Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

કોર્પોરેશનના અધિકારીઓ સાવધાન : અરજદારને માહિતી ન આપવા બદલ દંડ થયો : RTI હેઠળ કરી'તી ફરિયાદ

જાહેર માહિતી અધિકારીએ બંને પક્ષકારોને સાંભળી અરજદાર તરફે આપ્‍યો નિર્ણય : અરજદારે રેકર્ડ નિરીક્ષણ માંગ્‍યું હતું : અધિકારી આપતા ન્‍હોતા : આખરે RTI હેઠળ મેળવશે

રાજકોટ તા. ૨૭ : રાજ્‍ય માહિતી આયોગે મ્‍યુનિ. કોર્પોરેશનના આસી. મેનેજરને નિયત સમય મર્યાદામાં RTI કાયદા હેઠળ (RTI એકટ) માહિતી ન આપવા બદલ રૂા. ૧ હજારનો દંડ ફટકાર્યો છે. રાજ્‍ય માહિતી કમિશનરે ધ્‍યાનમાં આવ્‍યું કે, રાજકોટ મહાનગરપાલિકાના આસી. કમિશનરે સક્રિય જાહેરાત હેઠળ લોકોને ઉપલબ્‍ધ કરાવવામાં આવતી પ્રાથમિક માહિતી આપવામાં જરૂરી બિનજરૂરી વિલંબ કર્યો હતો. આ આ RTI ૨૨ જૂન ૨૦૨૧ના રોજ દાખલ કરવામાં આવી હતી અને ૧ એપ્રિલના રોજ માહિતી આયોગ સમક્ષ સુનાવણી માટે આવી હતી.

RTI અરજદાર નવીનભાઇ રાયગગલાએ માંગેલ માહિતી અન્‍વયે પ્રથમ અપીલ અધિકારીના હુકમ બાદ જાહેર માહિતી અધિકારીના ૨૨ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના પત્રથી તેઓને ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ નિરીક્ષણ માટે બોલાવેલ હતા. તા. ૨૮ સપ્‍ટેમ્‍બર ૨૦૨૧ના રોજ તેઓ રેકોર્ડ નિરીક્ષણ અર્થે હાજર રહ્યા હતા પરંતુ જાહેર માહિતી અધિકારી દ્વારા તેઓને રેકોર્ડ નિરીક્ષણ પુરૂં પાડેલ નહતું.

રાજ્‍ય માહિતી કમિશનરે કરેલ હુકમમાં જણાવ્‍યું હતું કે, મનપાના અધિકારીઓને નોટીસ આપવા છતાં પણ સમયસર માહિતી પૂરી પાડવામાં આવી રહી નથી.

મહત્‍વનું છે કે, કોઇપણ નાગરિક કોઇ પણ વિભાગની માહિતી મેળવવા માંગતી હોય તો RTI કરી શકે છે. જેનો જવાબ જે તે વિભાગના અધિકારી દ્વારા ચોક્કસ સમયમાં આપવો જરૂરી છે. જો એમ કરવામાં વિલંબ થાય તો તેના પર કાર્યવાહી થઇ શકે છે. આ પહેલો કિસ્‍સો નથી કે અધિકારી દ્વારા માહિતી આપવામાં વિલંબ કરવામાં આવ્‍યો હોય. આવા અનેક કિસ્‍સાઓ સામે આવી ચૂક્‍યા છે કે જે તે વિભાગના અધિકારી દ્વારા માહિતી આપવામાં વિલંબ કરવામાં આવ્‍યો હોય ત્‍યારે કેવડાવાડીમાં રહેતા નવીનભાઇ રાયગગલાએ મનપાની વેરા શાખામાં RTI કરીને માહિતી માગી હતી.

આ માહિતીની વિગતો અધુરી અને સમય મર્યાદામાં ન આપવાના કારણે સ્‍ટેટ ઇન્‍ફોર્મેશન કમિશનરે આસી. મેનેજરને ૧ હજારનો દંડ ફટકાર્યો હતો.

(4:37 pm IST)