Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સેનેટરી સબઇન્સ્પેકટર ઉપર મહીલા સફાઇ કામદારના પુત્રનો હુમલોઃ સસ્પેન્ડ કરવા રજુઆત

સફાઇ કામદારો દ્વારા પણ એસ.એસ.આઇ. ખોટી રીતે હેરાન કરતા હોવાની વળતી રજુઆત

રાજકોટ તા. ર૭ : શહેરમાંં સફાઇ કામદારો અને સેનેટરી સબઇન્સપેકટર વચ્ચે અવાર-નવાર નાની-મોટી રકઝક થતી હોય છે પરંતુ આજે વોર્ડ નં.૭ ના સેનેટરી સબઇન્સ્પેકટર ઉપર મહીલા સફાઇ કામદારના પુત્રએ લાકડી વડે હુમલો કરતા આ ઘટનાથી સેનેટરી ઇન્સ્પેકટરોમાં રોષ ફેલાયો હતો અને આ પ્રકરણમાં જવાબદાર મહીલા સફાઇ કામદારને સસ્પેન્ડ કરવા અંગે સેનેટરી ઇન્સ્પેકટરો અને સબ ઇન્સ્પેકટરોના સમુહે મ્યુ.કમિશનર સુધી રજુઆતો કરી હતી તો સામે પક્ષે સફાઇ કામદારોના સમુહે પણ સેનેટરી ઇન્સ્પેકટરો દ્વારા ખોટી રીતે હેરાનગતી કરવામાં આવતી હોવાની રજુઆતો થયેલ આમ આજે સફાઇ કામદારો અને સુપરવાઇઝરી સ્ટાફ સામે સામે આવી ગયાની  સ્થીતી સર્જાઇ હતી.

આ બનાવ અંગે હુમલાનો ભોગ બનનાર વોર્ડ નં.૭ના સેનેટરી સબઇન્સ્પેકટર પ્રકાશ બાદાણીએ પત્રકારોને જણાવ્યૂં હતું કે શહેરના પેલેસ રોડ પર વર્ધમાન નગર વિસ્તારમાં એસ.  એસ.આઇ. પ્રકાશભાઇ કામદારોની હાજરીનું ચેકીંગ કરતા હતા તે વખતે એકલીસ્ટમાં સફાઇ કામદાર બહેન મધુબેન મોહનભાઇની હાજરી નહી  હોવા બાબતે મધુબેનના પુત્રએ ગુસ્સો કરી અને ''મારા મમ્મીને કેમક હેરાન કરો છો''  તેમ કહી અપશબ્દો બોલી જ્ઞાતી પ્રત્યે હડધુત કરી એસ.એસ.આઇ. પ્રકાશભાઇ ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો.

આમ સુપરવાઇઝર સ્ટાફ ઉપર આ પ્રકારે હુમલો થતા તમામ સેનેટરી ઇન્સ્પેકટરો સેન્ટ્રલ ઝોન કચેરીએ એકત્રીત થયા હતા. અને સફાઇ વિભાગના અધિકારી શ્રી જીંજાવાને આ સમગ્ર ઘટનાની જાણ કરી આ પ્રકરણમાં જવાબદાર મહીલા સફાઇ કામદારને સસ્પેન્ડ કરવા માંગ ઉઠાવી હતી ત્યારબાદ આ બાબતે મ્યુ.કમિશનરને પણ રજુઆત કરી હતી.

બીજી તરફ સફાઇ કામદારોનો સમુહ પણ એકત્રીત થયેલ અને સેનેટરી ઇન્સ્પેકટરો પણ અવાર-નવાર સફાઇ કામાદારોને ખોટી રીતે હેરાન કરતા હોવા બાબતે મ્યુ.કમિશનર ત્થા મુખ્યમંત્રી સુધી રજુઆત કરનાર હોવાનું જાણવા મળ્યું છે.

(3:33 pm IST)