Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૧ વર્ષના જીગાના અપહરણનો ભેદ ખોલવા પોલીસની ઠેરઠેર દોડધામઃ ટેણીયો ચાલતા પણ શીખ્યો નથી

શાસ્ત્રી મેદાન સામે માતા-પિતા સાથે સુતેલા માસુમને ઉઠાવી જવાતાં આદિવાસી દંપતિ હતપ્રભ : બાળકની તસ્વીર પણ પરિવાર પાસે નથીઃ પ્ર.નગર પોલીસની જુદા-જુદા સીસીટીવી ફૂટેજ ચેક કરાવવા કવાયત

રાજકોટ તા. ૨૭: શહેરમાં બાળકના અપહરણની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શાસ્ત્રી મેદાન સામે લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયના ખુણેથી પાંચ દિવસ પહેલા ૨૨મીની મોડી રાત્રે મુળ મધ્યપ્રદેશના આદિવાસી દંપતિ સાથે સુતેલા તેના ૧ વર્ષના પુત્રને કોઇ ઉઠાવી જતાં શોધખોળ બાદ પોલીસને જાણ કરતાં પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધી આ માસુમને શોધી કાઢવા ઠેરઠેર દોડધામ આદરી છે. તેમજ ફૂટેજ મેળવવા કવાયત આદરી છે.

પોલીસે બનાવ અંગે મુળમધ્યપ્રદેશના જાંબુવા તાબેના વહેડા ગામના અને હાલ રાજકોટ શાસ્ત્રી મેદાન સામે ફૂટપાથ પર રહી કચરો વીણી ગુજરાન ચલાવતાં મમતાબેન જામસીંગ ભુરીયા (ઉ.૩પ) નામના આદિવાસી મહિલાની ફરીયાદ પરથી અજાણ્યા શખ્સ સામે અપહરણનો ગુનો નોંધ્યો છે. 

મમતાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું મારો પતિ અને મારા ત્રણ દિકરા તથા એક દિકરી એમ બધા અઢી મહિનાથી રાજકોટની ફૂટપાથ પર રહીએ છીએ. હું કચરો વીણી ગુજરાન ચલાવું છું. તા. રર/પ ના અમે રાત્રે અગિયારેક વાગ્યે સુઇ ગયા હતાં. હું રાત્રે બે અઢી વાગ્યે નિંદરમાંથી જાગી ત્યારે મારા બે દિકરા અને એક દિકરી સુતેલા દેખાયા હતાં. મારો એક વર્ષનો દિકરો જીગો જોવા મળ્યો નહોતો. આથી મેં મારા ધણી જામસિંગને જગાડેલ અને આસપાસમાં તેમજ સામેના બસ સ્ટેશન અંદર તપાસ કરી હતી. પણ તે મળ્યો નહોતો. મારો આ દિકરો હજુ ચાલતા પણ શીખ્યો નથી. જેથી તેને કોઇ ઉઠાવી ગયાની દ્રઢ શંકા છે.

અમે આજ સુધી અમારા સગા સંબંધીઓ તેમજ અમારા વતનમાં એમ બધે જ તપાસ કરી હતી. પરંતુ દિકરા જીગાના કોઇ ખબર ન મળતાં અંતે અમે ફરિયાદ કરી છે. દિકરા જીગાનો કોઇ ફોટો પણ અમારી પાસે નથી. તેમજ અમને કોઇ પર શંકા પણ નથી.

પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહ જાડેજા તથા ડી. સ્ટાફની ટીમે બાળકને અને તેને ઉઠાવી જનારાને શોધી કાઢવા દોડધામ શરૂ કરી છે. પોલીસે અમુક ફૂટેજ ચેક કર્યા છે પણ કંઇ મળ્યું નથી. માલવીયા ચોક અને લીમડા ચોક આસપાસના અન્ય ફૂટેજ ચેક કરવા કવાયત થઇ રહી છે. બાળકની તસ્વીર પણ ન હોઇ પોલીસની મુંજવણ વધી ગઇ છે. માસુમ બાળક વિશે કોઇને કંઇપણ માહિતી હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

કોઇને બાળક વિશે માહિતી મળે તો પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવો

(3:57 pm IST)