Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ચોમાસુ આગળ વધ્યું, છતાં અરબીની પાંખ આગળ ન વધતા હવે વરસાદની માત્રા ઘટશે

અશોકભાઈ પટેલે બે દિ' પહેલા વરસાદની માત્રાની આગાહી આપેલી જેમાં ઘટાડો થશે

રાજકોટ, તા. ૨૭ : ચોમાસુ આગળ વધ્યુ છે, આમ છતાં અરબી સમુદ્રની પાંખ આગળ વધી નથી જેથી સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં વરસાદ માટે થોડી ચિંતા ઉપસી છે. વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલે બે દિવસ પહેલા એટલે કે ૨૫ જૂને વરસાદની માત્રાની આગાહી આપી હતી તેનાથી માત્રા ઓછી રહેશે તેમ જણાવાયુ છે.

અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસુ દેશના ઘણા રાજયોમાં એકસાથે આગળ ચાલ્યુ. જેમાં મહારાષ્ટ્ર, ઓરીસ્સા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢના બાકી રહેતા ભાગોમાં બેસી ગયું. તેમજ બાકી ભાગોમાં એમ.પી. (સમગ્ર), પૂર્વ યુ.પી. (સમગ્ર), પશ્ચિમ યુપીના ઘણા ભાગ, ઉત્તરાખંડ, હિમાચલના ઘણા ભાગ, સમગ્ર જમ્મુ - કાશ્મીર, પંજાબનો થોડો ભાગ તેમજ એમ.પી. રાજસ્થાન, ગુજરાત બોર્ડરનો થોડો ભાગ કવર કરી લીધો છે.

એનો મતલબ એમ થયો કે અરબી પાંખ બિલકુલ ચાલતી નથી. હાલનું ચોમાસુ રેખા ૨૧ ડિગ્રી નોર્થ અરબી સમુદ્રમાં વેરાવળ, અમરેલી, અમદાવાદ ઉપરથી રેખા પસાર થાય છે જે હજુ યથાવત છે. હજુ આવતા બે દિવસમાં સમગ્ર રાજસ્થાન, સમગ્ર યુ.પી., ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ (બાકી રહેતા ભાગ), સમગ્ર દિલ્હી, હરિયાણામાં પહોંચી જાય તેવું હવામાન ખાતુ જણાવે છે. સૌરાષ્ટ્રનો ઉલ્લેખ નથી એટલે અરબીપાંખ નબળી સમજવી.(૩૭.૧૨)

 

(3:50 pm IST)