Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રૈયાધારના પ્રકાશ બકાલીએ દારૂ પીવાની ના પાડતાં રિક્ષામાં અપહરણ કરી ધોકાવીને પરાણે પીવડાવ્યો

દેવીપૂજક યુવાન હોસ્પિટલના બિછાનેઃ અગાઉ પડોશમાં રહેતાં વિપુલ અને અજાણ્યા શખ્સો વિરૂધ્ધ આક્ષેપ

રાજકોટ તા. ૨૭: રૈયાધાર કવાર્ટર સામે રહેતાં પ્રકાશ બાબુભાઇ કુંવરીયા (ઉ.૨૨) નામના બકાલાના ધંધાર્થી દેવીપૂજક યુવાનને ચાર-પાંચ શખ્સોએ લાખના બંગલા પાસેથી રિક્ષામાં નાંખી રૈયાધારની પાછળના ભાગે લઇ જઇ માર મારી સોડામાં નશીલો પદાર્થ ભેળવી પાઇ દેતાં તબિયત બગડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

પ્રકાશ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો છે અને પિતા સાથે ફ્રુટ તથા શાકભાજીનો ધંધો કરે છે. તે રેંકડીના કામ માટે રાત્રે અગિયારેક વાગ્યે લાખના બંગલા પાસે ગયો હતો ત્યારે તેને અગાઉ તેના પડોશમાં રહેતો વિપુલ અને બીજા શખ્સો મળી જતાં પોતાની સાથે દારૂ પીવા બેસવાનું કહેતાં તેણે ના પાડતાં રિક્ષામાં પરાણે બેસાડી રૈયાધાર પાછળના ભાગે લઇ જઇ મારકુટ કરી બાદમાં સોડામાં દારૂ જેવું કંઇક ભેળવી પરાણે પાઇ દઇ રૈયાધારમાં ઉતારીને ભાગી ગયા હતાં. પ્રકાશના પિતા બાબુભાઇને જાણ થતાં તે અને ભાઇ દિનેશભાઇએ તેને હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના દેવશીભાઇ ખાંભલા અને અક્ષય ડાંગરે યુનિવર્સિટી પોલીસને જાણ કરી હતી.

(11:55 am IST)