Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

વ્યાજખોરી-ધમકીના પાંચ ગુનાઃ ગાંધીગ્રામના સમજુબેન વિરડીયાને મદદના બહાને તેની મોટા મહિકાની જમીન સાગર વિરડીયાએ બારોબાર વેંચી નાંખી!

વ્યાજખોરીને ડામવા શનિવારે લોકદરબારમાં ૨૫૦ અરજી મળ્યા પછી હવે ગુના દાખલ કરવાનો ધમધમાટ : મહિલાની દિકરીએ મકાનની લોન માટે પૈસાની જરૂર છે તેવો મેસેજ 'લેઉવા પટેલ સમાજ-એસપીજી ગ્રુપ'માં મુકતાં અશ્વિન મોલિયાએ મવડીના સાગર વિરડીયાનો સંપર્ક કરાવ્યોઃ સાગરે આ પરિવારની જમીન ગીરવે મુકાવી પૈસા અપાવવાના બહાને છેતરપીંડીથી વેંચાણ દસ્તાવેજમાં સહી કરાવી લીધીઃ માથે જતાં થાય તે કરી લેવાની અને રાજકોટમાં જીવવું મુશ્કેલ બનાવી દેશે તેવી ધમકી દીધાની ફરિયાદ : પ્રણામી પાર્કના વિમલ પટેલે ત્રણ જણા પાસેથી ૬૫ લાખ વ્યાજે લીધા'તા તેની સામે લાખો ચુકવ્યાઃ બે પ્લોટ પડાવી લેવાયા, ચેક રિટર્નની ફરિયાદો કરીઃ હજુ પણ વ્યાજ માંગી ધમકી : નવાગામના રિક્ષાચાલક જયંતિભાઇએ ઓપરેશન માટે ૧ લાખ લીધા, તેની સામે ૪II લાખ ભર્યા, દિકરીની બચતના ૫૦ હજાર પણ દીધા, છતાં વધુ માંગી અમુ કોળીની ધમકી : હડમતીયાના રણછોડ કોળીએ સદ્દગત પિતાએ લીધેલા ૪ લાખ સામે ૭ લાખ ચુકવ્યા છતાં સગા મોટાબાપુ નરસી કોળી અને તેનો પુત્ર વધુ વ્યાજ માંગી ત્રાસ ગુજારે છેઃ અંતે પોલીસનું શરણું લીધું : ન્યુ જાગનાથના હમજોલી ટેઇલર્સવાળા આશિષ દરજીએ ૨૦૧૬માં વ્યાજે લીધેલા ૧.૬૦ લાખ સામે ૨.૩૪ લાખ ચુકવ્યા છતાં જતીન ગોહેલ (દરજી)ની દૂકાને આવી વધુ વ્યાજ માંગી ધમકી

રાજકોટ તા. ૨૭: વ્યાજખોરી સામે પોલીસે શનિવારે યોજેલા લોકદરબારમાં ૨૫૦ અરજી-ફરિયાદ મળી હતી. એ પછી જુદા-જુદા પોલીસ મથકોમાં વ્યાજખોરી મામલે ગુના નોંધવાનું શરૂ કરવામાં આવ્યું છે. રવિવારના રોજ જુદા-જુદા પાંચ ગુના દાખલ થયા છે. જેમાં ગાંધીગ્રામના પટેલ મહિલા, પ્રણામી પાર્કના પટેલ યુવાન, હડમતીયાના કોળી યુવાન, નવાગામના બોરીચા પ્રોૈઢ તથા જાગનાથ પ્લોટમાં દૂકાન ધરાવતાં દરજી યુવાને પોતાની આપવીતી ફરિયાદ સ્વરૂપે પોલીસ સમક્ષ રજૂ કરતાં મનીલેન્ડ એકટ, ધમકી હેઠળ ગુના દાખલ થયા છે.

સોશિયલ મિડીયા પર પૈસાની મદદ માટે મેસેજ મુકતાં જમીન ગઇ!

