Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

'સોમા'ના ચાર હોદ્દેદારો તથા કારોબારીની ચૂંટણી કોરોનાનો હાઉ ઓછો થયા બાદ યોજાવા શકયતા

ચેરીટી કમીશ્નરના નેજા હેઠળ ચૂંટણી યોજાશેઃ ૧૪૬ સભ્યો જ મતદાન કરી શકશેઃ ૧૧૮ એસોસીયેટ સભ્યો મતદાન કરી નહિ શકે : વહીવટદાર તુરતમાં ચાર્જ સંભાળી નવેસરથી મતદારયાદી તૈયાર કરશેઃ ચૂંટણી થશે કે ઘીના ઠામમાં ઘી પડી જશે? તેલ મિલરોમાં જબરી ચર્ચા

રાજકોટ તા. ર૭ : સૌરાષ્ટ્ર ઓઇલ મિલ્સ એસોસીયેશન (સોમા)ના હોદ્દેદારો તથા કારોબારીની વિવાદમાં પડેલી ચૂંટણીનો માર્ગ આખરે મોકળો બની ગયા બાદ હવે કોરોના વાયરસનો ડર અને તેનો પ્રસાર થોડો ઓછો થાય તે પછી ચૂંટણી યોજાય તેવી શકયતા છે. અત્રે એ નોંધનીય છે કે ''સોમા''ના બંધારણ મૂજબ સંસ્થાના પ્રમુખની ચૂંટણી સીધા મતદારો થકી જ થતી હોય છે. ચેરીટી કમીશ્નરના નેજા હેઠળ હવે યોજાનાર આવા ચૂંટણીમાં ફકત સંસ્થાના સભ્ય હોય તેવા ૧૪૬ સભ્યો જ મતદાન કરી શકશે ૧૧૮ એસોસીયેટ સભ્યો મતદાન કરી નહિ શકે. દરમ્યાન એવું ચર્ચાય છે કે, આ ચૂંટણી ન થાય અને ઘીના ઠામમાં ઘી પડયું રહે તે માટેના ચક્રો પણ ગતિમાન થયા છે.

રાજકોટ ચેરીટી કમીશ્નરની કચેરીએ ચૂંટણી ઉપરનો સ્ટે રદ કરી ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો છે અને વહીવટદારની નિમણુંક કરી છે. ચૂંટણી અધિકારી તરીકે જામનગર કચેરીના કલાર્ક  એન.એચ.ચાવડાની નિમણુંક કરી છે જેઓ સંસ્થાના કર્મચારી મીતિષભાઇ તથા સ્કુટીનીયર ઘવલ સાથે રાખી રેકોર્ડના આધારે ૩૧ જાન્યુ.ર૦૧૯ પહેલા સભ્ય ફી જમા કરાવેલ હોય તેવા સામાન્ય સભ્યોની જિલ્લાવાર મતદાર યાદી બહાર પાડી ચૂંટણી કાર્યક્રમ બહાર પાડશે.

અત્રે એ નોંધનીય છે. કે ''સોમા'' સંસ્થામાં પ્રમુખ, મંત્રી, ખજાનચી સહિત ૪ હોદ્ેદારો હોય છે અને ૩૦ સભ્યોની કારોબારી હોય છે બંધારણની જોગવાઇ મૂજબ પ્રમુખને સીધેસીધા મતદારો જ ચુંટાતા હોય છે કારોબારીમાં તમામ જીલ્લાના પ્રતિનિધિઓ સામેલ હોય છે.

જાણવા મળતી વિગત મૂજબ મતદાર યાદી સહિતની ચૂંટણી કામગીરી માટે દોઢ થી બે મહિનાનો સમય લાગી શકે તેમ છે તેથી સપ્ટેમ્બરના પ્રારંભે ચૂંટણી યોજાય તેવી શકયતા છે જો કે કોરોનાના કપરા કાળમાં ચૂંટણી કરવાને બદલે સમગ્ર કારોબારી બીનહરીફ ચૂંટાય તેવા પ્રયાસો પણ થનાર હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગયા જુનમાં ગોંડલ નજીક બીલીયાળા પાસે જીનીંગ યુનિટમાં સોમાની ચૂંટણી યોજાય અને મતદાન થાય એ પૂર્વે જ સોમાના પૂર્વ પ્રમુખ સમીરભાઇ શાહે વાંધા રજુ કરી ચેરીટી કમીશ્નર સમક્ષ ઉપસ્થિત રહીને મનાઇ હુકમ મેળવેલ હતો જે પછી મુદતો પડતી ગઇ હતી આજે ગઇકાલે ચેરીટી કમીશ્નરે ચૂંટણી પરનો સ્ટે. ઉઠાવી ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો હતો. હવે જોવાનું  છે કે ચૂંટણી થાય છે કે પછી કોઇ સમાધાન.

(3:30 pm IST)