Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સફળતા માટે નિષ્‍ફળતા સામે સંઘર્ષ અનિવાર્ય : પૂ.ભુપેન્‍દ્રભાઈ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથામાં પૂજય શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણી : રામાયણની લક્ષ્મણરેખામાં રહેતાં શીખી જઇએ તો આપણું કલ્‍યાણ થઇ જાય : વિશ્વના તમામ ધર્મોની વિચારધારાઓના સમન્‍વયનું રામચરિત માનસમાં દર્શન થાય છે : ગઇ કાલ ગુરૂવાર-છઠ્ઠા દિવસે રામકથામાં શ્રોતાઓની અભૂતપૂર્વ ઉપસ્‍થિતી. વ્‍યાસપીઠેથી અમૃત ઝરતાં વકતવ્‍ય દરમ્‍યાન સમગ્ર કથા મંડપમાં નિરવ શાંતિ પ્રવર્તતી હતી. ભાવિક શ્રોતાઓએ ભાવ વિભોર થઇને કથાને માણી

રાજકોટ તા. ર૭ : રાજકોટ લોહાણા મહાજનના સેવા ઉપક્રમે રાજકોટમાં શ્રી રામકથાનું વિશિષ્‍ટ દૃષ્‍ટિકોણથી આયોજન થયું છે વ્‍યાસપીઠેથી શ્રી ભુપેન્‍દ્રભાઇ પંડયા રામકથાનું આધ્‍યાત્‍મિક-દર્શન કરાવી રહ્યા છે.

વ્‍યાસપીઠેથી કથા ઉપક્રમમાં ભૂપેન્‍દ્રભાઇ પંડયાએ અયોધ્‍યામાંથી રામની વિદાય સમયના હૃદયદ્વાવક દૃશ્‍યો શોકમય અયોધ્‍યા, લોકોની લાગણી, રામની સાથે વનવાસમાં જવા અયોધ્‍યાના પ્રજાજનો નીકળી પડયા તે બાબતનું ખૂબ ભાવવહી વર્ણન કર્યુ હતું.

વ્‍યાસપીઠેથી ગુરૂજીએ કહ્યું કે, ‘‘યુધ્‍ધ ન મવત ઇતિ અયોધ્‍યા'' જયાં યુધ્‍ધ નથી, વેર નથી, વિકાર નથી, વાસના નથી જયાં મારૂ-તારૂં નથી, કપટ નથી, દંભ નથી....જયાં છે કેવળ શુધ્‍ધ પ્રેમ શુધ્‍ધ પ્રેમ હોય છે ત્‍યાં પરમાત્‍મા પ્રગટ થાય છે. તમારા તન-મનને અયોધ્‍યા બતાવવા હોય તો એવો દૃઢ નિશ્‍ચિત કરો કે, ‘‘આજથી મારો કોઇ શત્રુ નથી મારૂ કઇએ બગાડયું નથી. મને કોઇએ દુઃખ આપ્‍યું નથી મારા દુઃખનું કારણ મારી અંદર છે, મારૂ પોતાનુ અજ્ઞાન છે. ઘણે ભાગે માનવી અજ્ઞાનથી દુઃખી થાય છે. સમજણમાં સુખ છે અને અજ્ઞાનમાં દુઃખ છે, અજ્ઞાનથી જ વેર અને વાસના જાગે છે, માનવી ખોટી કલ્‍પના કરે છે કે, મને કોઇએ દુઃખ આપ્‍યું, આ કલ્‍પના ખોટી છે. કોઇ કોઇને દુઃખ કે સુખ આપી શકતુ નથી. સંસાર કર્મભૂમિ છે, કરેલા કર્મના ફળ ભોગવવા માટે આ જન્‍મ મળ્‍યો છે. આ જગતમાં કોઇ કોઇનું બગાડતું નથી માટે કોઇના માટે કુ ભાવ ન રાખો, સર્વમાં પ્રભુના દર્શન કરો. ઇશ્વર સિવાય જે કાંઇ ભાસે છે તે ક્ષણિક છે, દુઃખરૂપ છે, મિથ્‍યા છે. મહાપુરૂષો કહે છે કે, દેખાય  છે તે સાચું નથી, જે કાયમ રહે તે સાચું છે જગતમાં ઇશ્વર વિના કોઇ વસ્‍તુ કાયમ ટકતી નથી. સંસાર મિથ્‍યા છે સ્‍વપ્‍નામાં ઘણું દેખાય છે. પણ એમાનું કશુય સાચુ હોતું નથી સ્‍વપ્‍નનો સંસાર અને જાગૃત અવસ્‍થાનું જગત એ તત્‍વદૃષ્‍ટિથી વિચાર કરતા એક જ છ.ે''