ગાંધીગ્રામ રામાપીર ચોકડી લાખના બંગલાવાળા રોડ પર ગોૈતમનગર-૧ પદ્દમાવતિ રેસિડેન્સી બી-૨૦૪માં રહેતાં સમજુબેન કાનજીભાઇ વિરડીયા (ઉ.૪૭) નામના લેઉવા પટેલ મહિલાના પરિવારને મકાનની લોન ભરવા પૈસાની જરૂર હોઇ આ પરિવારની દિકરીએ 'લેઉવા પટેલ સમાજ એસપીજી ગ્રુપ'માં પૈસાની જરૂર  છે તેવો મેસેજ મુકતાં અશ્વિન મોલીયા નામના વ્યકિતએ આ ગ્રુપમાંથી સંપર્ક કરી મવડીના સાગર રણિકભાઇ વિરડીયાનો કોન્ટેકટ કરાવતાં સાગરે આ પરિવારની ગોંડલના મોટા મહિકામાં આવેલી ૧ એકર જમીન ગીરવે મુકાવી નાણા અપાવવાના બહાને બાનામાં સહી કરાવવાના નામે વેંચાણ દસ્તાવેજમાં સહી કરાવી લઇ ૬ લાખ ચાંઉ કરી લેતાં અને માથે જતાં ધમકી આપતાં ગાંધીગ્રામ પોલીસમાં ગુનો દાખલ થયો છે.

સમજુબેને ફરિયાદમાં જણાવ્યું છે કે હું પતિ કાનજીભાઇ ગોબરભાઇ, દિકરી રવિના અને દિકરા ઘનશ્યામ સાથે રહુ છું અને પારકા ઘરના કામ કરવા જાઉ છું. મારે મકાન પર કેકેવી હોલ પાસે આવેલા શ્રીરામ ફાયનાન્સની લોન હોઇ બે વર્ષ પહેલા ચક્રવૃધ્ધી વ્યાજ ચડી જતાં ૧૫ લાખ જેવી રકમ બેંકમાં ભરવી પડે તેમ હોવાથી અમારે ગોંડલ તાલુકાના મોટા મહિકા ગામે એક એકર જમીન આવેલી હોઇ તે જમીન પર લોન લેવા અમે જીલ્લા સહકારી બેંકમાં ગયા હતાં. પરંતુ જમીન પર ફકત બે લાખ મળી શકે તેમ જણાવતાં અમારે વધુ પૈસાની જરૂરી હોઇ જેથી અમારી દિકરી રવિના (ઉ.૨૪)એ તેના ફેસબૂકમાં લેઉવા પટેલ સમાજનું 'એસપીજી ગ્રુપ' હોઇ તેમાં મકાના છોડાવવા માટે પૈસાની જરૂર હોઇ મદદ માટે અપીલી કરતો મેસેજ મુકતાં અશ્વિન મોલિયાએ એસપીજી ગ્રુપ થકી કોન્ટેકટ કર્યો હતો. તેણે મવડી બાપા સિતારામ ચોકમાં રહેતાં સાગર રમણિકભાઇ વિરડીયાનો કોન્ટેકટ કરાવ્યો હતો.

સાગરે જમીનની વિગતો જાણી હતી અને કહ્યું હતું કે જમીન ગિરવી રાખી કોઇ પૈસા આપે તેવું ધ્યાને આવશે તો તમારી મહિકાની જમીન પર ૬ લાખ અપાવીશ અને મારા કોન્ટેકટમાં ઘણા માણસો હોઇ છ લાખની રકમ વ્યાજે ફેરવી તમારા મકાનના હપ્તા ભરી આપીશ, એક વર્ષમાં તમારી જમીન પણ છોડાવી આપીશ. એ પછી આજથી બે વર્ષ પહેલા ૧૭/૩/૧૭ના રોજ મારા પતિ કાનજીભાઇને ગોંડલ મામલતદાર ઓફિસે લઇ ગયેલ અને ત્યાંથી મારા પતિએ મારી દિકરીને ફોન કર્યો હતો અને જમીન વેંચાણ દસ્તાવેજમાં પોતાની સહી કરાવે છે તેવી વાત કરી હતી. આથી મારી દિકરીએ સાગર જોડે ફોનમાં વાત કરી હતી.

