Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સાધુ વાસવાણી રોડ પર ગુંડાગીરીઃ ‘દૂકાન બંધ કરો'કહી વેપારી બંધુ પર હુમલોઃ સોહિલ અને રોહિતની ધરપકડઃ બઘડાટીની બીજી ૧૦ ઘટનાઓ

એક રાતમાં ૧૧ ધમાલઃ નાના મોટા કારણોસર છરી, ધોકા, પાઇપ,પથ્‍થરથી મારામારીઃ સિવિલ હોસ્‍પિટલમાં મોડી રાત સુધી ઇમર્જન્‍સી ધમધમતી રહી : મનમંદિર કોલ્‍ડ્રીંક્‍સવાળા ભાવીન અને રવિ મંડિરને હુમલાખોરોએ ધમકી પણ દીધી...આજે તો જીવતા જવા દઉ છું, કાલે દૂકાન ખોલશો તો પતાવી દઇશઃ અન્‍ય બનાવમાં લગ્નમાં ડીજે બંધ કરતાં ધબધબાટીઃ પૈસા મામલે છરી ઉડીઃ ક્‍યાંક નજીવી વાતે ધોકા-છરી ઉલળ્‍યા

રાજકોટ તા. ૨૭: શહેરમાં ગઇકાલે સાંજથી મોડી રાત સુધીમાં ઠેકઠેકાણે નાના મોટા કારણોસર મારામારીની....ઘટનાઓ બની હતી. આ તમામ ઘાયલોને સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્‍પિટલ પોલીસ ચોકીના સ્‍ટાફને સતત દોડધામ થઇ ગઇ હતી. તો તબિબો અને નર્સિંગ સ્‍ટાફ પણ સતત સારવારમાં રોકાયેલા રહ્યા હતાં. જેમાં સાધુ વાસવાણી રોડ પર કોલ્‍ડ્રીંક્‍સની દૂકાને ગુરૂજીનગર ક્‍વાર્ટરના મુસ્‍લિમ અને નેપાળી શખ્‍સે દૂકાન બંધ કરવાનું કહી દાદાગીરી કરી દૂકાનદાર બ્રાહ્મણ યુવાન અને તેના ભાઇને ઢીકાપાટુનો માર મારી ચાવીથી છરકા કર્યા હતાં અને મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે બંનેને રાતોરાત પકડી કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

મારામારીની પ્રથમ ઘટનામાં સાધુ વાસવાણી રોડ પર મનમંદિર કોલ્‍ડ્રીંક્‍સ નામની દૂકાને બે શખ્‍સે ડખ્‍ખો કર્યો હતો. મવડી પ્‍લોટ સરદારનગર-૧માં રહેતાં ભાવીન જયેશભાઇ મંડીર (રાજગોર બ્રાહ્મણ) (ઉ.૨૩) રાતે એકાદ વાગ્‍યે સાધુ વાસવાણી રોડ પર એસ્‍ટરલેન્‍ડ કોમ્‍પલેક્ષમાં આવેલી પોતાની મનમંદિર કોલ્‍ડ્રીંક્‍સ નામની દૂકાને પોતાના મોટા ભાઇ રવિભાઇ મંડિર સાથે હાજર હતાં ત્‍યારે ગુરૂજીનગર ક્‍વાર્ટરમાં રહેતો મુસ્‍લિમ શખ્‍સ સોહિલ બુકેરા અને રોહિત નેપાળી બાઇક પર આવ્‍યા હતાં. સોહિલે ગાળો બોલી દૂકાન બંધ કરવાનું કહી દેકારો મચાવતાં રવિભાઇ મંડિર તેને સમજાવવા જતાં સોહિલે તેને ઝાપટ મારી દીધી હતી. ભાવીન વચ્‍ચે પડતાં તેને પણ ગાળો દઇ ઝપાઝપી કરી હતી અને બાઇકની ચાવીથી છાતીના ભાગે છરકા કરી ઇજા કરી હતી. સોહિલ સાથેનો નેપાળી શખ્‍સ પહેલા જતો રહ્યો હતો. બાદમાં ફરીથી આવ્‍યો હતો અને તે પણ મારામારી કરવા માંડયો હતો. ભાવીન અને તેના ભાઇ રવિભાઇ એમ બંનેને મારકુટ કરી દેકારો મચાવતાં સોહિલના પત્‍નિ અને બીજા લોકો આવી ગયા હતાં.

જતાં જતાં પણ સોહિલે ધમકી આપી હતી કે આજે તો તમને જીવતા જવા દઉ છું, કાલે દૂકાન ખોલશો તો પતાવી દઇશ. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને સોહિલની પત્‍નિ પણ આવી ગઇ હતી. કોઇએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ આવી ગઇ હતી. સોહિલ અને રોહિત નેપાળી અવાર-નવાર દૂકાને ઠંડુ પીવા આવે છે. ગત રાતે પણ આવ્‍યા હતાં દૂકાન બંધ કરવાનું કહી હુમલો કરી ધમકી આપી હતી.

યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ એ. બી. જાડેજાની રાહબરીમાં એએસઆઇ એચ. એલ. સબાડે ભાવીન મંડિરની ફરિયાદ પરથી ગુનો નોંધ્‍યો હતો. સોહિલ ઉસ્‍તાનભાઇ બુકેરા (ઉ.૨૧) અને રોહિત ગોપાલભાઇ નેપાળી (ઉ.૨૧)ને પોલીસે રાતે જ પકડી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું હતું.

ભારતનગરમાં ડીજે બંધ કેમ કર્યુ કહી શક્‍તિની ધમાલઃ ભરત જાંબુકીયાને ઇજા

બીજા બનાવમાં નાના મવા જીવરાજ પાર્ક સામે રહેતાં ભરત ઇશ્વરભાઇ જાંબુકીયા (ઉ.૨૩)ને રાતે સવા બારે ઘર પાસે શક્‍તિ અને અજાણ્‍યાએ મારકુટ કરતાં સિવિલમાં દાખલ થયો હતો. ભરતનો ભાઇ અજય પડોશમાં સોમના લગ્ન હોઇ તેમાં ડીજે વગાડતો હોઇ શક્‍તિ સહિતે વારંવાર અલગ અલગ ગીતોની ફરમાઇશ કરતાં અજયે થોડીવાર ડીજે બંધ કરી દેતાં શક્‍તિ સહિતે બંધ કેમ કર્યુ? કહી ઢીકાપાટુ માર્યાનું જણાવાયું હતું. બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરાઇ હતી.

આનંદ બંગલા ચોકમાં બૂલેટના પૈસા મામલે સાગરને છરી ઝીંકાઇ

ત્રીજા બનાવમાં ગોકુલનગર આવાસ ક્‍વાર્ટર ૭-બી, સંત કબીર રોડ પર રહેતો રહેતો સાગર  મહેશભાઇ રાવલ (ઉ.૩૫) રાતે આનંદ બંગલા ચોક રવેચી ચા નામની હોટલ પાસે હતો ત્‍યારે વિનય ભટ્ટે ઝઘડો કરી બેઠકના ભાગે છરીથી ઇજા કરતાં સિવિલમાં ખસેડાતાં માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. વિનયે અગાઉ સાગર પાસેથી બૂલેટ લીધુ હતું. તેના રૂા. વીસ હજાર બાકી હોઇ સાગરે ઉઘરાણી કરતાં હુમલો કરાયો હતો.  હેડકોન્‍સ. ડી. જે. જાડેજાએ ફરિયાદ નોંધી હતી.

ભગવતીપરામાં નિર્મલ પર સાળાનો હુમલોઃ મિત્ર અશરફને પણ ઇજા

ચોથા બનાવમાં ભગવતીપરામાં રહેતો નિર્મલ ધીરૂભાઇ ઉધરેજીયા (ઉ.૨૦) સાંજે ઘર નજીક નિશાળ પાસે હતો ત્‍યારે તેના સાળાએ ઝઘડો કરી છરીથી અને લાકડીથી હુમલો કરતાં ઇજા થઇ હતી. મિત્ર અશરફ રફીકભાઇ શેખ (ઉ.૨૬) વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ કરવામાં આવી હતી. અશરફના કહેવા મુજબ નિર્મલે તેના સાળાને અમુક રકમ આપી હતી. તેની સામે સાળાની રિક્ષા પોતે રાખી હતી. પૈસાની ઉઘરાણી મામલે બોલાચાલી થતાં નિર્મલ પર સાળાએ હુમલો કર્યો હતો. પોતે બચાવવા જતાં પોતાને પણ ઇજા પહોંચાડાઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

પોપટપરામાં જયાને પડોશીએ લાકડીથી ફટકારી

પાંચમા બનાવમાં પોપટપરા વેરહાઉસ પાસે રહેતી જયાબેન જેન્‍તી બાહુકીયા (ઉ.૩૦)ને પડોશી પ્રભાત અને અજાણ્‍યાએ લાકડીથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પ્ર.નગરને જાણ કરાઇ હતી. જયાના કહેવા મુજબ તેના બા, ભાઇ અંદરો અંદર ઝઘડતા હોઇ પ્રભાતે આવી દેકારા શું કામ કરો છો? કહી હુમલો કર્યો હતો.

