Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સિગ્નલ પર પત્નિ-પુત્ર સાથે ઉભેલા યુવાનના વાહનને રિક્ષાચાલકે ઉલાળ્યું ને માથે જતાં ખૂનની ધમકી દીધી

હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલ ચાલુ થતાં જામની સમસ્યા હતી જ, હવે મારામારી થવા માંડી : રેસકોર્ષ પાર્કના તારીક પોઠીયાવાલાની ફરિયાદઃ જીજે૩બીયુ-૬૩૭૭ નંબરની રિક્ષાના ચાલક સામે ગુનો

રાજકોટ તા. ૨૭: રૈયા રોડના હનુમાન મઢી ચોકમાં જ્યારથી ટ્રાફિક સિગ્નલ ચાલુ થયા છે ત્યારથી ટ્રાફિકજામની સમસ્યા તો ઘર કરી જ ગઇ છે. હવે આ કારણે મારામારીના બનાવો પણ બનવા માંડ્યા છે. ગત સાંજે દેવપુષ્પ મેડિકલ સ્ટોર સામે સાઇડ બંધ હોઇ ટુવ્હીલર પર પત્નિ અને દોઢ વર્ષના પુત્ર સાથે ઉભેલા વકિલાતનો અભ્યાસ કરતાં યુવાનને એક રિક્ષાચાલકે પાછળથી ટક્કર મારી પછાડી દીધા બાદ મારી નાંખવાની ધમકી આપતી ડખ્ખો કરતાં ટોળા ભેગા થયા હતાં. પોલીસે આ મામલે ગુનો નોંધી સીનસપાટા કરી ભાગી ગયેલા રિક્ષાચાલકની શોધખોળ આદરી છે.

બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે એરપોર્ટ રોડ પર રેસકોર્ષ પાર્ક બ્લોક નં. ૧૦૧માં રહેતાં અને વકિલાતનો અભ્યાસ કરતાં તારીક ઇમ્તિયાઝભાઇ પોઠીયાવાલા (મેમણ) (ઉ.૩૦)ની ફરિયાદ પરથી લીલા રંગની સીએનજી રિક્ષા નં. જીજે૦૩બીયુ-૬૩૭૭ના ચાલક સામે આઇપીસી ૫૦૬ (૨), ૧૭૯, ૪૨૭, એમવીએકટ ૧૩૪, ૧૮૪, ૧૭૭ મુજબ ગુનો નોંધ્યો છે.

તારીકે ફરિયાદમાં જણાવ્યા મુજબ તે સાંજે સાડા છએક વાગ્યે પોતાનું વાહન જીજે૩કેજી-૮૬૨૦માં પત્નિ નિલોફરબેન તથા દિકરાને બેસાડી હનુમાન મઢી ચોકમાં દેવપુષ્પ મેડિકલ સ્ટોર ખાતે દિકરા ઇબ્રાહિમ (ઉ.૧ાા)ની શરદીની દવા લેવા આવ્યા હતાં. દવા લીધા બાદ પોતે સિગ્નલ બંધ હોઇ બધા વાહનો ઉભા હતાં તેની પાછળ ઉભા હતાં ત્યારે પાછળથી રિક્ષા અથડાઇ હતી. જેથી પોતે, પત્નિ અને પુત્ર પડી ગયા હતાં. ઉભા થઇ રિક્ષાવાળાને સરખી રીતે ચલાવવાનું કહેતાં તેના ચાલકે જેમફાવે તેમ બોલી 'તારાથી થાય તે કરી લેજે, બહુ હોશીયારી કરતો નહિ નહિતર જાનથી મારી નાંખીશ' તેવી ધમકી આપી ઝઘડો કર્યો હતો અને ભાગી ગયો હતો.

રિક્ષાની જોરદાર ટક્કર લાગતાં તારીકના વાહનમાં સાયલેન્સર તથા બ્રેકની બંને બાજુ પાંચ હજારનું નુકસાન થયું હતું.  આ મામલે હેડકોન્સ. પ્રશાંતભાઇ વીરાભાઇ રાઠોડે ગુનો નોંધી નંબરને આધારે રિક્ષાચાલકની શોધખોળ આદરી છે.

ઉલ્લેખનિય છે કે વર્ષોથી મઢી ચોકમાં ટ્રાફિક સિગ્નલ વગર જ સુચારૂ રીતે વાહન વ્યવહાર ચાલતો હતો. કદી પણ ટ્રાફિકજામ થતો નહોતો. પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી ટ્રાફિક સિગ્નલો ચાલુ થતાં ચારેય રસ્તાઓ પર સતત સવારથી રાત સુધી ટ્રાફિક જામની સમસ્યા રહે છે. એરપોર્ટ રોડથી મઢી તરફના રસ્તે, નિર્મલા રોડ, રૈયા ચોકડી તરફના રસ્તે અને આમ્રપાલી તરફ જવાના રસ્તે સતત જામમાં વાહનચાલકો ફસાતા રહે છે. આ ચોકના દૂકાનદારોને પણ આ કારણે હેરાન થવું પડે છે. ત્યાં હવે સિગ્નલ પર અકસ્માત અને મારામારીનો બનાવ બન્યો છે.

(1:19 pm IST)