સાગરે કહ્યું હતું કે હું માત્ર બાનાખતમાં સહી કરાવુ છું, તમારી જમીન તમારા બધાની સહી વિના કોઇ લઇ શકે નહિ તેમ જણાવ્યું હતું. એ પછી સાગરે રાજકોટના ગજેન્દ્રસિંહ ગોવુભા જાડેજા પાસેથી રૂ. ૬ લાખ અપાવડાવ્યા હતાં. આ રકમ સાગરે તેની પાસે રાખી હતી અને પોતે વ્યાજે ફેરવી મકાનના હપ્તા ભરી દઇ જમીન પણ છોડાવી આપશે તેમ કહ્યું હતું. પરંતુ બે મહિના બાદ સાગરે વ્યાજની કોઇ રકમ અમને ન આપતાં અને અમારી જમીન પર લીધેલા ૬ લાખ પણ ન આપતાં અમે પરત માંતગા તેણે કહ્યું હતું કે હું વ્યાજે પૈસા ફેરવી મકાનના હપ્તાનું કરી દઇશ. એ રીતે તેણે બહાના બતાવવાનું શરૂ કર્યુ હતું.

છેલ્લે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે સાગરે બાનાખતનું કહીને જમીન વેંચાણના દસ્તાવેજ પર સહી કરાવી લઇ ગજેન્દ્રસિંહને જમીન વેંચી નાંખી છે. એ પછી સાગરને રૂબરૂ મળતાં અને ફોન કરતાં તેણે કહેલું કે મારું કોઇ કંઇ બગાડી શકશે નહિ, મારી પહોંચ ઉપર સુધી છે, જ્યાં દોડવું હોઇ ત્યાં દોડી લ્યો...ફરિયાદ કરશો તો રાજકોટમાં તમારું જીવવું મુશ્કેલ કરી દઇશ. તેમ કહી ધમકી આપવા માંડ્યો હતો. બીકને કારણે આજસુધી ફરિયાદ કરી નહોતી. પણ લોકદરબાર યોજાતાં અમે ત્યાં પહોંચ્યા હતાં અને ફરિયાદ કરી હતી. આમ સાગર છેતરપીંડી કરી અમારી જમીન વેંચી નાંખી છે, આ બાબતે અમે ગોંડલ પોલીસમાં ફરિયાદ કરીશું.

પીઆઇ વી. વી. ઓડેદરાની રાહબરીમાં પીએસઆઇ જે. એમ. ભટ્ટે તપાસ શરૂ કરી છે.

બીજો કિસ્સો

કાલાવડ રોડ પર ન્યુ ગાંધી સોસાયટી પ્રણામી પાર્ક મેઇન રોડ પર વૃંદાવન નામના મકાનમાં રહેતાં અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતાં વિમલ દામજીભાઇ ભાલાળા (ઉ.૩૫) નામના પટેલ યુવાને રેસકોર્ષ રીંગ રોડ પર સરકારી કવાર્ટરના ગેઇટ સામે રહેતાં નરેન્દ્ર ગોબરભાઇ ગોંડલીયા, શ્રી કોલોની અમૃત પાર્કમાં રહેતાં રતિલાલ જીવરાજભાઇ વિરડીયા તથા ન્યુ મારૂતિ પાર્ક ૧૫૦ રીંગ રોડ પર રહેતાં રાજેશ જમનભાઇ ભાલાળા સામે તાલુકા પોલીસમાં આઇપીસી ૩૮૫, ૩૮૬, ૩૮૭, ૫૦૬ (૨), ૫૦૪, મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ કરી છે.

