Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

રાજકોટમાં કોઠારીયા ચોકડી પાસે લેબ ટેકનીશિયન કરણ પટેલને છરી બતાવી ત્રિપૂટીએ ૩૩ હજારની લૂંટ ચલાવી

નોકરી પુરી કરી ઘરે જવા નીકળેલા યુવાન સાથે ભરબપોરે ઘટનાઃ ત્રણ લૂંટારામાં એક બુકાનીધારી હતો

રાજકોટઃ શહેરમાં ગુનાખોરીએ ફરી માથુ ઉંચકયું છે. કોઠારીયા ચોકડી નજીક ગોંડલથી અમદાવાદ જવાના સર્વિસ રોડ પર શનિવારે ભરબપોરે પોણા બે થી બે વચ્ચે ત્રણ લૂંટારાઓએ છરીની અણીએ લેબ ટેકનીશિયન લેઉવા પટેલ યુવાનને લૂંટી લેતાં ચકચાર જાગી છે.

કોઠારીયા રોડ પર ગોવિંદનગરમાં હરિઓમ કૃપા ખાતે રહેતો અને કાળીપાટ પાસે આવેલી મુરલીધર આયુર્વેદિક હોસ્પિટલમાં લેબ ટેકનીશિયન તરીકે ફરજ બજાવતો કરણ મનિષભાઇ સગપરીયા (ઉ.૨૧) નામનો યુવાન ગઇકાલે કાળીપાટથી નોકરી પુરી કરી સહકર્મચારીના બાઇક પર રાજકોટ આવ્યો હતો. સહકર્મી તેને કોઠારીયા ચોકડીએ ઉતારીને રવાના થયો હતો. કરણ રસ્તો ઓળંગવા ચાલીને સર્વિસ રોડ પર પહોંચ્યો ત્યાં જ તેની સામે બે શખ્સ આવી ગયા હતાં. જે ગુજરાતી અને હિન્દી ભાષામાં વાત કરતાં હતાં. તેણે ગળા પર છરી રાખી દઇ તેની પોસનો થેલો લૂંટી લીધો હતો. તેમજ ખિસ્સામાંથી રૂ. ૯૮૦૦ રોકડા અને એફ-૭ મોબાઇલ ફોન રૂ. ૨૨૯૦૦નો મળી કુલ રૂ. ૩૩ હજારની મત્તા લૂંટી લીધી હતી.

કરણ વધુ કંઇ સમજે એ પહેલા બંને દોટ મુકી ત્રીસ-પાંત્રીસ ફુટ આગળ બાઇક ચાલુ રાખીને ઉભેલા બુકાનીધારી શખ્સના બાઇક પર બેસી ત્રણેય લૂંટારા નાશી ગયા હતાં. બનાવ અંગે કરણે પિતાને વાત કર્યા બાદ આજીડેમ પોલીસ મથકે પહોંચતા પોલીસે આઇપીસી ૩૯૨, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધી નંબર વગરના બાઇક પર ભાગેલા ત્રણેય લૂંટારાઓને દબોચી લેવા તપાસ શરૂ કરી છે. પી.આઇ. પી.એન. વાઘેલાની રાહબરીમાં પીએસઆઇ વી.સી. વાઘેલા અને ડી. સ્ટાફની ટીમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

(10:40 am IST)