Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પ્રમુખમાર્ગઃ રથયાત્રા

પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી લેખમાળા

અષાઢ સુદ બીજ રથયાત્રાનો પરમપવિત્ર દિવસ છે. આ દિવસે મહાભારતનો ગીતારથ સહેજે જ યાદ આવી જાય. કૌરવપક્ષે અગિયાર અક્ષૌહિણી સેના અને પાંડવપક્ષે ફકત સાત અક્ષૌહિણી સેના, વળી કૌરવ પાસે ભીષ્મ, દ્રોણ, કર્ણ વગેરે મહાન સેનાપતિઓ અને પાંડવપક્ષે તેની બરોબરી કરી શકે તેવા એક અર્જુન જ સેનાપતિ. તો પણ મહાભારતના આ યુદ્ઘમાં જીત પાંડવોની થઈ તેનું કારણ ભગવાન શ્રીકૃષ્ણ. ભગવદ્ગીતાના અંતે વ્યાસજી કહે છે જેના રથના સારથી યોગેશ્વર ભગવાન શ્રીકૃષ્ણ છે, જેની સાથે ધનુષ્યધારી અર્જુન છે ત્યાં વિજય નિશ્ચિત જ છે.

મહાભારતના યુદ્ઘમાં પૂર્વે શ્રીકૃષ્ણ ભગવાન પાસે મદદ માંગવા અર્જુન અને દુર્યોધન એક જ સમયે ગયેલા. બંને સામે ભગવાન શ્રીકૃષ્ણે સ્પષ્ટ કહ્યું કે, 'તમને પસંદ હોય તે એક વસ્તુ તમને મળશે. એક તો મારી નારાયણીસેના અને બીજો હું પોતે. પણ એટલો ખ્યાલ રાખજો કે હું યુદ્ઘમેદાનમાં શસ્ત્ર લઈશ નહીં.' દુર્યોધનની દ્રષ્ટિ સ્થૂળ હતી તેથી તે નારાયણીસેનામાં લોભાયો. જયારે અર્જુન ભકત હતા તેમને તો ભગવાનનો ખપ હતો તેથી આનંદ સાથે તેમણે ભગવાનને પોતાની સાથે રાખ્યા. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનના રથના સારથી થયા. અર્જુને કેવળ સ્થૂળરથના જ સારથી નહીં પણ પોતાના મન, બુદ્ઘિ અને જીવના પણ સારથી એટલે કે માલિક શ્રીકૃષ્ણ ભગવાનને કરી રાખેલા.

આ જ સાચી રથયાત્રા છે. જે પોતાનો જીવનરથ ભગવાનને સોંપી દે તેને કોઈ ભય કે ચિંતા રહેતી નથી. તેને સુખમાં કે દુઃખમાં સદાય સ્થિરતા રહે છે. જીવનનો પ્રત્યેક માર્ગ તેના માટે સુગમ થઈને રહે છે.

મહાભારતના યુદ્ઘ દરમ્યાન ભીષ્મે પ્રતિજ્ઞા કરી કે, 'આવતી કાલે કાં તો હું નહીં, કાં તો અર્જુન નહીં.' આ સમાચાર મળતા પાંડવોની છાવણીમાં હાહાકાર થઈ રહ્યો તે જોઈ શ્રીકૃષ્ણ ભગવાનને વિચાર આવ્યો કે, 'અર્જુનની શી સ્થિતિ હશે' તેઓ અર્જુનના નિવાસે પધાર્યા. જોયું તો અર્જુન ઘસઘસાટ ઊંઘતો હતો. ભગવાનને તેને જગાડ્યા. 'અર્જુન ! ભીષ્મની પ્રતિજ્ઞાના તને સમાચાર મળ્યા? આવતી કાલે તારૃં મૃત્યુ નિશ્ચિંત છે તે તને ખબર છે?' અર્જુન હસતા હસતા હા કહી. તો પછી 'તું આમ ઊંઘે છે કેમ?' શ્રીકૃષ્ણ ભગવાને પૂછ્યું. 'આપ જાગો છો તેથી હું નિશ્ચિંત થઈ સૂઈ શકું છું. જે કંઈ થશે તેના કરનારા આપ છો પછી મારે બીક કોની? મેં મારા જીવનની લગામ આપને સોંપી છે પછી મને ચિંતા શેની?'