વિમલ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે મારે ૨૦૧૨માં બિગ બાઝારમાં ત્રીજા માળે ૩૩૮ નંબરની ઓફિસ હતી અને હું કન્સ્ટ્રકશનનું કામ કરતો હતો. મારે ત્યારે પૈસાની જરૂર પડતાં મારા એકાઉન્ટન્ટ નરેન્દ્રભાઇ ગોંડલીયા પાસેથી રૂ. ૨૦ લાખ ૨.૫ ટકે લીધા હતાં. આ પૈસાનો વહિવટ મારી ઓફિસમાં થયો હતો. ધંધામાં પૈસા વાપર્યા હતાં. ચાર વર્ષ સુધી મેં દર મહિને ૪૫ હજાર લેખે વ્યાજ ચુકવ્યું હતું. છતાં નરેન્દ્રભાઇએ ૧૪/૫/૧૩ના રોજ મારા ૩૦ લાખના પ્લોટનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તેમજ ૧૦ લાખનો ચેક ભરાવી લીધો હતો અને રિટર્ન કરાવી મારા પર કોર્ટમાં કેસ કર્યો હતો. હવે તે પૈસાની ઉઘરાણી કરવા અવાર-નવાર ઘરે આવે છે અને ધમકી આપે છે.

આ ઉપરાંત ૨૦૪માં મેં રતિલાલ વિરડીયા (રહે. અમૃત પાર્ક) પાસેથી ૨.૫ ટકે ૨૦ લાખ લીધા હતાં. તેને પણ નિયમિય ૪૫ હજાર લેખે વ્યાજ ત્રણ વર્ષ સુધી આપ્યું હતું. તેણે ધાકધમકીથી ચેક લખાવી રિટર્ન કરાવી કોર્ટ કેસ કર્યા હતાં. આ શખ્સ વ્યાજ માટે મને તથા મારા પિતાને પણ ત્રાસ આપી ધમકી આપે છે. આ ઉપરાંત ૨૦૧૨માં રાજેશ ભાલાળા પાસેથી રૂ. ૨૫ લાખ ૨.૧૦ ટકે લીધા હતાં. જેનું વ્યાજ મેં દર મહિને ૫૦ હજાર લેખે ભર્યુ હતું. રાજેશભાઇએ ધાકધમકી આપી મારા વાવડી સર્વે નં. ૧૦૨નો પ્લોટનો દસ્તાવેજ પણ કરાવી લીધો છે. તે હજુ પણ વ્યાજની ઉઘરાણી માટે હેરાન કરે છે અને ઘરે આવી ગાળો આપે છે. આમ આ ત્રણેયને વ્યાજ ચુકવ્યું હોવા છતાં આ લોોકએ મારા પ્લોટ પડાવી લઇ મારા વિરૂધ્ધ ચેકના કોર્ટ કેસ કરાવ્યા છે અને સતત મારી નાંખવાની ધમકી આપી હેરાન કરતાં હોઇ અંતે ફરિયાદ કરી છે. તાલુકાના પી.આઇ. વી.એસ. વણઝારાની રાહબરીમાં પીએસઆઇ એન. ડી. ડામોરે તપાસ હાથ ધરી છે.

ત્રીજી ફરિયાદ

વ્યાજખોરીના ત્રીજા બનાવમાં મુળ સોખડાના અને હાલ રાજકોટના હડમતીયા ગામે રહેતાં રણછોડ અરજણભાઇ બાવળીયા (ઉ.૩૫) નામના કોળી યુવાને નવાગામ આણંદપર રંગીલા સોસાયટીમાં રહેતાં સગા મોટા બાપુ નરસીભાઇ જેરામભાઇ બાવળીયા તથા તેના દિકરા જગદીશ નરસીભાઇ બાવળીયા સામે ફરિયાદ કરતાં આઇપીસી ૩૮૪, ૫૦૬ (૨), ૧૧૪ અને મનીલેન્ડ એકટ હેઠળ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો છે.