લાતી પ્‍લોટમાં કાંતિભાઇને ભત્રીજાએ ઇંટ મારી લીધી

છઠ્ઠા બનાવમાં લાતી પ્‍લોટ ગણેશનગરમાં રહતાં કાંતિભાઇ ડાયાભાઇ મકવાણા (ઉ.૫૫)ને ભત્રીજા દિપકે માથામાં ઇંટ ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં બી-ડિવીઝનમાં જાણ કરાઇ હતી. દિપક ઘર પાસે દેકારા કરતો હોઇ તેને સમજાવવા જતાં ઘા કરી લીધાનું જણાવાયું હતું.

કુવાડવામાં પૂજાબેનને પડોશીએ માર મારી બ્‍લેડથી છરકા કર્યા

સાતમા બનાવમાં કુવાડવા હરિઓમ ચોકમાં રહતાં પૂજાબેન હિતેષ ગોહેલ (ઉ.૩૦)ને રાતે ઘરમાં ગરમી થતી હોઇ અગાસીએ સુવા જતાં પડોશી રતીભાઇ, કાંતિ સહિતના એલફેલ બોલતાં તેને આવુ બોલવાની ના પાડતાં ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી બ્‍લેડથી છરકા કરતાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કુવાડવા જાણ કરી હતી.

ગંજીવાડામાં અમૃતભાઇએ ફટાકડા દૂર ફોડવા કહેતાં બે શખ્‍સે માર માર્યો

આઠમા બનાવમાં ગંજીવાડા-૨૯માં રહેતાં અમૃતભાઇ પ્રેમજીભાઇ ગોહેલ (ઉ.૫૫)એ પોતાના ઘર નજીક બે છોકરા  ફટાકડા ફોડતાં હોઇ તેને દૂર જવાનું કહેતાં છરીથી હુમલો કરી ઢીકાપાટુ મારવામાં આવતાં સિવિલમાં દાખલ થતાં થોરાળા પોલીસને જાણ કરાઇ હતી.

પરાબજારમાં ફ્રુટવાળા અજીત પરમાર પર હુમલો

નવમા બનાવમાં સદર બજાર હરિહર ચોક પાસે રહેતો અને પરાબજારમાં ફ્રુટની લારી રાખી ધંધો કરતો અજીત શાંતિભાઇ પરમાર (ઉ.૪૦) રાતે લારી ખાલી કરીને આવતો હતો ત્‍યારે અલંકાર હોટલ પાસે શબ્‍બીર રફીકભાઇ શેખ નામના ફ્રુટના ધંધાર્થીએ ‘કાલથી મારી લારી પણ તું ભરાવી દેજે' તેમ કહેતાં અજીતે ‘મારે શેઠને પુછવું પડે' તેમ જણાવતાં શબ્‍બીર અને સાથેના શખ્‍સોએ ઉશ્‍કેરાઇ જઇ માર મારી પીઠમાં છરી ઝીંકી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં એ-ડિવીઝનમાં જાણ કરવામાં આવી હતી.

ખોડિયારપરામાં કિશન નંદાસીયાની ધોલધપાટ

દસમા બનાવમાં આજી વસાહત ખોડિયારપરામાં રહેતાં કિશન કુધાભાઇ નંદાસીયા (ઉ.૨૪)ને ઘર પાસે હતો ત્‍યારે કિશન, વિજય, શબો અને અમરે ઝઘડો કરી લાકડીથી માર માર મારતાં સિવિલમાં ખસેડાતાં થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

રસુલપરામાં મનદુઃખ રાખી શિતલ અને ભાઇ દિલીપ પર પડોશીઓનો હુમલો

અગિયારમાં બનાવમાં ગોંડલ રોડ રસુલપરામાં પ્રાથમિક શાળા પાસે રહેતાં શિતલ કાનજીભાઇ ડાભી (ઉ.૧૮) અને દિલીપ કાનજીભાઇ ડાભી (ઉ.૨૦)ને પડોશી કિશોરભાઇ, વિપુલ સહિતે પાઇપથી માર મારતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. કાનજીભાઇ ડાભીના કહેવા મુજબ તેના સાળા ભરતે થોડા સમય પહેલા જે યુવતિ સાથે લવમેરેજ કર્યા છે એ કિશોરભાઇના સગામાં થાય છે. આ કારણે મનદુઃખ ઉભુ થયું હોઇ મારી ઘરે આવી મારા દિકરા, દિકરી સાથે ઝઘડો કરી હુમલો કર્યો હતો.

આમ ગત સાંજથી મોડી રાત સુધીમાં ઉપરોક્‍ત મારામારીના બનાવો બન્‍યા હતાં. જેમાં તમામ ઇજાગ્રસ્‍તોને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં જે તે પોલીસ સ્‍ટેશનોમાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરી હતી.

(11:21 am IST)