Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બોર્ડની પરિક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓનું સન્માન

નેમ આર્ટસ કલ્ચરલ કનેકટ અને શ્રી રામકૃષ્ણ આશ્રમના સંયુકત ઉપક્રમે બુધવારે સાંજે : પડકારનો સમાનો વિષય પર સ્વામી નિખીલેશ્વરનંદજી અને આ.ભ.પૂ.શ્રી યશોવિજયસૂરીશ્વરનું વકતવ્ય

રાજકોટ,તા.૨૭: સામાન્ય રીતે વિવિધ સંસ્થા અને મંડળો દ્વારા પ્રતિ વર્ષ સૌથી વધુ ટકા મેળવનારા અને વિદ્યાર્થીઓનું સન્માન કરવાનો કાર્યક્રમ યોજાતો હોય છે. પરંતુ દરેક બાળક ટકાવારીની મુષક દોડમાં ભાગ લે એ જરૂરી નથી હોતું. શકય છે કે કોઈ ક્રિકેટર, ચિત્રકાર કે કલાકાર બનવા સર્જાયેલું બાળક આંટીઘૂંટીવાળી શિક્ષણ પદ્ઘતિમાં ગૂંચવાઈને આખા વર્ષમાં મેળવેલું જ્ઞાન માત્ર ત્રણ કલાકમાં પોતાની કલમ વડે પેપર પર ન ઠાલવી શકયું હોય.

પ્રવર્તમાન પ્રણાલી પ્રમાણે કોઇપણ પુરુષને તે બિઝનેસમાં નફો કે નુકસાન કરે કોઈ પરિવારજન/મિત્ર કે સગા સંબંધી તેને એ વિષે પૂછતા નથી કે ઠપકો આપતા નથી. મહિલા વર્ગને માટે પણ પરિવારમાં તેમણે કોની સાથે કેવા સંબંધો રાખ્યા તેના માકર્સ આપવાની સીસ્ટમ નથી. પરંતુ સૌથી આસાન શિકાર વિદ્યાર્થીઓ હોય છે.જે વિદ્યાર્થીને ઓછા માકર્સ આવ્યા હોય કે ફેલ થયો હોય તેને માતા- પિતા, સગા વ્હાલા , આડોશી પડોશીઓ, મિત્રો બધા મળીને સલાહ, શિખામણ આપી આપી અને તેનું જીવવું ઝેર કરી દેતા હોય છે.તેની રમત ગમત થી માંડીને મનોરંજનના સાધનો પર પણ કડક પ્રતિબંધ લાગી જતા હોય છે. આવા જ કારણોસર પરિણામ ના સમયે કેટલાય વિદ્યાર્થીઓ નબળા પરિણામના કારણે ઠપકો સાંભળવો પડશે એ બીકે જીવન ટૂંકાવી દેતા હોય છે. કેટલાક નાસીપાસ થઈને જીવનભર નિષ્ફળતાની ગર્તામાં ધકેલાઈ જતા હોય છે.

આવા કિસ્સાઓ ન વધે અને નપાસ થયેલા વિદ્યાર્થીઓનો ઉત્સાહ જળવાઈ રહે અને સાથોસાથ તેને પ્રેરણા પણ મળે તે માટે નેમ આર્ટસ કલચરલ કનેકટ અને શ્રી રામકૃષ્ણ આશ્રમના સંયુકત ઉપક્રમે આવા વિદ્યાર્થીઓને સન્માનવાનો અને પ્રેરણાદાયી વાતો દ્વારા તેમનો ઉત્સાહ વધારવાનો કાર્યક્રમ યોજાયો છે. તા.૨૯ મે ,બુધવારના સાંજે ૬ થી ૮  શ્રી રામકૃષ્ણ મેડીકલ સેન્ટરના પ્રાંગણમાં આવેલા વિવેક હોલમાં આ કાર્યક્રમ યોજાયો છે. જેમાં આશ્રમના અધ્યક્ષ સ્વામી શ્રી નિખીલેશ્વરાનંદજી અને જૈનાચાર્ય પ.પૂ . શ્રી યશોવિજયસૂરીશ્વરજી મહારાજ સાહેબ  દ્વારા 'પડકાર નો સામનો' વિષય પર વકતવ્ય યોજાયા છે. ઉલ્લેખનીય છે કે શ્રી રામકૃષ્ણ આશ્રમમાં એક જ મંચ પર રામકૃષ્ણ આશ્રમના સંન્યાસી અને  જૈન આચાર્ય ભગવંત નું વ્યાખ્યાન એક સાથે યોજાઈ રહ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

આ કાર્યક્રમના આયોજન વિષે જણાવતા મનીષભાઈ પારેખે જણાવ્યું હતું કે,એવા સંખ્યાબંધ કિસ્સાઓ છે જેમાં નિષ્ફળતા એ સફળતાની સીડી બની છે. સદીના મહાનાયકનું બિરૂદ પામેલા અમિતાભ બચ્ચનનો અવાજ આકાશવાણીની પરીક્ષામાં ગેરલાયક ઠર્યો હતો . પરંતુ ત્યારબાદ પોતાની મહેનત વડે તેમણે પોતાના અવાજને એવો કેળવ્યો કે તેમનો અવાજ માત્ર રેડિયો નહી ટેલીવિઝન કે ફિલ્મોમાં પણ ખુબ જ આગવું અને મહત્વનું સ્થાન ધરાવે છે. આવા તો અસંખ્ય કિસ્સાઓ છે જેમાં પરીક્ષામાં નિષ્ફળ ગયેલ વ્યકિત ખુબ મોટી ક્રિકેટર બની હોય , કોઈ વ્યકિત કલાકાર બની હોય કે મોટા ઉદ્યોગપતિ બન્યા હોય.આથી અમારો પ્રયાસ માત્ર આ વિદ્યાર્થીઓનું નૈતિક મનોબળ વધારવાનો અને તેમના જીવનમાં આવનારા અનેક પડકારોમાંથી આ પ્રથમ પડકાર હોવાથી અત્યારથી તેઓ તેમનો સામનો કરવા માટે સક્ષમ બને તે માટે વકતવ્યનો વિષય પણ તેમને અનુરૂપ પસંદ કરવામાં આવ્યો છે. કાર્યક્રમ નિૅંશુલ્ક છે. આ કાર્યક્રમના  આયોજન અને સફળતા માટે મનીષ પારેખ, શિવમ ત્રિવેદી તથા ગૌરવ દોશી  જહેમત ઉઠાવી રહ્યા છે.  

આ કાર્યક્રમમાં પરીક્ષામાં માત્ર ધોરણ ૧૦/૧૨માં અનુત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ અને તેમના માતાપિતા હાજર રહી શકશે. આ માટે રજીસ્ટ્રેશન કરાવવા તથા વધુ વિગતો માટે નેમ આર્ટ્સના મનીષભાઈ  પારેખને (૯૯૭૪૦-૯૦૭૦૯)  પર સંપર્ક  કરવા યાદીમાં જણાવાયું છે.

(3:51 pm IST)