રણછોડ કોળીએ ફરિયાદમાં જણાવ્યું છે કે હું ખેત મજૂરી કરી ગુજરાન ચલાવું છું. મારા પિતા અરજણભાઇ જેરામભાઇ ૧૩/૫/૨૦૧૧ના ગુજરી ગયા છે. તે ત્રણ ભાઇમાં નાના હતાં. તેનાથી મોટા ભારઇ નરસીભાઇ અને ત્યારબાદ ભોપાભાઇ છે. નરસીભાઇ નવાગામ રંગીલામાં અને ભોપાભાઇ સોખડા રહે છે. ૨૦૧૦માં મારા પિતાને પૈસાની જરૂર પડતાં  મારા મોટાબાપુ નરસીભાઇ પાસેથી રૂ. ૪ લાખ વ્યાજે લીધા હતાં. તેનું વર્ષે ૧૦ ટકા લેખે ૪૦ હજાર વ્યાજ ચુકવવાનું નક્કી થયું હતું. એ પછી મારા પિતાનું ૨૦૧૦માં અવસાન થયું હતું. મેં ત્યારબાદ રૂ. ૪૦ હજાર વ્યાજના તથા એક લાખ મુદ્દલના મળી કુલ ૧.૪૦ લાખ ચુકવી દીધા હતાં. ત્યારબાદ ૨૦૧૨માં બાકી રહેતાં ૩ લાખના ૧૦ ટકા લેખે ૩૦ હજાર હું આપવા જતાં મોટાબાપુ નરસીભાઇએ ૩૦ નહિ ૪૦ હજાર જ વ્યાજ આપવું પડશે તેમ કહી બળજબરી કરતાં હું ૨૦૧૫ સુધી ૪૦ હજાર વ્યાજ આપતો હતો.

૨૦૧૭માં મારા મોટાબાપુ નરસીભાઇએ સાક્ષીઓની હાજરીમાં સ્ટેમ્પમાં લખાણ કરાવેલ કે મારે ૨૦૧૬-૧૭ના એક વર્ષના ચાલીસ હજાર લેખે બે વર્ષના ૮૦ હજાર ચુકવવા અને જો વ્યાજ ન ચુકવી શકુ તો વ્યાજનું વ્યાજ ચુકવવું પડશે. એ પછી મોટાબાપુએ ધમકી આપી વ્યાજની ઉઘરાણી શરૂ કરહતી. મેં આ વ્યાજ ચુકવવા મારા દાદા જેરામભાઇની જમીન હતી તે ત્રીસ લાખનમાં વેંચવા ૨૦૧૮માં નક્કી કર્યુ હતું. ટોકન પેટે જે રકમ આવે તેમાંથી અમારા ભાગમાં આવેલ રકમમાંથી મોટાબાપુને વ્યાજ અને મુદ્દલ ચુકવી દીધા હતાં. મેં કુલ ચાર લાખ અને ત્રણ લાખ અલગથી મળી કુલ ૭ લાખ ચુકવી દીધા છતાં મોટાબાપુ નરસીભાઇ અને તેનો દિકરો જગદીશ હજુ વ્યાજ ચુકવવું જ પડશે તેવી ધમકી આપે છે અને વ્યાજ નહિ ચુકવો તો જીવતા નહિ રહેવા દઇએ કહી ધમકી આપ્યા કરે છે. આ લોકો સતત બળજબરી કરી હેરાન કરતાં હોઇ અંતે ફરિયાદ કરવી પડી છે.

કુવાડવા પી.આઇ. એમ.આર. પરમારની રાહબરીમાં પીએસઆઇ આર. એલ. ખટાણાએ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

ચોથી ફરિયાદ

કુવાડવા રોડ નવાગામ સાત હનુમાન સામે દેવનગર ઢોળા પર રહેતાં અને રિક્ષા ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં બોરીચા પ્રોૈઢ જયંતિભાઇ વિરમભાઇ માખેલા (ઉ.૫૦)એ નવાગામના જ અમુ કાનજીભાઇ કોળી સામે મનીલેન્ડ એકટ હેઠળ ફરિયાદ નોંધાવી છે.

જયંતિભાઇએ જણાવ્યું છે કે ત્રણ વર્ષ પહેલા મને અકસ્માત નડ્યો હતો અને હાથ ભાંગી ગયો હતો. તે વખતે ઓપરેશન કરાવ્યું હોઇ પૈસાની જરૂર પડતાં સગા-સંબંધીઓ પાસેથી ઉછીના રૂપિયા લીધા હતાં. તે રકમ ભરપાઇ કરવા નવાગામના અમુ કોળી પાસેથી રૂ. ૧ લાખ ૧૦ ટકા વ્યાજેથી લીધા હતાં. તેને મેં દર મહિને ૧૦ હજાર લેખે વ્યાજ ચુકવ્યું હતું. દોઢ વર્ષ પહેલા ફરીથી જરૂર પડતાં તેની પાસેથી ૨ લાખ લીધા હતાં. ૮ ટકા લેખે તેનું વ્યાજ ભરતો હતો. બંને રકમનું મળી કુલ ૨૬ હજાર થતાં હતાં પણ મેં તેને સમજાવતાં દર મહિને ૨૫ હજાર વ્યાજ તેણે નક્કી કર્યુ હતું. દોઢ વર્ષ સુધી મેં ૪II લાખ રૂપિયા ભરી દીધા છે.

