Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ર૦૦૦ મનોદિવ્યાંગ બાળકોની માં બનીશઃ પૂજા પટેલ

પોતાના માનસિક બીમાર બાળક માટે માં ઝઝુમી અને આવા અસંખ્ય બાળકો માટે આશીર્વાદરૂપ પ્રવૃતિ શરૂ થઇ : ખુદના મનોદિવ્યાંગ બાળકને ભણાવવા માતા બી.એડ્. થઇઃ રાજકોટની 'પ્રયાસ' સંસ્થાની વાઇસ પ્રેસીડેન્ટ બનીઃ સાધના પેરેન્ટસ એસો.માં સભ્ય બનીઃ પૂજાબેન રાષ્ટ્રીય સ્તરના નેશનલ ટ્રસ્ટમાં બોર્ડ મેમ્બર બની... મનોદિવ્યાંગ બાળકો માટે જીવન સમર્પિત કરી દીધું

રાજકોટ, તા., ૨૭: મનોદિવ્યાંગએટલે કે માનસીક રિટાર્ડેડ બાળકની સંભાળ રાખવી એ ખુબ અઘરૂ કાર્ય છે. પટેલ સમાજની એક યુવતીને ખ્યાલ આવ્યો કે પોતાના પુત્ર વાસુ માનસીક બીમાર છે અને કાયમ આવો જ રહેશે. આ સાંભળીને કોઇ પણ માતાને આઘાત લાગે જ. પટેલ  યુવતીને ખુબ આઘાત લાગ્યો. ખુદના મનને મનાવીને એ પાટીદાર યુવતીએ પુત્ર વાસુની સેવા આદરી. વાસુને કોઇ સ્કુલ એડમીશન ન આપે એ યુવતીએ પુત્ર માટે બી.એઙ કર્યુ. વાસુ માટે શિક્ષણ સહીતની પ્રવૃતિ આદરી. આજે એ યુવતી પુજા પટેલ રાજકોટમાં ૧૩૦ મનોદિવ્યાંગ બાળકોનું  ઘડતર કરે છે.

'અકિલા' સાથે વાતચીત કરતા પુજાબેને કહયું હતું કે મનોદિવ્યાંગ બાળકોની દશા ખુબ ખરાબ હોય છે હું આવા ર૦૦૦ બાળકોની માતા બનીને તેનું ઘડતર કરવાનું સ્વપ્ન ધરાવું છું. પુજાબેનની કહાની સમાજને પ્રેરણા આપે તેવી છે.

આપણા સમાજમાં ઘણા બાળકો જોવા મળે છે જે જન્મજાત ક્ષતીઓ સાથે અસ્તિત્વ ધરાવે છે. પરંતુ તેમની સ્થિતી અત્યંત દયાજનક છે. ઓટીઝમ જેવી જટીલ બીમારી કે જન્મથી જ ખામી ધરાવતા બાળકોનો ઉછેર કરવો એ ખુબ જ મોટી ચલેન્જ છે. આવી જ કાંઇક ઘટના રાજકોટની પુજા પટેલ સાથે થઇ છે.  પુજાનો એકનો એક પુત્ર સ્પેશિયલ ચાઇલ્ડ છે પણ તેણે હિંમત હાર્યા વગર જે રીતે છોકરાનો ઉછેર કર્યો છે તે કાબીલે તારીફ છે.

