Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

પ્રાણવાયુના અભાવને લીધે પ્રાણ નીકળી ગયા

પરમ દિવસથી બાટલો ભરાવવા મુકયો'તો, રાતે સોનલબેનના શ્વાસ થંભી ગયા, સવારે ફોન આવ્યો-ઓકિસજન લઇ જાવ!

લક્ષ્મીનગરના રાજેન્દ્રભાઇ ચાવડાએ વર્ણવી કરૂણ કથનીઃ મારા ૩૦ વર્ષિય પત્નિનો કોરોના રિપોર્ટ નેગેટીવ હતોઃ પણ ઓકિસજન લેવલ ઘટ્યું હતું: બાટલો ખાલી થઇ જતાં તેમાં ઓકિસજન ભરાવવા પરમ દિવસથી દોડધામ શરૂ કરી હતીઃ મોરબી તરફ ઠેકઠેકાણે ગયા, છેલ્લે શાપરમાં બાટલો મુકયોઃ ત્યાંથી કહેવાયું કે ગેસ ભરાઇ જશે ત્યારે ફોન કરશું: આજે સવારે ફોન ફોન આવ્યો, પણ એ પહેલા રાતે અગિયાર વાગ્યે મારા પત્નિ ગુજરી ગયા'તા

રાજકોટ તા. ૨૭: કોરોનાથી સંક્રમીત દર્દીઓ અને કોરોનાની અસર ધરાવતાં અનેક દર્દીઓમાં ઓકિસજન લેવલ ઘટી જતાં તેમને તત્કાલ ઓકિસજન આપવાની જરૂરીયાત ઉભી થઇ રહી છે. અનેક દર્દીઓ હોસ્પિટલમાં બેડ ન મળ્યા હોઇ ઘરે બેઠા સારવાર લઇ રહ્યા છે. એક તરફ રાજકોટમાં હોસ્પિટલોમાં પણ ઓકિસજનની અછત હોવાની બૂમરાળ ઉઠી છે અને બીજી તરફ ઘરે રહી સારવાર લઇ રહેલા લોકોને પણ ઓકિસજન મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકો શાપર વેરાવળ, મેટોડા, મોરબી તરફ, ગોંડલ તરફ ગેસના બાટલા લઇ ઓકિસજન ભરાવવા દોડધામ કરતાં રહે છે. પોતાના સગા સ્વજનના જીવ બચાવવા કલાકોના કલાકો સુધી તેઓ ખાલી બાટલા સાથે કતારોમાં ઉભા રહે છે. ઘણા કિસ્સામાં તો ખાલી બાટલામાં પ્રાણવાયુ ભરાય એ પહેલા જે તે દર્દીના પ્રાણ નીકળી જાય છે. વધુ એક આવી કરૂણ ઘટના સામે આવી છે. જેમાં લક્ષ્મીનગરના ૩૦ વર્ષના સોનલબેન રાજેન્દ્રભાઇ ચાવડાનું ઓકિસજનના અભાવે મૃત્યુ નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

લક્ષ્મીનગર-૧માં રામાપીરના મંદિર પાસે રહેતાં સોનલબેન રાતે અગિયારેક વાગ્યે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. પરંતુ તબિબે તેમને મૃત જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરતાં એએસઆઇ જી. વાય. પંડ્યાએ એ.ડી. નોંધી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર સોનલબેનને સંતાનમાં ચાર વર્ષનો એક પુત્ર છે. જે મા વિહોણો થઇ ગયો છે. પતિ રાજેન્દ્રભાઇ નરસીભાઇ ચાવડા મજૂરી કરી ગુજરાન ચલાવે છે.

રાજેન્દ્રભાઇએ કરૂણ કથની વર્ણવતા કહ્યું હતું કે-મારા પત્નિની થોડા દિવસ પહેલા તબિયત બગડી હતી. અમે કોરોનાની શંકાએ રિપોર્ટ કરાવ્યો હતો. પરંતુ એ નેગેટિવ આવ્યો હતો. આમ છતાં બે દિવસથી ઓકિસજન લેવલ ઘટી જતાં શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. અમે જેમ તેમ કરી ઓકિસજનના એક બાટલાની વ્યવસ્થા કરી હતી. પરંતુ પરમ દિવસે આ બાટલામાં ઓકિસજન ખાલી થઇ ગયો હતો. બીજો બાટલો ન હોઇ ખાલી બાટલો ભરાવવા માટે અમે ઠેકઠેકાણે દોડધામ શરૂ કરી હતી. મોરબી તરફ અલગ અલગ જગ્યાએ ગયા હતાં. પરંતુ ત્યાં મેડ ન પડતાં છેલ્લે પરમ દિવસે શાપર વેરાવળ ખાલી બાટલો લઇને ગયા હતાં. ત્યાં લાંબુ વેઇટીંગ હોઇ અમારો ખાલી બાટલો લઇ લેવાયો હતો અને ગેસ ભરાઇ જશે ત્યારે ફોન કરશું તેમ કહેવાયું હતું.

આથી અમે બાટલો મુકીને પરત ઘરે આવી ગયા હતાં. ફોન આવશે એટલે ઓકિસજનનો બાટલો લઇ આવશું એવી આશામાં અમે સતત ફોનની રાહ જોઇ રહ્યા હતાં. પરંતુ ફોન ગત રાત સુધી આવ્યો નહોતો. અંતે રાતે અગિયારેક વાગ્યે મારા પત્નિ બેશુધ્ધ થઇ ગયા હતાં અને અમે હોસ્પિટલે લઇ જતાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતાં. બીજી તરફ આજે સવારે નવ વાગ્યે અમને ફોન આવ્યો હતો કે-તમારા બાટલામાં ઓકિસજન ભરાઇ ગયો છે! ઓકિસજનની વ્યવસ્થા ન થઇ શકવાને કારણે પત્નિ ગુમાવનાર રાજેન્દ્રભાઇ ઉંડા આઘાતમાં ગરક થઇ ગયા છે અને ચાર વર્ષનો દિકરો મા વગરનો થઇ ગયો છે,  અને હસતો ખેલતો પરિવાર હતો નહોતો થઇ ગયો છે.

(3:30 pm IST)