Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઇદના કપડા માટે પત્નિ રૂકશારે ઝઘડો કરતાં ગુસ્સો ચડ્યો એટલે પતાવી દીધી'તીઃ ઇકબાલની કબૂલાત

ભગવતીપરામાં પત્નિની હત્યા કરી ભાગેલા પતિને બી-ડિવીઝનના વિરમભાઇ ધગલ, મોહસીનખાન મલેક અને મહેશ ચાવડાની બાતમી પરથી વાંકાનેરથી દબોચી લેવાયોઃ હવે પછતાવાના આંસુ પાડે છે! : હત્યા બાદ પગપાળા કુવાડવા રોડ ગયો ત્યાંથી ઇકોમાં બેસી વાંકાનેર મિત્રને ત્યાં પહોંચ્યો ને પાછળ પોલીસ પહોંચી ગઇઃ રિમાન્ડની તજવીજ : શાક સુધારવાની છરીના પાંચ ઘા મારી દીધા'તા

રાજકોટ તા. ૨૭: ભગવતીપરામાં હુશેનીયા મસ્જીદ પાસે ફરૂબેનના મકાનમાં ભાડેથી રહેતાં ઇકબાલ ઉર્ફ ભુરો બાબુભાઇ ઉર્ફ વલીભાઇ જૂણેજા (ઉ.૩૨) નામના મુસ્લિમ યુવાને શુક્રવારે મોડી રાત્રે તેની પત્નિ રૂકશારને છરીના પાંચ ઘા ઝીંકી દઇ હત્યા નિપજાવી હતી અને ભાગી ગયો હતો. આ શખ્સને બી-ડિવીઝનના હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મોહસીનખાન મલેક, કોન્સ. મહેશભાઇ ચાવડાની બાતમીને આધારે વાંકાનેરથી પકડી લેવાયો છે. ઇદના કપડા મામલે પત્નિ રૂકશારે ઝઘડો શરૂ કરતાં અને તેને ચૂપ થવાનું કહેવા છતાં તે બોલબોલ કરતી હોઇ કાળ ચડતાં તેને છરીના ઘા ઝીંકી દીધાની કબુલાત ઇકબાલે આપી છે. તેમજ હવે પોતાને આ કૃત્ય બદલ પછતાવો થઇ રહ્યાનું કહી આંસુ વહાવ્યા હતાં.

પત્નિ રૂકશારની હત્યા બાદ ચડ્ડો અને ટી-શર્ટ પહેરીને ઘરેથી નીકળી ગયેલા ઇકબાલે છેલ્લે મોરબી રોડ પરથી એક પરિચિત પાસેથી રૂ. ૧૦૦ ઉછીના લીધા હોવાની માહિતી પોલીસને મળી હતી. શનિવાર સવાર સુધી પોલીસે દોડધામ આદરી હતી. પરંતુ પત્તો મળ્યો નહોતો. ગઇકાલે રવિવારે ઇકબાલ વાંકાનેર તેના મિત્રની ઓરડીએ પહોંચ્યાની બાતમી મળતાં બી-ડિવીઝનનો સ્ટાફ પહોંચ્યો હતો અને તેને સકંજામાં લીધો હતો.

ઇકબાલે એવી કબુલાત આપી હતી કે પત્નિ રૂકશારેે તેના માતા સાથે ફોનમાં વાત કર્યા બાદ ઇદના કપડા બાબતે ચડભડ શરૂ કરી હતી અને સતત બોલબોલ કરતી હતી. તેને ચુપ થવાનું કહેવા છતાં ચુપ ન થતાં મને કાળ ચડ્યો હતો અને શાક સુધારવાની છરીના પાંચ ઘા ઝીંકી દીધા હતાં. પછી ખોટુ થઇ ગયાનું લાગતાં ભાગ્યો હતો. પહેલા પગપાળા સાત હનુમાન સુધી જઇ ત્યાંથી વાંકાનેર બાઉન્ડ્રીએ અને બાદમાં ત્યાંથી ઇકો કારમાં બેસી વાંકાનેર ગયો હતો. સવાર સુધી રખડ્યા બાદ ત્યાં રહેતાં મિત્રની ઓરડીએ પહોંચ્યો હતો.

હવે ઇકબાલ પોતાનાથી ખોટુ થઇ ગયાનું અને પછતાવો થઇ રહ્યાનું કહી પોલીસ સમક્ષ પોક મુકી રહ્યો છે.તેની વિશેષ તપાસ માટે બે દિવસના રિમાન્ડ મેળવવા તજવીજ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી એસ.આર. ટંડેલ અને પી.આઇ. વી. જે. ફર્નાન્ડીઝની સુચના હેઠળ એએસઆઇ અસ. ડી. પાદરીયા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, ચંદ્રસિંહ ઝાલા, વિજયગીરી ગોસ્વામી, મનોજભાઇ મકવાણા, મોહસીનખાન મલેક, કોન્સ. મહેશભાઇ ચાવડા, કિરણભાઇ પરમાર, કેતનભાઇ પટેલ, હંસરાજભાઇ ઝાપડીયા સહિતે આ આરોપીને પકડી લીધો હતો.

(3:56 pm IST)