Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

સ્‍વ.આપાભાઈ ગઢવી કવિ ‘આપ' સ્‍મૃતિ વિશેષ ‘સંભારણાં' કાર્યક્રમઃ મોગલ છેડતા કાળો નાગ... હાલ તને હાલ સૌરાષ્‍ટ્ર બતાવું... જેવી લોકરચના રજૂ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રના જાણીતા કવિ, લેખક , ગાયક ,વકતા, સ્‍વરકાર-સંગીતકાર સ્‍વ. આપાભાઈ ગઢવી (કવિ ‘આપ') ની ૨૮મી પુણ્‍યતિથિ નિમિતે કવિ આપ પરિવાર દ્વારા ‘સંભારણા' કાર્યક્રમ યોજાય ગયો.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત કલાકાર સમુહ સહ સરગમ કલબના ચેરમેન ગુણવંતભાઈ ડેલાવાળા સહિતકવિ આપના પુત્ર નરહર ગઢવી દ્વારા દિપ પ્રાગટય બાદ કાર્યક્રમનો પ્રારંભ કર્યો. જેણે આપાભાઈની અનેક રચનાઓ ગાઈ દેશ વિદેશમાં ખ્‍યાતિ અર્જિત કરી છે એવા હેમંત ચૌહાણે ગણપતિ વંદના, કોઈ માટેલ જઈ મનાવો, હાલ તને હાલ સૌરાષ્‍ટ્ર બતાવું, હે માનવ વિશ્વાસ કરી લે આદિ આપાભાઈની રચના રજુ કરી શ્રોતાગણને ભાવવિભોર કરેલ. કવિ આપની રચના અને કવિપુત્ર નરહર ગઢવીના સ્‍વરાંકનનું, પોતાની સંગીત કારકિર્દીમાં સવિશેષ અદકેરૂં સ્‍થાન છે. એવું કહી કીર્તિદાન ગઢવીએ જાણે ઉગ્‍યું મંદિરીયામાં આભ, ઉગમણે બારણે, તમોને મુબારક, તમારી અમીરી, ઉગમણે બારણે અને મોગલ છેડતાં કાળો નાગ રજુ કરી ઘેલું લગાડેલ.

કવિ આપ સાહિત્‍ય શોધ ઇતિહાસ વિગત સંદર્ભે અણનમ માથા વિદ્વાન વિસળ રાબાના હયાત કાળ નિર્ણય તવારીખની સાડા ચારસો વરસ જૂની અણઉકેલ લીપીને કવિ આપની એતહાસિક વાત ‘પાળિયાની પ્રભૂતા'ના આધારે ઉકેલવામાં કાર્યરત કવિપુત્ર નરહર ગઢવીને હાલ અમેરીકા વસતા,સંસ્‍થાન હળવદ ધ્રાંગધ્રા મહારાજા સાહેબશ્રી જયસિંહજીએ પોતાના રાજ રેકોર્ડ ભંડારની ઐતહાસીક દસ્‍તાવેજકિય પુરાવાનોંધો, રાજસંસ્‍થાનના ઓફીસર અનીરૂદ્ધસિહ જાડેજા મારફત નરહર ગઢવીને પ્રસ્‍તુત ‘સંભારણાં'કાર્યક્રમ દરમ્‍યાન સોંપી એમને સન્‍માનિત કર્યા.

પૂનમ ગોંડલિયા અને બીરજુ બારોટના યુગ્‍મ સ્‍વરોમાં આપાભાઈ રચિત કાગળિયા લખી લખી થાકી, મોરલાં બોલે રે મણિયારો, કહે રાધે રાઈ છંદ અને લગ્નગીત સોનાનો સૂરજ ઉગિયો જેવા કવિપુત્ર નરહર ગઢવીના સ્‍વરાંકને નોખી ભાત્‍ય પાડી. ધીરૂભાઈ સરવૈયાએ સામાન્‍ય જનસમુહથી લઈ સ્‍વર કિન્‍નરી લતા મંગેશકર જેવા જેના પ્રશસંક રહ્યાં એવા આપાભાઈના ગીત ભજન વગર લોકસંગીતનો કાર્યક્રમ અધુરો ગણાય એવું કહી આપાભાઈની સૌરાષ્‍ટ્રવંદના સહિતની કળતિઓ રજુ કરી. અનુભા ગઢવીએ આપાભાઈના રોચક ગદ્ય અને ચારણી સાહિત્‍યના સપાખરા,ભૂજંગી, ચર્ચરી આદિ છંદની રમઝટ બોલાવી વર્ષાઋતુનું આબાદ વાતાવરણ ખડું કર્યુ.આપાભાઈના એક એક શબ્‍દ પર વિવરણ કરીએ તો રાતોની રાત ટુંકી પડે એવા કૌવત છે એમાં, એમ કઢી કવિ આપની લોક-ચારણી સાહિત્‍યની એકધારી પકકડની છણાવટ કરી.

લોકસાહિત્‍ય પરિવારના બાબુભાઈ મેઘજીભાઈ શાહ, સૌરાષ્‍ટ્ર સંગીત નૃત્‍ય નાટક અકાદમીના આચાર્યા શ્રી સંગીત વિદુષી પિયુબેન સરખેલ સહ કવિ આપના ચાહકો અભિભાવકોની વિશાળ ઉપસ્‍થિતિ સહ કવિપુત્ર નરહર આપાભાઈ ગઢવીના સંચાલન, સંકલન અને ઈકબાલ હાજી ઉસ્‍તાદ શબ્‍બિર ઉસ્‍તાદ, બળવંત ગોસાઈ, અભય વ્‍યાસ, શ્‍યામ - કાનજી -વિજય-પ્રકાશની સુરીલી સાઝ સંગતે લોકોએ મન ભરીને પ્રસ્‍તુત ‘સંભારણા' કાર્યક્રમ માણેલ

(3:36 pm IST)