Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ગોંડલનું ‘સપ્તક' ગ્રુપ તુર્કીમાં ગરબે ઘુમશે

આંતરરાષ્‍ટ્રીય ફોક ડાન્‍સ સ્‍પર્ધામાં ભારત સરકાર દ્વારા ગોંડલના ગ્રુપની પસંદગી : ૩૦ જુલાઇએ ૧૧ સભ્‍યો વ્‍હાઇટ પાસપોર્ટ દ્વારા તુર્કી જશેઃ ‘સપ્તક'ના સ્‍થાપક ચેતન જેઠવા ‘અકિલા' ની મુલાકાતેઃ ચેતનભાઇ સાત દેશોમાં ગરબા-રાસ ખેલી ચૂકયા છે

ચેતનભાઇ જેઠવા અને તેના ગ્રુપના ખેલૈયાઓ તસ્‍વીરમાં દર્શાય છે.

રાજકોટ તા. ર૭ :.. ગોંડલનું ‘સપ્તક' ગ્રુપ તુર્કીમાં રાસ-ગરબાની રમઝટ બોલાવશે. આંતરરાષ્‍ટ્રીય ફોક ડાન્‍સ સ્‍પર્ધામાં ભારત સરકારે ‘સપ્તક' ની પસંદગી કરી છે.  આ ગ્રુપ ભારત તરફથી રમવા જશે. ‘સપ્તક' ગ્રુપના સ્‍થાપક ચેતનભાઇ જેઠવા ‘અકિલા' ની મુલાકાતે આવ્‍યા હતાં.

તેઓએ જણાવ્‍યું હતું કે, ગોંડલ ગામમાં છેલ્લાં ઘણાં સમયથી રાસ ગરબાના ક્‍લાસ ચલાવતાં અને રાસ ગરબા વિશેની પ્રવૃત્તિ કરતાં વિખ્‍યાત લોકનૃત્‍યકાર ચેતન જેઠવા અને એમના ‘સપ્‍તક ફોક ડાન્‍સ ગ્રુપ' ના અગીયાર રાસ ગરબાના વિદ્યાર્થીઓને ભારત સરકાર લોકનૃત્‍યના પર્ફોર્મન્‍સ માટે ‘તુર્કિ' મોકલી રહી છે. જયાં તેઓ  ૩૪ દેશોમાંથી આવેલાં લોકનૃત્‍યકારોની વચ્‍ચે ભારતનુ પ્રતિનિધીત્‍વ કરશે. આ કાર્યક્રમમાં દરેક દેશે પોતાની ફક્‍ત એક જ ટીમ મોકલવાની હોય છે. જેમાં સમગ્ર ભારતમાંથી આ ટીમની પસંદગી થઇ છે. તા. ૨ થી ૭ જૂલાઇ દરમ્‍યાન તુર્કિમાં એમના પર્ફોર્મન્‍સીઝ છે. આ ગ્રુપના કર્તાહર્તા ચેતન જેઠવા ત્રીજી વાર ભારત દેશનુ પ્રતિનિધીત્‍વ કરવાં જઇ રહ્યાં છે. આ અગાઉ ૨૦૧૪માં યુરોપના પાંચ દેશોમાં સોળ પર્ફોર્મન્‍સ તેમજ ર૦૧૭ માં તાન્‍ઝાનિયામાં કુલ ચાર પર્ફોર્મન્‍સમાં પણ એમણે સમગ્ર રાષ્ટ્રની આગેવાની લીધેલ છે. આ ઉપરાંત નેપાળ અને ઓમાનમાં પણ એમણે અને એમની ટીમે રાસ-ગરબા રજુ કરેલ છે.

ખાસ વાત એ છે કે ભારત સરકાર એમને તુર્કિ મોકલવાં માટે સ્‍પેશ્‍યલ વ્‍હાઇટ પાસપોર્ટ ઇશ્‍યુ કરશે. જેને ઓફિશીયલ પાસપોર્ટ પણ કહેવાય છે. જે બ્‍લ્‍યુ પાસપોર્ટ કરતાં અલગ હોય છે. અને વ્‍હાઇટ પાસપોર્ટ પર ટ્રાવેલ કરવું એનો મતલબ એ છે કે તમે સમગ્ર રાષ્ટ્ર વતી પર્ફોર્મ કરવાં જઈ રહ્યાં છો. અને આ વ્‍હાઇટ પાસપોર્ટ પર તેઓ બીજી વાર ટ્રાવેલ કરશે. સમગ્ર ગુજરાતમાંથી વ્‍હાઇટ પાસપોર્ટ પર એક કરતાં વધારે મુસાફરી કરનાર ચેતન જેઠવા અને એમની ટિમના બે સભ્‍યો જયદિપ રૈયાણી અને દેહુતી સોલંકી એ ત્રણ લોકો પહેલા વ્‍યક્‍તિ છે.

આ ઉપરાંત ચેતન જેઠવાએ વર્ષ ૨૦૧૨ માં રાષ્ટ્રિય કક્ષાના બ્‍લોકબસ્‍ટર મેગા હિટ કાર્યક્રમ  ‘કૌન બનેગા કરોડપતિ' માં પણ મિલેનીયમ સ્‍ટાર અમિતાભ બચ્‍ચનની સામે ગરબા પ્રસ્‍તુત કરીને ગરબાને ટેલિવિઝન સુધી પહોચાડેલ છે. એમનો આખો એપિસોડ જ નવરાત્રી સ્‍પેશ્‍યલ અને ગરબા સ્‍પેશ્‍યલ હતો. જેમાં ચેતન જેઠવા રૂ. ૬,૪૦,૦૦૦ જીત્‍યા હતાં. રાષ્ટિય અને આંતરરાષ્ટ્રિય સ્‍તરે ચેતન જેઠવા અને એમના ગ્રુપે લગભગ પાંચસો કરતાં પણ વધારે પર્ફોર્મન્‍સિઝ આપેલ છે. અને એવી જ રીતે ચેતન જેઠવા રાષ્‍ટ્રિય અને આંતરરાષ્ટ્રિય સ્‍તરે રાસ ગરબાની હરિફાઇમાં નિર્ણાયક તરીકે પણ અનેક વખત ગયાં છે.

અથાણાના માસ્‍ટર

ગરબા કિંગ ચેતનભાઇ અથાણા બનાવવાના પણ નિષ્‍ણાત છે. લોકડાઉનમાં તેઓએ અથાણા બનાવવાનો વ્‍યવસાય વિસ્‍તાર્યો હતો. ર૦ પ્રકારના અથાણાએ ધુમ મચાવી હતી. કેમિકલ-કલર-પ્રિર્વેટિવ વગરના પ્‍યોર સત્‍વ-સ્‍વાદથી ભરપુર અથાણા તેઓ ‘ચેતન પીકલ્‍સ' બ્રાન્‍ડથી વેચે છે. ડારા-ગરમર સહિતના પરંપરાગત અથાણાનો સ્‍વાદ માણવા જેવો છે.

ચેતનભાઇના ગ્રુપની તુર્કી માટે પસંદગી થતા તેઓને મો. ૯૮૭૯૦ ૭૬૭૦૦ નંબર પર અભિનંદનનો મળી રહ્યા છે.

(4:23 pm IST)