પુજાની કહાની પણ સામાન્ય કન્યાની જેમ જ ર૦૦૪ માં લગ્નસાથે શરૂ થઇ . તેના લગ્ન જ્ઞાતિના જ યુવક સાથે રાજસ્થાન થયા હતા. ર૦ ઓકટોબર ર૦૦પમાં તેણે બાળકને જન્મ આપ્યો. દરેક માતાની જેમ તેણે પણ રમતા રમતા બાળક મોટુ થઇજશે એમ માની તેનો ઉછેર લાડપ્યારથી કરવા માંડયો. લગભગ છ મહિના જેવો સમયગાળો થયો ત્યારે પુજાને કાંઇક અમંગળના અણસાર મળ્યા. બન્યું એમ કે પુજાની ભત્રીજી કરતા વાસુ છ મહિના મોટો હતો પણ તેની ભત્રીજીએ છ મહિનાનું બાળક જે મુવમેન્ટ કરે, રીસ્પોન્સ કરે એ તમામ કરવા માંડી હતી. જયારે વાસુ ઘણીવાર કોઇ પણ રીસ્પોન્સ આપતો ન હતો એ પુજાના ધ્યાનમાં આવ્યું હતું. તેણે એ પણ માર્ક કર્યુ કે તેની ઉંમરના બાળક જેવું એનું વર્તન ન હતું. જો કે એ સમયમાં બહુ ગણકાર્યુ નહી પણ પછી એને ચિંતા થવા લાગી. જયપુરમાં તેણે એક ડોકટરને બતાવ્યું તો તેમણે વાસુની સોનોગ્રાફી, એમઆરઆઇ કરાવ્યું અને એપીલેકસ દવા પીવડાવવાનો કોર્સ શરૂ થયો. તે સમયે પુજાને એ પણ ખ્યાલ ન હતો કે આ દવા શાની છે. મગજની બીમારી અથવા ખેંચની દવા તેના બાળકને તે પીવડાવી રહી હતી. તેણે જોયું કે તેની ઉંમરના બાળકો સાત-આઠ મહિનામાં બોલતા-ચાલતા થઇ ગયા પણ વાસુ હજી બોલતો ન હતો. એક વાર ત્યાં ડોકટર્સની ટીમ આવી ત્યારે એ વાસુને લઇ બતાવવા ગઇ. ડોકટરોએ તેને તપાસી પુજાને કહયું કે તારૂ બાળક માનસીક બીમાર (મેન્ટલી રિટાર્ડેડ) છે અને કદાચ હવે કાયમ આવું જ રહેશે. પુજા આ સાંભળીને ધ્રુજી ગઇ. તેને ક્ષણભર તો શું કરવું શું ના કરવું એ સમજ ના પડી. પુજા પર નિરાશાના વાદળો ઘેરાઇ ગયા. આ વેદના પુજાથી સહન ના થઇ. તેણે આપઘાત કરવાનું નક્કી કરી લીધું. એક દિવસ ઘરમાં જયારે કોઇ ન હતું ત્યારે પંખે લટકી જવા માટે ઓઢણી બાંધીને તમામ તૈયારીકરી લીધી હતી. ત્યાં અચાનક ફોન રણકયો. તેણે ફોન ઉપાડયો તો સામે ડો. સીતારમનનો ફોનહતો તેમણે પુજાને કહયું તું આપઘાત કરતા પહેલા એકવાર મને મળવા આવી જા, પછી તારે જે કરવુ઼ હોય તે કર, તને સ્વતંત્રતા છે. પુજાએ કહયું ડોકટર સાહેબ હું મારા બાળક માટે તો જીવું છું. ડોકટર સાહેબે કહયું ગીતા વાંચી છે? બધુ ઉપરવાળાના હાથમાં છે તેં તારા બાળક માટે શું કર્યુ છે?

પુજા વિચારમાં પડી ગઇ તેણે બાળકનો સારી રીતે ઉછેર અને ટ્રીટમેન્ટ કરવાનું નકકી કર્યુ. આ દરમીયાન મુંબઇ ખાતે હિન્દુજા હોસ્પીટલમાં તેની દવા ચાલતી હતી. વાસુને લઇને પુજાની મમ્મી નીચે ઉતરી રહી હતી ત્યારે તેને આંચકી આવી. કોઈ સજ્જને એ જોયું અને તેમને સલાહ આપી કે અહીં કબુતર ખાનામાં આયુર્વેદીક મેડિસિન્સ અને તેલ મળે છે એ સારવાર કરાવી જુઓ ફાયદો થશે. એ તેલની કિંમત ૨૭૦૦૦ હતી જેમાં ઘણી કિંમતી ઔષધીઓ આવે છે. પૂજાએ આ ટ્રીટમેન્ટ કરાવી અને વાસુને ખરેખર ફાયદો થયો. અલબત્ત બીજા બાળકોએ પણ આ સારવાર કરાવી પણ ફાયદો થયો ન હતો.

