Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

ચારથી વધુ લોકોને એકઠા થવું નહિઃ ૩૧ ઓગષ્ટ સુધી પ્રતિબંધ

અન્ય ત્રણ જાહેરનામાને પણ રીન્યુ કરતાં પોલીસ કમિશનર

રાજકોટ તા. ૨૭: વૈશ્વીક મહામારી કોરોના અંતર્ગત લોકડાઉન જાહેર થયું હતું. હજુ પણ રાત્રીના સમયે નવથી સવારના પાંચ સુધી લોકોને કર્ફયુનું પાલન કરવાનું છે. દરમિયાન પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે અગાઉ બહાર પાડેલા જાહેરનામાની મુદ્દત ૩૧ ઓગષ્ટ સુધી લંબાવી છે. કોરોનાની હાલતમાં શહેરમાં ધાર્મિક શોભાયાત્રાઓ તથા રેલીઓ, ધરણા સહિતના કાર્યક્રમો યોજવા પર અને ચારથી વધુ માણસો ભેગા થવા પર પ્રતિબંધ મુકતું જાહેરનામુ અમલી હતું. જે ફરીથી રીન્યુ કરી તા. ૧/૭ થી ૩૧/૮/૨૦ સુધી લંબાવી દેવામાં આવ્યું છે. શહેર પોલીસ કમિશનરેટ એરિયામાં આ જાહેરનામુ અમલી રહેશે અને તેનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવહી કરવામાં આવશે.

અન્ય ત્રણ જાહેરનામામાં પોલીસ કે  સૈન્ય કે સશસ્ત્રદળો જેવા કપડા પહેરવા પર પ્રતિબંધ મુકાયો છે. તેમજ જાહેરમાં કોઇપણ પ્રકારના શસ્ત્રો લઇને નીકળવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. તેમજ પુતળા બાળવા, લટકાડવા પર, જાહેરમાં લોકોને ત્રાસ થાય એ રીતે બૂમો પાડી ગીતો ગાઇ વાદ્ય વગાડવા પર તેમજ ચાઇનીઝ બનાવટના, ઝીગઝેગ પ્રકારના ચપ્પુ રાખવા, વેંચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે. આ ઉપરાંત મકાન કે ઓફિસ, ઓૈદ્યોગિક એકમ ભાડે આપવામાં આવે તો તેની પોલીસ મથકમાં ભાડુઆતના પુરાવા સાથે જાણ કરવાના જાહેરનામાને પણ ૩૧ ઓગષ્ટ સુધી રિન્યુ કરાયું છે.

(3:32 pm IST)