Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરતના સરથાણા ચોરીના ગુનામાં પાંચ વર્ષથી ફરાર ટ્રક ચાલક રફીક સેતા રાજકોટમાં પકડાયો

ટ્રકમાં મુસાફર તરીકે બેઠેલા યુવાનના થેલામાંથી બેંકનું એટીએમ કાર્ડ કાઢી લઇ ખાતામાંથી કટકે કટકે ૧૭ હજાર રોકડા ઉપાડી લીધા હતા

રાજકોટ તા.૨૭ઃ સુરતના સરથાણા પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા ટ્રકચાલકને ક્રાઇમ બ્રાંચે રાજકોટ દૂધ સાગર રોડ પર એપાર્ટમેન્ટમાંથી ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્નર શ્રી રાજુ ભાર્ગવ, જોઇન્ટ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પાર્થરાજસિંહ  ગોહિલ તથા ક્રાઇમ બ્રાંચના  એસીપી ડી.વી. બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજા તથા જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.જે.કામળીયા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સુરતના સરથાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરી અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટના ગુનામાં ફરાર શખ્સ દુધસાગર રોડ પર આવ્યા હોવાની હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા તથા કોન્સ. વિજયભાઇ મેતાને બાતમી મળતા દૂધસાગર રોડ પર આવેલા ઉમાઇસ એપાર્ટમેન્ટ રૃમ નં.૧૧૧ માંથ રફીક હબીબભાઇ સેતા (ઉ.વ.૩૪) (રહે. ઉમાઇસ એપાર્ટમેન્ટ)ને પકડી લીધો હતો. તની પુછપરછમાં રફીક ટ્રક ચલાવે છે. ગત તા.૩૦/૩ ના રોજ સુરતનો યુવાન ચોટીલાથી તેના ટ્રકમાં બેસી સુરત જતો હતો. દરમ્યાન યુવાન ટ્રકમાં સુઇ ગયા બાદ રફીકે તેની થેલીમાંથી દેનાબેંકનું એ.ટી.એમ. કાર્ડ કાઢી લીધુ હતું. બાદ બીજા દિવસે આ કાર્ડમાં પિન નંબર લખેલ હોઇ તેના દ્વારા ટ્રક ચાલક રફીકે યુવાનના ખાતામાંથી કટકે કટકે રૃા.૨૦૦૦, રૃ.૫૦૦૦, અને ૧૦,૦૦૦ ઉપાડી લીધા હતા. આ મામલે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ થઇ હતી.

(2:56 pm IST)