Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

અભ્યાસ એમબીબીએસનો, વર્તન અત્યંત શરમજનકઃ યુવતિને ન કહેવાના શબ્દો કહેનારાને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો

વિજય રૂપાણી માસા થાય છે, મનોહરસિંહ જાડેજા મારા પપ્પાના મિત્ર છે... એવા બણગા ભારે પડ્યાઃ વાયરલ વિડીયોને આધારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે પગલા લેવડાવ્યાઃ યુવતિની મદદ કરનારા પ્રણવ વ્યાસ નામના યુવાનની અરજી પરથી કાર્યવાહીઃ પાર્થ જસાણીને રાત લોકઅપમાં વિતાવવી પડી

રાજકોટ તા. ૨૭: શનિવારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો. જેમાં કારમાં બેઠેલો એક શખ્સ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પોતાના માસા થતાં હોવાનું અને ડીસીપી મનોહરસિંહ જાડેજા પોતાના પપ્પાના મિત્ર હોવાનું કહેતો હતો. તેમજ પોતાના પિતા વકિલ છે અને પોતે સર્જન છે...તેવું બોલી એક યુવતિની સાથે અત્યંત ક્ષોભજનક શબ્દો બોલી રહેલો જોવા મળ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. ગાંધીનગરથી સુચના મળતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે તાકીદે તપાસ શરૂ કરાવી હતી. તપાસને અંતે નિર્મલા રોડ પર સરસ્વતિ સોસાયટીમાં રહેતાં અને મેડિકલ કોલેજમાં એમબીબીએસનો અભ્યાસ કરતાં પાર્થ સંજયભાઇ જસાણી (જૈન વણિક) (ઉ.વ.૨૯)ને શોધી કાઢ્યો હતો અને કાયદાનો પાઠ ભણાવ્યો હતો.

વિડીયો વાયરલ થયા બાદ તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવતાં પીઆઇ વી. કે. ગઢવી અને ટીમે દોડધામ આદરી હતી અને કારમાં બેસી બેફામ વાણીવિલાસ કરતાં પાર્થ જસાણીને શોધી કાઢ્યો હતો અને ગાંધીગ્રામ પોલીસને સોંપવામાં આવ્યો હતો. પીઆઇ કે. એ. વાળાની રાહબરીમાં પીએસઆઇ આર. એસ. પટેલ, દિવ્યરાજસિંહ, વનરાજભાઇ, દિગ્વીજયસિંહ સહિતે નિવેદન નોંધી કાર્યવાહી કરી હતી. યુવતિને મદદ કરનારા પ્રણવ વ્યાસ નામના યુવાનને પણ કાર ચાલકે એલફેલ શબ્દો કહ્યા હોઇ પોલીસે પ્રણવની અરજી નોંધી હતી. યુવતિને પણ પોલીસે શોધી કાઢી હતી. પરંતુ અભ્યાસમાં વાંધો પડે તેમ હોઇ તે ફરિયાદ નોંધાવવા તૈયાર થઇ નહોતી. પ્રણવની અરજી પરથી પોલીસે પાર્થ સામે ૧૫૧ હેઠળ પગલા લેવડાવ્યા હતાં. ફરીથી ક્રાઇમ બ્રાંચને સોંપાતા તેને રાત લોકઅપમાં વીતાવવી પડી હતી.

પોલીસની તપાસમાં ખુલ્યું હતું કે યુવતિ સાઇકલીંગમાં નીકળી હતી ત્યારે પાર્થએ અચાનક યુ ટર્ન લેતાં સાઇકલને ટક્કર લાગી ગઇ હતી અને યુવતિ પડી ગઇ હતી. તેણે જોઇને કાર ચલાવવા કહેતાં પાર્થ ઉશ્કેરાયો હતો અને ન બોલવાનું બોલી ગયો હતો. લોકો પોતાને મારકુટ કરશે તેવો ભય લાગતાં તેણે મુખ્યમંત્રી, ડીસીપી સહિતને પોતે ઓળખતો હોવાની વાત કરી હોવાનું રટણ તેણે કર્યુ હતું. વિડીયો જે કોઇએ જોયો તે તમામે એમબીબીએસના છાત્રના વાણીવિલાસને વખોડી કાઢ્યો હતો.

(1:06 pm IST)