Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પાનબીડીની દુકાન, ડ્રાઈવર, ખાનગી કંપનીઓમાં નોકરી કરતા વાલીઓના સંતાનોએ મેદાન માર્યુ

રોહનને સી.એ., કેવલ પરમારને બી.સી.એ. કરવાની મહેચ્છા : ચાણકય વિદ્યામંદિરનું ધો.૧૨નું ૧૦૦ ટકા પરિણામઃ ઉજવણી ન કરી વિદ્યાર્થીઓને શ્રધ્ધાંજલી અર્પી

રાજકોટ,તા.૨૭: સુરતમાં થયેલ અતિદુઃખદ ઘટનાના ચાણકય વિદ્યામંદિરે શાળાના ધો.૧૨ના ૧૦૦ ટકા પરિણામની ઉજવણી સ્વરૂપે વિજય સરઘસ, ફટાકડા ફોડવા વગેરે પ્રકારની ઊજવણી બંધ રાખી અને બધા વિદ્યાર્થીઓ, વાલીઓ, ટ્રસ્ટીઓ દ્વારા કેન્ડલ લાઈટથી શ્રધ્ધાંજલી આપી બધા દિવ્ય આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરી તેઓના પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શકિત આપે તેવી પ્રાર્થના કરી હતી.

તાજેતરમાં જાહેર થયેલ ધો.૧૨ના બોર્ડના પરિણામ સાથે ચાણકય વિદ્યામંદિર (કરણસિંહજી મેઈન રોડ) ફરી એકવાર ૧૦૦ ટકા પરિણામની પરંપરા જાળવી રાખી છે. બોર્ડમાં એટુ ગ્રેડ- ૯૯.૧૩ પીઆર સાથે રાઠોડ રોહન જે શાળામાં પ્રથમ નંબર સાથે અભિનંદનને પાત્ર બન્યા છે. દ્વિતીય નંબર પર ૯૯.૧૦ પીઆર સાથે હેરભા રવિ આર, ત્રીજા નંબર પર ૯૭.૮૪ પીઆર સાથે પરમાર કેવલ ડી, ચોથા નંબર પર ૯૭.૬૬ પીઆર સાથે જરીયા યશ આર, પાંચમાં નંબરે ૯૬.૮૯ પીઆર સાથે દંગી અદિતી બી.એ શાળાનું ગૌરવ વધારેલ છે.

બોર્ડનું ૭૩.૨૭ ટકા પરિણામ આવ્યું છે. ત્યારે ચાણકય વિદ્યામંદિરના ૧૦૦ ટકા પરિણામ સાથે શાળાની યશકલગીમાં એક પીછું ઉમેર્યું છે. ગૌરવની વાત છે.  શાળાના મેનેજીંગ ટ્રસ્ટી પ્રવીણભાઈ રૂપાણીએ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા કહ્યું કે ખૂબ જ મહેનત અને ખંતપૂર્વક આગળનો અભ્યાસ કરી માતા- પિતાનું નામ રોશન કરે શુભકામના પાઠવી. નિયમક નિલેશભાઈ દેસાઈ, ઓજસભાઈ ખોખાણી તેમજ આચાર્ય હર્ષિદાબેન આરદેશણાએ સમગ્ર સ્ટાફે પણ અભિનંદન પાઠવ્યા હતા.

શાળા પ્રથમ આવેલ રોહનના વાલી પાનબીડીની દુકાન છે. નબળી આર્થીક પરીસ્થિતિમાં પણ ૯૯.૧૩ પીઆર મેળવેલ છે. તેઓ સીએ બનવા માંગે છે.

શાળામાં બીજો નંબર મેળવનાર હેરભા રવિના વાલી ડ્રાઈવરની નોકરી કરે છે. રવિએ ૯૯.૧૦ પીઆર મેળવી ભવિષ્યમાં યુપીએસસી, જીપીએસસી પરીક્ષા આપવાની  મહેચ્છા છે.

ત્રીજો ક્રમ મેળવનાર પરમાર કેવલના મમ્મી ઘેર ટયુશન કરાવે છે અને કેવલ પણ તેમાં મદદ કરે છે. તેઓ બીસીએ  કરવા ઈચ્છે છે. જયારે ચોથો નંબર મેળવનાર જરીયા યશના વાલીને ગેરેજ છે. મધ્યમ આર્થિક પરિસ્થિતિમાં કે.જી. થી ધોરણ ૧૨ સુધીની ચાણકય સ્કૂલની લાંબી શૈક્ષણિક યાત્રામાં પોતાની મહેનત અને ધગસથી ૯૭.૬૬ પીઆર મેળવ્યા છે.

પાંચમાં નંબર મેળવનાર દંગી અદિતીના વાલી સાડીની દુકાનમાં સેલ્સમેનની નોકરી કરે છે અને મમ્મી ઘેર સીવણ કામ કરી દીકરીને ભણાવે છે.

તસ્વીરમાં શાળાના પ્રિન્સીપાલ હર્ષીદાબેન આરદેસણા સાથે ઉચ્ચ પરિણામ લાવનાર વિદ્યાર્થીઓ નજરે પડે છે.(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:43 pm IST)