 કથાકાર શ્રી ભૂપેન્‍દ્રભાઇએ નવ ધા ભકિત બાબતે દિવ્‍ય પ્રકાશ પાડતા કહ્યું કે, નવધા ભકિત આત્‍મવંદન ભકિતનું શિખર છે. ભગવાન રામે પ્રભુમાં પ્રેમ જાગૃત કરવા માટે શબરીને નવ સાધન બતાવ્‍યા છે, આ સાધન કહે તો પ્રભુમાં પ્રેમ જાગે એક  સાધન છે સત્‍સંગ, જે મહાત્‍માઓ પરમાત્‍માની સતત ભકિત કરે છે એમનો સંગ કરો, સત્‍સંગ વગર જ્ઞાન પ્રાપ્ત થતું નથી. બીજુ સાધન છે, કોઇ અધિકારી મહાપુરૂષોના મુખેથી કથા સાંભળો આવી કથા જગતનું વિસ્‍મરણ કરાવે છે, કથા સાંભળવાથી મન શાંત થાય છે.

ભકિતનું ત્રીજુ  સાધન પરમાત્‍માની સ્‍તુતિ, જ્ઞાનમાર્ગમાં ધ્‍યાન પ્રધાન છે. એકાંતમાં બેસો, જગતમાં કોઇની નિંદા કે વખાણ ન કરો ભકિતનું ચોથું સાધન છે, શ્રી રામના વચનોની વ્‍યાખ્‍યા કરવી. ઇશ્વરની આજ્ઞાઓનું ચિંતન-મનન કરી તેને યોગ્‍ય રીતે સમજવાની અને જીવનમાં ઉતારવાની શ્રીરામચંદ્રજીની આજ્ઞા છે,પાંચમું  સાધન છે. સંત સદ્દગુરૂની સેવા કરો  છઠ્ઠુ  સાધન છે ઘરમાં ભગવદ્‌સ્‍વરૂપ પધરાવીને પરમાત્‍માની સેવા પૂજા કરો. સાતમું  સાધન છે કે કોઇ સંત પાસેથી મંત્રની દીક્ષા ગ્રહણ કરીને તે મંત્ર સાથે મૈત્રી કરે તો પ્રભુમાં પ્રેમ જાગે આઠમું સાધન છે ‘‘સર્વમાં મારા ઇષ્‍ટદેવ બિરાજેલા છે'' એવો ભાવ રાખવો અને નવમું  સાધન છે હંમેશા તત્‍વ વિચાર કરવો.

વ્‍યાસપીઠેથી શ્રી રામના સમયમાં સમાજ કલ્‍યાણલક્ષી ઉદાત ખ્‍યાલો, પ્રથાઓ ઉપર પ્રકાશ ફેંકતા કહ્યું કે, ‘‘શ્રી રામ કેવટને પ્રેમથી ભેટયા હતા. આવા અનેક પ્રસંગો છે, રામને તથા તેના ત્રણ નાના ભાઇઓને ત્‍યાં બે બે બાળકો હતા'' રામના લગ્નમાં સમૂહલગ્નોની શરૂઆત થઇ હતી. જનકપુરીમાં શ્રી રામના લગ્નની સાથે તેના ત્રણ નાનાભાઇઓ  તથા અયોધ્‍યામાંથી જાનમાં આવેલાં સેંકડો લગ્ન લાયક યુવાનોના જનકપુરની કન્‍યાઓ સાથે સમુહલગ્ન થયા હતા.(૬.૨૦)

 

શ્રી રામકથાના છઠ્ઠા દિવસના પ્રેરક વિધાનો

  •  પરમ તત્ત્વને પામવાનું થાય છે ત્‍યારે વિશેષ ધર્મને શરણે જવું પડે છે
  •  સમુહલગ્નના ઉદાત્ત ખ્‍યાલો શ્રી રામના યુગમાં પણ હતા.
  •  જીવનમાં સફળ થવા માટે ‘‘સંવાદ, કૌશલ્‍ય''-મૃદુ અને મધુરવાણી કેન્‍દ્રસ્‍થાને છે
  •  કેવળ અર્પિત નહિ, પ્રભુને સમર્પિત થનારનું સર્વસ્‍વ દિવ્‍ય બની જાય છે
  •  આજની યુવા પેઢી નાસ્‍તિક નથી, પણ તેઓની જિજ્ઞાષા સંતોષાતી નથી
  •  માનવી પૈસા મેળવવા પાપ કરે છે, મૃત્‍યુ  પછી પૈસા પડયા રહે છે પણ પાપ સાથે આવે છે
  •  જેનાથી બોલનાર અને સાંભળનારનું કલ્‍યાણ થાય તે સત્‍ય છે
  •  રામકથાના શ્રવણથી સંશયો સમી જાય છે અને અન્‍યનું ભલું કરવાનો કૃતાર્થભાવ જાગૃત થાય છે
(4:21 pm IST)