Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

આઝાદી પૂર્વે સ્‍વાતંત્ર્ય સૈનિકોની લડતનો ઈતિહાસ

ગાંધીજીની હત્‍યાનાં આઠ આરોપીઓમાંથી બે આરોપીઓને ફાંસીઃ પાંચને જન્‍મટીપની સજા અને એક તાજનો સાક્ષી બન્‍યો એટલે આરોપી ન બન્‍યો

રામ મારા રક્ષણકાર છે. જો રામને મારી જિંદગીનો અંત લાવવાની ઈચ્‍છા હશે તો તમે પોલીસ બંદોબસ્‍ત મૂકશો તો પણ મને બચાવી શકશો નહિઃ ગાંધીજી : નહેરૂએ જીવનનાં અંત સુધી ખાદી પહેરી હતી. નહેરૂ રોલ્‍સરોઇસને બદલે દેશમાં બનતી મોટરકાર પસંદ કરતાં અને દબદબા વિના એક ડ્રાઈવર સાથે ફરતાં : નહેરૂએ માઉન્‍ટબેટનને વિદાય આપતાં કહ્યું હતું કે તમે તો કટોકટી અને મુશ્‍કેલકાળમાં આવ્‍યા હતા છતાં, વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરી બતાવ્‍યું : સરદારે માઉન્‍ટબેટનને કહું કે તમે જે સિદ્ધિ અને સદભાવના મેળવી તે તમારા પુરોગામીઓએ તેમની અતડાઈ અને નેતાઓને વિશ્વાસમાં નહિ લઈ શકવાની નિષ્‍ફળતાને કારણે ગુમાવી હતી : એડવીના માઉન્‍ટબેટન તા. ૧૪મી ફેબ્રુઆરી, ૧૯૬૦ માં, લોર્ડ માઉન્‍ટબેટન ઈ.સ. ૧૯૭૯ માં, નહેરૂ ઈ.સ. ૧૯૬૪માં, જિન્‍હા તા. ૧૬મી સપ્‍ટેમ્‍બર, ૧૯૪૮નાં રોજ તથા સરદાર ઈ.સ. ૧૯૫૦માં કાયમી વિદાય લઈ ગયાસ્‍વતંત્ર ભારતની પ્રથમ કેબિનેટઃ પ્રથમ ગવર્નર જનરલ સી.રાજગોપાલ ચારી (વચ્‍ચે બેઠેલા) સાથે ડાબેથી ઉભેલા એન.વી.ગાડગીલ, કે.સી.નિયોગી, બી.આર. આંબેડકર, એસ.પી. મુખરજી, એન.જી. આયેંગર, જયરામ દોલતરામઃ ડાબેથી બેઠેલા આર.એ. કીડવાઈ, બદલદેવસિંહ, એ.કે. આઝાદ, નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, અમૃતકૌર, જહોન મથાઈ અને જગજીવનરામ
ગાંધીજીની હત્‍યા બાદ નથુરામ ગોડસે તથા તેમનાં સાથીદારો સામે તા. ૨૭મી મે, ૧૯૪૮ નાં રોજ હત્‍યા માટે મુકદમો ચાલુ થયો.
કુલ ૮ વ્‍યક્‍તિઓનાં નામ જાહેર થયા. નથુરામ ગોડસે, ગોપાલ ગોડસે, નારાયણ આપ્‍ટે, દિગંબર બેડગે, શંકર કિસ્‍તૈયા, દત્તાત્રેય પરચુરે, વિષ્‍ણુ કરકરે અને મદનલાલ પાવહા.
તા. ૩૦મી જાન્‍યુઆરી, ૧૯૪૮ નાં રોજ ગાંધીજીની હત્‍યા થઈ તે પૂર્વે તા. ૨૦મી જાન્‍યુઆરી, ૧૯૪૮ નાં રોજ આ કાવતરૂં ઘડાયું હતું અને તે પ્રમાણે પાર્થનાસભામાં મદનલાલે બોમ્‍બ નાખ્‍યો. જો કે, ધડાકાથી કોઈને ઈજા ન થઈ પરંતુ, પ્રાર્થનાસભામાં ધમાલ થઈ પણ ગાંધીજીએ સૌને શાંતિ રાખવા સૂચના આપી. મદનલાલની ધરપકડ કરવામાં આવી.
