Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગમાં નવી ભોજન વ્યવસ્થાથી અસંતોષઃ રોટલી અને શાક વધુ આપવા માંગણી

માનસિક દર્દીઓનો ખોરાક વધુ હોય છેઃ મિઠાઇ ન આપો તો ચાલશે, તેના બદલે રોટલી-શાક વધુ આપો...દૂધ પણ વધુ આપવા દર્દીના સ્વજનોની અરજઃ નવી વ્યવસ્થામાં દર્દીઓના સગાને ભોજન આપવામાં આવતું નથી

રાજકોટ તા. ૨૭: સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ વિભાગના દર્દીઓ માટે શહેરની નામના ધરાવતી હોટેલ મારફત બે મહિના સુધી વિનામુલ્યે ભોજન અપાયું હતું. એ પછી  હવે કોવિડ ઉપરાંત સમગ્ર હોસ્પિટલના દર્દીઓ માટે નવી ભોજન વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે. આ વ્યવસ્થા ખુબ સારી હોવાની અને ભોજન પણ સાત્વીક હોવાનું દર્દીઓ તથા તેમના સ્વજનો જણાવી રહ્યા છે. પરંતુ પ્રારંભે અમુક ફરિયાદો પણ ઉઠવા પામી છે. જેમાં માનસિક રોગ વિભાગમાં દર્દીઓને હાલમાં જે ભોજન અપાય છે તે ઓછુ પડતું હોવાની ફરિયાદો દર્દીના સ્વજનો કરી રહ્યા છે.

મુકુંદરાય નામના દર્દીએ અગાઉ ફરિયાદ કરી હતી કે નવી ભોજન વ્યવસ્થા મુજબ જે થાળી અપાય છે તેમાં ભોજન ઓછુ હોય છે. માત્ર એક પરોઠુ અને થોડુ શાક હોય છે. ઢોકળાના બે-ત્રણ પીસ જ હોય છે. સાંજે પાંઉભાજી હોય તો માત્ર બે નાના પાઉ હોય છે. આ કારણે દર્દીઓનું પેટ ભરાતું નથી. વળી નવી વ્યવસ્થા મુજબ માત્ર દર્દીને જ ભોજન અપાય છે. તેના સગાને ભોજન અપાતુ નથી. અગાઉ સિવિલના રસોડામાં રસોઇ બનાવી જે ભોજન અપાતું હતું તેમાં દર્દીઓ ઉપરાંત તેમના સગાને પણ ભોજન અપાતું હતું.

દરમિયાન બીજા એક દર્દીના સગા શામજીભાઇએ ફરિયાદ કરી હતી કે હાલમાં નવી ભોજન વ્યવસ્થા મુજબ માનસિક વિભાગમાં દર્દીને જે ભોજન અપાય છે તે ઓછુ પડે છે. સામાન્ય રીતે માનસિક રોગના દર્દીનો ખોરાક વધુ હોય છે. હાલમાં જે રોટલી અપાય છે તે એકદમ કુણી અને સ્વાદીષ્ટ હોય છે. પરંતુ સાઇઝમાં નાની હોય છે અને ચાર જ અપાય છે. જે દર્દીને ઓછી પડે છે. શાક પણ ઘણી વાર ઘટે છે. આ કારણે અમારે આ વોર્ડની બાજુમાં જ અન્નક્ષેત્ર ચાલુ છે ત્યાંથી શાક અને રોટલી લેવા જવું પડે છે. દૂધ પણ દર્દીને જે અપાય છે તેમાં થોડો વધારો કરવો જરૂરી છે. દર્દીના સગાએ એમ પણ કહ્યું હતું કે જો એવું હોય તો અમને મિઠાઇ ન આપો, તેના બદલે રોટલી વધારે આપો તો પણ ચાલશે.

નોંધનીય છે કે અગાઉ સિવિલના રસોડામાં જે કર્મચારીઓ ફરજ બજાવતાં હતાં તેને રસોડુ બંધ થવાથી અન્ય વિભાગોમાં નોકરી પર જોડી દેવામાં આવ્યા છે. અગાઉના રસોડામાંથી સમગ્ર હોસ્પિટલમાં ભોજન અપાતું હતું અને દર્દીઓ ઉપરાંત તેમના સગાને પણ મળતું હતું. પરંતુ હવે નવી વ્યવસ્થા દર્દીના સગાને ભોજન આપી શકાતું નથી. આ મામલે સંબંધીતો ધ્યાન આપી ઘટતું કરે તે જરૂરી છે.

(3:52 pm IST)