Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ઘરે મોડો આવતાં પિતા ખીજાયાઃ નવાગામમાં બે બહેનના એકના એક ભાઇ અજયની આત્મહત્યા

રિક્ષાચાલક કોળી યુવાન રાતે ૧૧ વાગ્યે ઘરે આવ્યો ને ઉપરના રૂમમાં જઇ પંખામાં લુંગી બાંધી ગળાફાંસો ખાઇ લીધોઃ સ્વજનોમાં ગમગીની

રાજકોટ તા. ૨૭: નવાગામ મામાવાડીમાં રહેતાં અજય વલ્લભભાઇ મકવાણા (ઉ.વ.૨૨) નામના કોળી યુવાને મોડી રાત્રે ઘરે પંખામાં લુંગી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. આ યુવાન બે બહેનનો એકનો એક નાનો ભાઇ હતો.

અજયના પિતા વલ્લભભાઇ ટપુભાઇ કારખાનામાં કામ કરે છે. તેણે કહ્યું હતું કે રાત્રે દસેક વાગ્યે હું નીચે હતો ત્યારે અજય રિક્ષા લઇને બહારથી આવ્યો હતો અને ઉપર પોતાના રૂમમાં ગયો હતો. એ પછી રાતે અગિયારેક વાગ્યે બારીમાંથી તેનો શર્ટ દેખાતો હોઇ હું ગભરાઇને ઉતર જોવા જતાં તે લટકતો જોવા મળ્યો હતો. બેભાન થઇ ગયો હોઇ ૧૦૮ને બોલાવાઇ હતી. પરંતુ તેના તબિબે તેને મૃત જાહેર કરતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

કુવાડવાના એએસઆઇ એન. આર. વાણીયા અને જયદિપભાઇ લાઠીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો બહાર આવી હતી કે રાતે અજય ઘરે મોડો આવતો હોઇ પિતાએ ઠપકો આપતાં કદાચ માઠુ લાગી જવાથી આ પગલુ ભરી લીધુ હશે. વિશેષ નિવેદન નોંધવાના બાકી છે. એકના એક યુવાન દિકરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:08 pm IST)