Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પઃ પક્ષકારો પાછા ફર્યા

બીએસએનએલએ તેની કચેરીનું વિજબીલ ન ભરતા કનેકશન કપાઇ જતા સર્વર ઠપ્પઃ કરે કોઇ ભોગવે કોઇ તેવા તાલથી પક્ષકારોમાં રોષ

રાજકોટ, તા. ૨૭ :. રાજ્ય સરકારને કરોડો રૂપિયાની સ્ટેમ્પ ડયુટી રળી આપતી સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં ક્ષુલ્લુક છાશવારે દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઈ જાય છે. આજે બીએસએનએલ કચેરીએ તેની ઓફિસનું લાઈટ બીલ ન ભરતા વીજ કનેકશન કપાઈ જતા સર્વર ઠપ્પ થઈ જવાના કારણે ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં બેસતી પાંચ સબ રજીસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજનું નોંધણીનું કાર્ય ઠપ્પ થઈ જતા પક્ષકારોમાં દેકારો બોલી ગયો હતો.

યાજ્ઞિક રોડ ઉપર ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં બેસતી સબ રજીસ્ટ્રાર કચેરી ઝોન ૩, ૪, ૫, ૬, ૭માં આજે નવા સપ્તાહના પ્રારંભે દસ્તાવેજ નોંધણી માટે સેંકડો પક્ષકારો ઉમટયા હતા પરંતુ સર્વર બંધ હોય દસ્તાવેજ નોંધણીનું કાર્ય બંધ હતુ. સર્વર બંધ હોવાનું કારણ એવુ બહાર આવ્યુ હતુ કે, બીએસએનએલ કચેરીએ તેની ઓફિસનું લાઈટ બીલ ન ભરતા જીઈબીએ વિજ કનેકશન કાપી નાખતા બીએસએનએલ કચેરીમાં વિજ પુરવઠો બંધ હોવાને કારણે ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસમાં બેસતી પાંચેય સબ રજીસ્ટ્રાર કચેરીમાં સર્વર બંધ થઈ ગયુ હતું અને દસ્તાવેજ નોંધણીનું કાર્ય ઠપ્પ થઈ ગયુ હતું. કરે કોઈ અને ભોગવે કોઈ તેવા તાલથી દસ્તાવેજ કરવા આવેલ પક્ષકારોમાં રોષ ફેલાયો હતો અને સેંકડો પક્ષકારો દસ્તાવેજ નોંધાયા વગર જ પરત ફર્યા હતા.

દરમિયાન અંગે ભાજપ લીગલ સેલના હિતેશ દવે, રેવન્યુ બાર એસો.ના પ્રમુખ સી.એચ. પટેલ, ડી.ડી. મહેતા તથા રાજેન્દ્રસિંહ ઝાલાને જાણ થતા સ્ટેમ્પ ડયુટી વિભાગના ઈન્ચાર્જ પ્રાંત અધિકારી જગોડાને મળી તાકીદે દસ્તાવેજ નોંધણીનુ કાર્ય ચાલુ કરવા રજૂઆત કરી હતી. પ્રાંત અધિકારી જગોડાએ જીઈબીના એમ.ડી. સાથે ટેલીફોનિક વાત કરી તાકીદે યોગ્ય કાર્યવાહી કરવા જાણ કરી હતી.

(3:55 pm IST)