Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાજકોટમાં હોમ આઇસોલેશન ૩૦ થી ૩૫ ટકા દર્દી ઓકસીજનના બાટલાનો સંગ્રહ કરીને બેઠા છે : કલેકટરના સર્વેમાં ખુલ્યું

જરૂર ન હોય તે લોકો બાટલો પાછો આપી દે... જેથી ગંભીર દર્દીને મળી શકે : ડે. કલેકટર પરિમલ પંડયાની અપીલ : અનેક ડોકટરો પાસે સર્વે કરાવ્યો : સંખ્યાબંધ દર્દીઓએ ૩-૩ બાટલા રાખ્યાનું કબુલ્યું : હોમ આઇસોલેશન દર્દીને મેટોડાની માધવ અને શાપરની જયદિપ તથા ત્રિશુલમાંથી પણ બાટલા મળશે : ગઇકાલે ૧૫૦૦ બાટલા આપ્યા જરૂર વગર બાટલા રાખનારા સામે કડક કાર્યવાહી થશે

રાજકોટ તા. ૨૭ : શહેરમાં કોરોના કહેર વચ્ચે ઓકસીજનના બાટલાની અછત સંદર્ભે કલેકટર તંત્રએ અનેક ડોકટરો પાસે કરાવેલા સર્વેમાં ચોંકાવનારી હકીકત એ ખુલવા પામી છે કે સંખ્યાબંધ સામાન્ય દર્દીઓના ઘરે જરૂર વગર ઓકસીજનના ૩-૩ બાટલા સંગ્રહ કરીને રાખી મૂકાયા છે ત્યારે આવા લોકોને ડે.કલેકટર પરિમલ પંડયાએ જાહેર અપીલ કરી છે કે, જરૂર વગર બાટલાનો સંગ્રહ કર્યો હોય તેવા લોકો સામે ચાલીને બાટલા જમા કરાવી દયે જેથી ગંભીર દર્દીઓને બચાવી શકાય. આમ છતાં જો કોઇના ઘરેથી ઓકસીજનના બાટલાનો સંગ્રહ જોવા મળશે તો બાટલા જપ્ત કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે ડે. કલેકટર પરિમલ પંડયાએ જણાવ્યું હતું કે, હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓની સંખ્યા કરતા વધુ પડતા ઓકસીજનના બાટલાની જરૂર અને સતત અછત રહેતા શહેરના ડોકટરો પાસે ઓકસીજનની સપ્લાય અંગે સર્વે કરાવવામાં આવતા અનેક દર્દીઓના સગાએ તેઓ પાસેથી ૩-૩ બાટલા હોવાનું કબુલ્યું હતું.

આમ, જરૂર વગર ઓકસીજનના બાટલાનો સંગ્રહ થતા આ અછત સર્જાઇ છે. હવેથી કલેકટર તંત્ર દ્વારા હોમ આઇસોલેશનમાં દર્દીઓને ત્યાં દરોડા પાડી અને જરૂર ન હોવા છતાં ઓકસીજનના બાટલાનો સંગ્રહ કરનારા સામે કડક કાર્યવાહી કરશે.

દરમિયાન હોમ આઇસોલેશનના દર્દીઓને નિયમીત - સરળતાથી ઓકસીજન બાટલા મળી રહે તે માટે શાપર વેરાવળમાં જયદિપ અને ત્રિશુલ એજન્સીમાં તથા મેટોડાની માધવ એમ ત્રણ એજન્સીમાંથી દરરોજ ૩૫૦ થી ૧૫૦૦ બોટલોની સપ્લાય ચાલુ રહેશે. આજે ૧૨૫૦ બોટલો અપાઇ છે.

સિવિલ કોવિડમાં આજે વધુ ૩૫ અને બે દિ' બાદ ૨૧૬ બેડ શરૂ થશે

દરમિયાન બેડની અછત દુર કરવા સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં આજે વધુ ૩૫ બેડ શરૂ કરી દેવાયા છે. જ્યારે ચૌધરીમાં ઉભા કરાયેલ ડોમમાં બે દિવસમાં ૨૧૬ બેડની કામચલાઉ હોસ્પિટલ શરૂ કરી દેવાશે તેમ ડે.કલેકટરશ્રીએ જાહેર કર્યું હતું.

(4:44 pm IST)