મદનલાલનાં બોમ્‍બ ધડાકા પછી પોલિસનું ધ્‍યાન ગાંધીજીની સલામતી માટે દોરાયું. પોલીસ અધિકારી ડી. ડબ્‍લ્‍યુ. મહેર ગાંધીજીને મળવા ગયા અને કહ્યું કે ‘પોલીસ બંદોબસ્‍ત મૂકાય અને શક જતાં તમામ લોકોની જડતી લેવામાં આવે તે માટે મંજુરી આપો.' ગાંધીજીએ કહ્યું કે ‘હું કબૂલ રાખીશ નહિ. રામ મારા રક્ષણકાર છે. જો રામને મારી જિંદગીનો અંત લાવવાની ઈચ્‍છા હશે તો તમે પોલીસ બંદોબસ્‍ત મૂકશો તો પણ મને બચાવી શકશો નહિ.'
તા ૨૦મી જાન્‍યુઆરી, ૧૯૪૮નાં રોજ મદનલાલનાં બોમ્‍બ ધડાકા પછી હત્‍યારાઓની ધરપકડ કરવામાં પોલીસ કેમ નિષ્‍ફળ રહી તેના માટે તપાસ પંચ નિમાયું. તા. ૩૧મી સપ્‍ટેમ્‍બરે, ૧૯૬૯નાં રોજ ૬ ગ્રંથોમાં સમાય એવો નિચોડ રજુ કરવામાં આવ્‍યો કે ભારતનાં રાષ્ટ્રીય મહાપુરૂષનાં ખૂનનાં કાવતરાની તપાસ એ મહાપુરૂષને છાજે તેવી અગત્‍યતાથી કે ઝડપથી થઈ ન હતી. સુપ્રીમ કોર્ટનાં નિવૃત્ત ન્‍યાયાધીશ જે. એલ. કપૂરનાં અધ્‍યક્ષપદે કમિશન નિમાયું હતું.
નથુરામ ગોડસેને હાથમાં પિસ્‍તોલ સાથે પકડવામાં આવ્‍યો. ગોડસેએ ધરપકડ સામે પ્રતિકાર કરવાનો કોઈ પ્રયત્‍ન ન કર્યો. મુકદમાની શરૂઆતથી જ નથુરામ ગોડસેએ રાજકીય કારણોસર ખૂન કરવાની સદ્યળી જવાબદારી પોતાના શીરે લીધી હતી અને બીજા કોઈ સંડોવાયેલા નથી તેમ જણાવ્‍યું હતું.
ગોડસેનાં સાથીદાર દિગંબર બેડગે તાજનો સાક્ષી બન્‍યો અને ગુન્‍હા માટે આરોપી બનવું ન પડ્‍યું. દિગંબર બેડગેની જુબાનીનાં આધારે જ આંઠમાંથી સાત લોકોને ગુન્‍હેગારો ઠરાવવામાં આવ્‍યા હતા. નથુરામ ગોડસે અને નારાયણ આપ્‍ટેને ફાંસીની સજા ફરમાવવામાં આવી. બાકીનાં પાંચ આરોપીઓને જન્‍મકેદની સજા ફટકારવામાં આવી. જો કે, દત્તાત્રેય પરચુરે અને દિગંબર બેડગેનાં નોકરને અપીલ કોર્ટમાં સજાઓ રદ્દ કરવામાં આવી.
નથુરામ ગોડસે અને નારાયણ આપ્‍ટેની અપીલો રદ્દ થતાં ફાંસી આપવા માટે તા. ૧૫મી નવેમ્‍બર, ૧૯૪૯નો દિવસ નક્કી થયો. ગાંધીજીનાં બે પુત્રો રામદાસ અને દેવદાસ તથા નહેરૂએ ખૂનીઓ પર રહેમ રાખવાની અરજ કરેલ, જે નામંજુર થઈ. તા. ૧૫મી નવેમ્‍બર, ૧૯૪૯નાં રોજ અંબાલા જેલમાં ફાંસી અપાઈ. વિષ્‍ણુ કરકરે, મદનલાલ અને ગોપાલ ગોડસેનો આઠ દાયકામાં છુટકારો થયો હતો.
આઝાદી બાદ માઉન્‍ટબેટન ગવર્નર જનરલ બન્‍યા હતા. જુન ૧૯૪૮ માં માઉન્‍ટબેટને પોતાનો ગવર્નર જનરલનો હોદ્દો છોડ્‍યો હતો અને લંડન પહોંચ્‍યા હતા અને પુનઃ નૌસેનામાં જોડાયા હતા. નહેરૂએ માઉન્‍ટબેટનને વિદાય આપતાં કહ્યું હતું કે તમે તો કટોકટી અને મુશ્‍કેલ કાળમાં આવ્‍યા છતાં વિશિષ્ટ કાર્ય સિદ્ધ કરી બતાવ્‍યું. સરદારે કહ્યું કે તમે જે સિદ્ધિ અને સદભાવના મેળવી તે તમારા પુરોગામીઓએ તેમની અતડાઈ અને જાહેરમતનાં નેતાઓને વિશ્વાસમાં નહિ લઇ શકવાની નિષ્‍ફળતાને કારણે ગુમાવી હતી.
 

 

સંકલનઃ
નવીન ઠકકર
મો. ૯૮૯૮૩૪૫૮૦૦

(11:40 am IST)