પણ ત્રણેક મહિના પહેલા આર્થિક ભીંસ ઉભી થતાં વ્યાજ ભરી ન શકતાં હું ઘરેથી ભાગી ગયો હતો. વ્યાજે નાણા લેતી વખતે મેં સિકયુરીટી પેટે બેંકનો ચેક અને હોન્ડાના કાગળો આપ્યા હતાં. હું ઘરે પાછો આવ્યો તયારે અમુએ આવી હવે ૧૦ ટકા લેખે વ્યાજ આપવું પડશે નહિતર પરિણામ ભોગવવું પડશે કહી ધમકાવતાં મેં તેને સમજાવ્યા હતાં અને મારી દિકરી કાજલ કારખાને કામે જતી હોઇ તેણે બચત કરીને એકઠા કરેલા ૫૦ હજાર મેં અમુને આપી દીધા હતાં.

આમ છતાં અમુ વધુ ૩ લાખ વ્યાજ માંગી સતત ધમકી આપે છે અને હવે ત્રણ લાખનો જામીન માંગી ટાંટીયા ભાંગી નાંખવાની ધમકી આપતો હોઇ અંતે ફરિયાદ કરી છે. પીઆઇ એમ.આર. પરમારે આ કેસની તપાસ હાથ ધરી છે.

પાંચમી ફરિયાદ

ગાંધીગ્રામ ગાંધીનગર-૪માં 'દિપ' ખાતે રહેતાં અને ન્યુ જાગનાથ પ્લોટ-૨૨માં હમજોલી ટેઇલર્સ નામે દૂકાન ધરાવતાં દરજી યુવાન આશિષ કાંતિલાલ ગોહેલ (ઉ.૪૩)એ એ-ડિવીઝન પોલીસ મથકમાં રેલનગરના જતીન ગોહેલ વિરૂધ્ધ ફરિયાદ કરતાં પોલીસે મનીલેન્ડ એકટ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

આશિષ ગોહેલે ફરિયાદમાં જણાવ્યું છે કે તેણે વર્ષ ૨૦૧૬ના ફેબ્રુઆરી મહિનમાં પૈસાની જરૂર ઉભી થતાં પોતાની જ જ્ઞાતિના અને યાજ્ઞિક રોડ પર દરજી કામની દૂકાન ધરાવતાં જતીન ગોહેલ પાસેથી થોડા દિવસ માટે રૂ. ૧,૬૦,૦૦૦ લીધા હતાં. જે તેણે ૪ ટકા વ્યાજેથી આપ્યા હતાં. આ રકમ આપતી વખતે તેણે બે કોરા ચેક લીધા હતાં. તેને દર મહિને રૂ. ૬૫૦૦ વ્યાજ ભર્યુ હતું. અત્યાર સુધીમાં કુલ રૂ. ૨,૩૪,૦૦૦ વ્યાજ ચુકવી આપ્યું છે. હાલમાં આર્થિક હાલત સારી ન હોઇ ત્રણ મહિનાથી વ્યાજ ચુકવી ન શકતાં  તેણે થોડા દિવસ પહેલા દૂકાને આવી 'વ્યાજ કેમ ચુકવતો નથી' કહી ગાળો દઇ જોર-જોરથી રાડો પાડી માણસો ભેગા કર્યા હતાં. તેમજ જો પૈસા નહિ આપ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપી હતી. લોક દરબાર યોજાતાં પોતાને ફરિયાદ કરવાની હિમ્મત આવી ત્યાં રજૂઆત કરી હતી.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ આર. સી. રામાનુજ અને સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)