થાયરોઇડ

-પ૦૦ રૂપિયા

- એલર્જી ટેસ્ટ (અલગ - અલગ પ્રોફાઇલ મુજબ) ૧પ૦૦ થી પ૦૦૦ રૂપિયા

- કેલ્શીયમ

-ર૦૦ રૂપિયા

- વિટામીન ડી

-૮૦૦ થી ૧૦૦૦ રૂપિયા (માત્ર ૩ થી ૪ કંપની જ આ ટેસ્ટ માટેનું સ્પેશ્યલ કેમીકલ બનાવે છે. જે ઘણું મોંઘુ હોવાનું તબીબી સૂત્રો કહે છે. તો પ્રમાણમાં નાની ગણાતી ઘણી લેબોરેટરીઓ વિટામીન ડી નો ટેસ્ટ ૩૦૦ થી ૪૦૦ રૂપિયામાં કઇ રીતે કરે છે ? તે બાબતે અસમંજસ પ્રવર્તે છે.)

- માત્ર ૧૦૦૦ થી ૧ર૦૦ રૂપિયામાં મલ્ટી ટેસ્ટસ એટલે કે સમગ્ર બોડી પ્રોફાઇલ પણ વિવિધ લેબોરેટરી ચેઇન (ફ્રેન્ચાઇઝી) દ્વારા થતાં હોવાનું જાણવા મળે છે.

(ઉપરોકત તમામ ચાર્જીસમાં ફેરફાર પણ થઇ શકે છે.)

(2:48 pm IST)