Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

બેંક ઓફ બરોડામાં ૩૦ મીએ હડતાલ : કાલથી ૩ દિવસ કામકાજ ખોરવાશે : આજે સાંજે દેખાવો

બેંક મેનેજમેન્‍ટે ‘‘આઉટ સોર્સિંગ''ની નીતિ અપનાવતા કર્મચારી વર્ગ લાલધૂમ : કલીનીંગ-સ્‍વીપીંગનું કામ કોન્‍ટ્રાકટરોને સોંપાય રહ્યું છે : પટ્ટાવાળા-સફાઇ કર્મચારીની ભરતી બંધ થશે : સમાધાનનો ભંગ

રાજકોટ, તા. ર૭ :  બેંક ઓફ બરોડાના મેનેજમેન્‍ટ દ્વારા સમાધાનનો ભંગ કરી ‘‘આઉટસોર્સિંગ'' ની નીતિ અપનાવતા તે સામે કર્મચારી વર્ગમાં વિરોધનો સૂર ઉઠયો છે. અને તેનો પડધો પાડવા ૩૦ મીએ આ બેંકમાં દેશવ્‍યાપી હડતાલનું એલાન આપવામાં આવ્‍યું છે. જેને કારણે કાલથી ૩ દિવસ આ બેંકમાં કામકાજ ખોરવાશે. આજે કર્મચારી વર્ગ દ્વારા દેખાવો યોજવામાં આવનાર છે.

ગુજરાત બેંક વર્કએ યુનિયનના મહામંત્રી કે.પી. અંતાણીની એક અખબારી યાદી મુજબ  બેંક ઓફ બરોડા એ હાલમાં તેની દરેક રીજીયન ઓફીસને આદેશ આપેલ કે બેંકમાં કલીનીંગ અને સ્‍વીપીંગનું કામ જે હાલમાં કાયમી પુરા સમયના કે ખંડ સમયના કર્મચારીઓ કરી રહ્યા છે તે બહારની સંસ્‍થા મારફત કરાવવું એટલે કોન્‍ટ્રેકટ પ્રથા મારફત કરાવવું.

છેલ્લા ૭૦ વર્ષથી આ કામ બેંકના કાયમી કર્મચારીઓ મારફત કરવામાં આવે છે તેમને પગાર મોંઘવારી પી.એફ, ગેચ્‍યુઇટી, પેન્‍શન જેવા લાભો મળી રહે છે અને આ કામ ઉદ્યોગ વ્‍યાપી સમાધાનની કલમ મુજબ કરવામાં આવે છે.

બેંક ઓફ બરોડાએ સમાધાનનો ભંગ કરી લેબર કમીશનરના આદેશનો અનાદર કરી અને ઇન્‍ડસ્‍ટ્રીયલ ડીસ્‍પ્‍યુટ એકટની કલમ ૩૩ નો ભંગ કરી આ કામ એજન્‍સીના કરારી કર્મચારી મારફત કરાવામાં આવશે.

બેંક આ એજન્‍સી ને કર્મચારી દીઠ માસીક રૂા. ૧પ૦૦૦/- જેટલું વેતન આપે છે પરંતુ એજન્‍સી આ કરાર કર્મચારીઓને ફકત ૬૦૦૦ કે ૭૦૦૦ રૂા. જેવું ક્ષુલક વેતન આપે છે આ એક શોષણ છે.

બેંકની આ નીતીથી કાયમી પ્રકારની બેંકમાં પટાવાળા કે સફાઇ કર્મચારીઓની ભરતી બંધ કરવામાં આવશે પછાત વર્ગ એટલે કે અનામત પ્રથાની ભરતી કરવામાં આવે છે તે અનાયત પ્રથાથી કરવામાં આવતી ભરતી બંધ થશે.

કર્મચારીઓની બદલી અને બઢતી નહિ થાય બેંકની આ નીતિના વિરોધમાં તા. ૩૦ મે ર૦રર ના રોજ બેંક ઓફ બરોડાના તમામ કર્મચારીઓ હડતાલમાં સામેલ થશે ગુજરાતમાં ૯૦૦૦ કર્મચારીઓ અને સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ર૦૦૦ કર્મચારીઓ આ હડતાલમાં સામેલ થશે.

ગુજરાતના દરેક શહેર અને ગામડામાં તા. ૩૦ ના રોજ દેખાવો યોજવામાં આવશે બેંક ઓફ બરોડામાં સંપૂર્ણ હડતાલ પાડવામાં આવશે.

રાજકોટ, ભાવનગર, જામનગર, ભૂજ, જુનાગઢમાં આજે સાંજે બેંકની આ નીતિના વિરોધમાં અને હડતાલની પૂર્વ તૈયારી રૂપે દેખાવો યોજવામાં આવશે.

(3:12 pm IST)