ભગવાનને જે સારથી બનાવે તેની આ સ્થિતિ છે તે કોઈપણ સંજોગોમાં નિશ્યિંત, નિર્ભય થઈ રહે છે.

પ્રમુખસ્વામી મહારાજની પ્રેરણાથી લંડનમાં શિખરબદ્ઘ મંદિર કરવાની પ્રવૃત્ત્િ। શરૃ થઈ. હરિભકતોએ ઉત્સાહ સાથે લંડનના હેરો વિસ્તારમાં જમીન સંપાદન કરી. મંદિર માટે જરૃરી સરકારી કાર્યવાહી શરૃ થઈ અને અણસમજુ યુરોપિયનોએ વિરોધ શરૃ કર્યો. આ મામલો કોર્ટના દરવાજે પહોંચ્યો. હરિભકતોએ અથાગ પુરૃષાર્થ અને નમ્રતાભરી વિનંતી કરી હોવા છતાં કોર્ટે તે જમીન પર મંદિર બાંધવાની પરવાનગી ન આપી. કેસ હારી ગયા. આનું દુઃખ ભકતોને અસહ્ય હતું.

આ વાતની જાણ ફોન દ્વારા ભારતમાં સંતો ભકતોને થતા તેઓને પણ સખત આંચકો લાગ્યો. તેઓ પ્રમુખસ્વામી મહારાજ પાસે દોડી આવ્યા. તે સમયે પ્રમુખસ્વામી મહારાજ આરામમાં જતા પથારી પર બિરાજેલા. ભકતોએ પોતાની હૈયાવરાળ ઠાલવી તેમાં 'આમ કેમ થયું? ' તે પ્રશ્ન મુખ્ય હતો.

આ વાત સાંભળતા પ્રમુખસ્વામી મહારાજના ચહેરા પર જરાય વ્યથા કે અણગમાના ભાવ નહોતા. તેઓ તો સૂવા માટે આડા પડતા શાંતિથી બોલ્યા, 'આપણે સવાસો ટકા પ્રયત્ન કર્યો છે પણ મહારાજ (ભગવાન સ્વામિનારાયણ)ને આપણી વધુ સેવા લેવી હશે તેથી આમ થયું.' તેઓ તે રીતે કહી રહ્યા હતા કે ભગવાને જે કર્યું તેમાં સારૃં જ થવાનું છે. આમ કહેતા કહેતા પ્રમુખસ્વામી મહારાજ પથારીમાં સૂઈ ગયા.

સંતો ભકતોને તે રાત્રે ઊંઘ ન આવી તેથી તેમણે ફરી પ્રમુખસ્વામી મહારાજના ઓરડામાં અડધી રાતે ડોકીયું કર્યું. પ્રમુખસ્વામી મહારાજ તો ઘસઘસાટ સૂતા હતા. સૌને આ જોઈ આશ્ચર્ય થયું સૌને તે સમયે ખ્યાલ આવ્યો કે પ્રમુખસ્વામી મહારાજ ભલે પથારીમાં સૂતેલા જણાય છે પણ તેઓ તો ભગવાનના રથમાં જ છે. તેઓએ પોતાના જીવનની કે કાર્યની સઘળી લગામ ભગવાનને સોંપી દીધી છે તેથી તેઓ નિશ્ચિત છે, નિર્ભય છે.

કેવળ એક દિવસે જ નહીં, પણ સમગ્ર વર્ષ દરમ્યાન, કેવળ એક વર્ષ દરમ્યાન જ નહીં પણ જીવનના પ્રત્યેક વર્ષ દરમ્યાન, પ્રત્યેક પળે પળે રથયાત્રા મહોત્સવ ઉજવવાનો છે. તેની કળા પ્રમુખસ્વામી મહારાજ જેવા સંતો પાસેથી શીખવાની છે, તે જ આપણા જીવનનો પ્રમુખમાર્ગ બની રહેવો જોઈએ

સાધુ નારાયણમુનિદાસ

(3:18 pm IST)