Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

શનિવારથી રેસકોર્ષમાં મ્યુ. કોર્પોરેશન ઇન્ટર ક્રિકેટ ટુર્નામેન્ટ

રાજયની આઠ મહાનગરપાલિકાની મેયર-ઇલેવનમાં મ્યુ. કમિશનર ઇલેવનની ટીમોની મેચ યોજાશે : સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ : રાજકોટ મેયર ઇલેવનનો મેચ ૩ જુને

રાજકોટ,તા.૨૭: છેલ્લા દ્યણા વર્ષોથી રાજયની તમામ મહાનગરપાલિકાઓ વચ્ચે ટી-૨૦ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવે છે. ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેયર તથા કમિશનર ઇલેવન ટીમો ભાગ લ્યે છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવા પાછળ પદાધિકારીઓ, કોર્પોરેટરો, તેમજ અધિકારીઓ, વચ્ચે પારિવારિક સંબધો બને તેમજ પોત-પોતાના શહેરોમાં લોકોપયોગી કામો અંગેના માહિતીની આપ-લે થઇ શકે તેમ મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવાયુ છે.

આ અંગેની પ્રાપ્ત માહિતી મુજબ ચાલુ આ વર્ષે ટુર્નામેન્ટ રાજકોટ મહાનગરપાલિકાના યજમાન પદે યોજાનાર છે. ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે એન્ડ નાઈટ ઇન્વીટેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં મેયર ઈલેવન અને કમિશનર ઇલેવનની ટીમ ભાગ લેશે. જેના અનુસંધાને આજરોજ સ્થળ મુલાકાત લેતા મેયર બિનાબેન આચાર્ય, પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કરભાઇ પટેલ, બાંધકામ સમિતિ ચેરમેન મનીષભાઈ રાડીયા, ડેપ્યુટી કમિશનર સી.કે. નંદાણી, આસી.કમિશનર હર્ષદભાઈ પટેલ તેમજ સંબધક અધિકારી ઉપસ્થિત રહેલ. ભાગ લેવા આવનાર ક્રિકેટ ખેલાડીઓને રહેવા, જમવા, તેમજ ટુર્નામેન્ટની તમામ આનુષંગીક વ્યવસ્થા ઉભી કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવેલ.

૧લી જુને ટુર્નામેન્ટનું ઉદદ્યાટન થશે અને ૨જી જુન ૨૦૧૯થી રોજ ક્રિકેટ મેચ યોજાશે. જેમાં કમિશનર ઈલેવનનો મેચ દરરોજ સાંજે ૦૪:૦૦ વાગ્યે અને મેયર ઈલેવનનો મેચ રાત્રે ૦૮:૦૦ વાગ્યે શરૂ થશે. રાજકોટ મેયર ઇલેવનનો મેચ તા.૩નાં યોજાશે. બન્ને ટીમનો ફાઈનલ મેચ તા.૮ જુનનાં રોજ યોજાશે. આ ટુર્નામેન્ટમાં મેયરશ્રી ટીમ વતી ચુંટાયેલા કોર્પોરેટરશ્રીઓ જ ભાગ લઇ શકશે. તથા કમિશનરશ્રી ટીમ વતી જે-તે મહાનગરપાલિકાના કર્મચારીઓ જે ટુર્નામેન્ટ શરૂ થવાના ઓછામાં ઓછા ૧ (એક) વર્ષ અગાઉથી પોતાની મહાનગરપાલિકાની સેવામાં હોવા જોઈએ તેમ યાદીનાં અંતમા જણાવાયુ છે.

(3:56 pm IST)