પૂજાના જીવનમાં બીજો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જ્યારે વાસુને તે સ્કૂલમાં એડમિટ કરવા ગઈ. સ્કૂલે તેને નોર્મલ બાળક સાથે ભણાવવાની ના પાડી દીધી. પૂજા ફરી એકવાર હચમચી ગઈ. તેને થયું કે તેનું બાળક કયાં જશે ? બીજી બે-ત્રણ સ્કૂલમાં પણ આ જ બન્યું. આખરે પૂજાએ સ્પેશિયલ બાળકોની સ્કૂલ 'ઉમંગ'માં એડમિશન લીધું. ત્યાં પૂજા સ્વયંસેવક પણ બની અને બી.એડ્.નો અભ્યાસ પણ કર્યો, ત્યારે તેને વિચાર આવ્યો કે આવી સ્કૂલ હું પોતે જ કેમ ના શરૂ કરૃં અને તે રાજકોટ પરત આવી અને પોતાના મિશન પર લાગી ગઈ. અહીં તેને ભાસ્કર પારેખ અને હરેશ વિઠ્ઠલાણી નામના બે સજ્જનોનો સહકાર મળ્યો જેમના બા ળકો પણ માનસિક અસ્વસ્થ હતા અને તેમના દ્વારા સ્પેશિયલ ચાઈલ્ડ માટે સ્થાપેલ સંસ્થા 'પ્રયાસ'માં જોડાઈ. ત્યાર બાદ તેમાં વાઈસ પ્રેસિડન્ટ બની. માત્ર ત્રણ બાળકો સાથે શરૂ થયેલ. આ સ્કૂલમાં આજે ૧૩૦ બાળકો જોડાયેલા છે. પૂજાએ આવા બાળકને સરકારી સહાય મળે તે માટે પણ રાજ્ય સ્તરે રજૂઆત કરી. આણંદ એસપી યુનિ.માં સ્પેશિયલ બાળકોના શિક્ષણ માટેનો બી.એડ્. કોર્ષ થાય છે જેની ફી ૮૦ હજાર જેટલી છે. પૂજાએ શિક્ષણમંત્રીને રજૂઆત કરી અને કોર્ષની ફી ૪૦ હજાર ઓછી કરવામાં આવી. પૂજાનું એક જ સપનુ છે કે હું જ્યારે નહીં હોઉં ત્યારે આ બાળકોનું શું થશે ? તે માટે જ તે એક રેસિડેન્સિયલ સંકુલ બનાવવા ઈચ્છે છે. પૂજા હિંમત હારી નથી. તે કહે છે સારા કાર્યની ઈચ્છા હોય તો ગમે ત્યારે અનુકુળતા થઈ જ જશે. તે ભવિષ્યમાં આવા ૨૦૦૦ સ્પેશિયલ બાળકોની મા બનવાનું સપનુ જોવે છે.

પૂજાની હિંમત, સાહસિકતા અને ધૈર્યને સો સો સલામ કરવી પડે. અનેક એવોર્ડ દ્વારા તેનું સન્માન થયું છે. સરકાર તરફથી પણ તેની પ્રશસ્તિ થઈ છે ત્યારે પૂજાની કર્મનિષ્ઠાને ફિલીંગ્સ પરિવાર તરફથી પણ વંદન.

મનોદિવ્યાંગ બાળકો માટે સુવિધાપૂર્ણ બિલ્ડીંગનું સ્વપ્ન

હાલનું મકાન જર્જરિતઃ દર મહિને રૂ. દોઢ લાખનો ખર્ચઃ ૩૦ કર્મચારીઓ છેઃ જરૂરિયાતમંદ પરિવારના મનોદિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક પ્રવેશ

