Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

લવેમેરેજ કરનારા મુકેશ કોળીને સાસરિયા તરફથી ત્રાસઃ કંટાળીને સીપી કચેરીએ દંપતિનો આત્મવિલોપનનો પ્રયાસ

ચુનારાવાડના મુકેશ માલકીયા અને તેના ભાઇ જોનીશ પર ગત રાતે મુકેશના સાળા જનક સહિતે આવી હુમલો કર્યો'તો

રાજકોટઃ શહેરના ચુનારાવાડ-૭માં રહેતાં મુકેશ જેન્તીભાઇ માલકીયા (ઉ.૨૫) નામના કોળી યુવાન પર ગત રાતે કલાણા ગામેથી આવેલા તેના સાળા સહિતે હુમલો કરી તેને તથા નાના ભાઇ જોનીશ માલકીયા (ઉ.૨૧)ને ધોકા-ગુપ્તીથી ઘાયલ કરતાં બંને ભાઇઓ સિવિલમાં દાખલ થયા હતાં. સારવાર બાદ રાતે જ રજા લીધી હતી. દરમિયાન આજે બપોરે મુકેશ માલકીયા તેની પત્નિ મનિષા સાથે પેટ્રોલ લઇ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો હતો અને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે પોલીસે તેને અટકાવી લીધો હતો. મુકેશે જણાવ્યું હતું કે મેં બે વર્ષ પહેલા અમારી જ જ્ઞાતિની જેતપુરના કલાણા ગામની યુવતિ મનિષા મહેશભાઇ બારૈયા સાથે લવમેરેજ કર્યા છે. આ પ્રેમલગ્ન કરતાં મારા સાસરિયાએ સમાધાન પેટે બે લાખ માંગ્યા હતાં. પરંતુ મારી પાસે પૈસા ન હોઇ દીધા નહોતાં. ત્યારથી મનદુઃખ ચાલે છે. ત્યાં ગત રાતે રવિવારે મારો સાળો જનક મહેશભાઇ બારૈયા અને તેના મિત્રો અરવિંદ, વનરાજ સહિતના મારી ઘરે આવ્યા હતાં. હું ત્યારે વાળુ કરવા બેઠો હોઇ મેં સાળાને આવકાર આપ્યો હતો. પરંતુ તે અંદર આવ્યા નહોતાં. હું જમીને બહાર નીકળતાં સીધો જ ધોકાથી હુમલો થયો હતો. દેકારો સાંભળી મારો ભાઇ જોનીશ માલકીયા (ઉ.૨૧) છોડાવવા આવતાં તેને આંખની ઉપરના ભાગે ગુપ્તી ઝીંકી દેવાતાં ત્રણ-ચાર ટાંકા લેવા પડ્યા હતાં. મેં લવમેરેજ કર્યા હોઇ તે કારણે સાસરિયા તરફથી સતત હેરાનગતિ થાય છે. આ મામલે અગાઉ પણ રજૂઆતો ફરિયાદો કરી હોવા છતાં સાસરિયા સતત હેરાન કરતાં હોઇ અને ફરી વખત હુમલો કર્યો હોઇ કંટાળી જતાં પોતે સળગી મરવા પત્નિ સાથે પોલીસ કમિશનર કચેરીએ આવ્યાનું મુકેશે વધુમાં જણાવ્યું હતું.

(4:31 pm IST)