રાજકોટઃ. પૂજાબેન પટેલ દ્વારા મનોદિવ્યાંગ બાળકો માટે રાજકોટમાં પ્રવૃતિઓ ધમધમે છે. પૂજાબેન કહે છે કે, વર્તમાન બિલ્ડીંગ ખૂબ જર્જરિત છે. મારૂ સ્વપ્ન છે કે મનોદિવ્યાંગ બાળકોને વિશાળ-સુવિધાપૂર્ણ બિલ્ડીંગ અને આ બિલ્ડીંગમાં બાળકોના સુખના સાધનો હોય... ખૂબ ભાવુક બનીને પૂજાબેને જણાવ્યું હતું કે, મનોદિવ્યાંગ બાળકોને હું દુનિયાભરનું સુખ આપવા ઈચ્છું છું, પરંતુ... સંસ્થા સંચાલનનો વર્તમાન ખર્ચ પણ માંડ પુરો થાય છે. સંસ્થામાં ૧૩૦ મનોદિવ્યાંગ બાળકો છે. ૩૦ કર્મચારીઓ છે, મહિને રૂ. દોઢ લાખ જેટલો ખર્ચ થાય છે.

જો કે પૂજાબેને જણાવ્યુ હતું કે, મારી આ પ્રવૃતિના પ્રારંભે અગ્રણીઓ ભાસ્કરભાઈ પારેખ, હરેશભાઈ વિઠ્ઠલાણીનો સહયોગ મળ્યો છે. ઉપરાંત મામા ડો. વલ્લભભાઈ કથીરિયા પ્રેરકબળ પુરૂ પાડે છે. ડો. નયન કાલાવડિયાનો પણ મને ટેકો મળ્યો હતો.    આ બધા  મહાનુભાવોના  કારણે  પ્રવૃતિ  શરૂ  થઈ  છે  અને વિસ્તરી છે.

પૂજાબેનના જીવનસાથી સુરેશભાઈ વઘાસિયા પણ સહયોગ આપી રહ્યા છે. પૂજાબેન કહે છે કે, હાલના જર્જરિત મકાનને બદલે મનોદિવ્યાંગ બાળકો માટે સુવિધાપૂર્ણ બિલ્ડીંગનું મારૂ સ્વપ્ન છે. આ માટે કોઈ સહયોગી મળે તે માટે ઈશ્વરને પ્રાર્થના કરૂ છું.

પૂજાબેનની સેવાની નોંધ રાષ્ટ્રીયસ્તરે લેવાઈ છે. નેશનલ ટ્રસ્ટમાં બોર્ડ મેમ્બર તરીકે પૂજાબેનની નિમણૂક થઈ છે. આ સંસ્થામાં એક માત્ર ગુજરાતી સભ્ય છે. આ ટ્રસ્ટ વિકલાંગતા ટ્રેનિંગ કોર્ષ યોજનાઓ ઘડવાનું કાર્ય કરે છે.

મનોદિવ્યાંગ બાળકોની સેવા પ્રવૃતિ અંગે વધારે માહિતી માટે પૂજા પટેલ મો. ૮૧૨૮૧ ૩૮૦૯૨ નંબર પર સંપર્ક થઈ શકે છે.

(4:06 pm IST)
  • દેખાવો સર્જાતા કાશ્મીરના નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા : શ્રીનગર : આતંકી કમાન્ડર ઝાકીર મુસા ઠાર મરાયા પછી બે દિવસ અશાંતિ રહેલ. આ પછી પ્રતિબંધો ઉઠાવી લેવાયેલ. દરમિયાન ફરી મોટાપાયે દેખાવો શરૂ થતાં શ્રીનગરના જૂના વિસ્તાર નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા છે. હાઈ સ્પીડ મોબાઈલ - ઈન્ટરનેટ સેવા સતત બંધ છે access_time 11:44 am IST

  • અમદાવાદમાં ૫ દિવસ સુધી ગરમી ૪૨થી ૪૩ ડિગ્રી વચ્ચે રહેશે: હવામાન ખાતુ: યલ્લો એલર્ટ જાહેર access_time 3:41 pm IST

  • મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે :વિપક્ષ ખોટો ભ્રમ ઉભો કરવાની કોશિશ કરે છે :મધ્યપ્રદેશની સતારૂઢ કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગની અધ્યક્ષા શ્રીમતી શોભા ઓઝાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ ઉદભવેલી સ્થિતિમાં પણ કોંગ્રેસ સરકાર સ્થિર રહેશે અને પોતાનો પાંચ વર્ષ પુરા કરશે access_time 1:09 am IST