Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

એક મહિનાનો ટારગેટ નક્કી કરી દરેક રાજકારણી સ્વૈચ્છિક જવાબદારી ઉપાડી લ્યે

૧લી મેથી વેકિસનેશનમાં વિજળીક ગતી લાવવી અનિવાર્ય છે : દરેક કોર્પોરેટરને ૧૦૦૦ વ્યકિતને રસી મૂકાવવા જવાબદારી સોંપો : સરપંચને ૫૦૦ વ્યકિતની : ધારાસભ્યને ૧૦ હજાર તથા સાંસદોને ૨૫ હજાર લોકોને ૧ મહિનામાં વેકિસન મૂકાવવાની જવાબદારી સોંપો : સરકારી સેન્ટરોમાં લાઇનો હોય છે તો ખાનગી હોસ્પિટલમાં લોકોને લઇ જાવ અને પ્રજાના પ્રતિનિધિઓ પોતાની ગ્રાન્ટમાંથી રકમ ફાળવી વેકિસનનો ખર્ચ ઉપાડી લ્યે : સ્કૂલ - કોલેજોમાં વેકિસન સેન્ટરો ઉભા કરો : જો ઝડપથી કોરોના વિરોધી રસીકરણ હાથ ધરાશે તો આ યમદૂતને તુરંત કાબુમાં લઇ શકાશે : ડો. સુશિલ કારીયા

શ્રી વિજયભાઇ રૂપાણી

મુખ્યમંત્રીશ્રી,

ગુજરાત રાજ્ય, ગાંધીનગર

તા. ૦૧/૦૫/૨૦૨૧ થી ૧૮ વર્ષથી ઉપરના સૌ કોઇને ત્વરિત વેકિસન મળી શકે તો જ કોરોના કાબૂમાં આવશે જે દેશભરમાં શરૂ થઇ રહેલ છે ત્યારે આ માટે મારા નીચેના સૂચનો આપ સ્વીકારશો તેવી વિનંતી.

તા. ૧ મે થી ૩૧ મે એક મહિનાનો ટારગેટ દરેક રાજકારણીઓએ સ્વૈચ્છિક ઉપાડી લેવો જોઇએ અને ત્યારબાદ વધુ જરૂર પડે તો તે મુજબ કરવું જોઇએ.

દરેક કોર્પોરેટરને મહિને ૧૦૦૦ વ્યકિત માટે તથા દરેક સરપંચને ૫૦૦ વ્યકિત માટે જવાબદારી સોંપી તેમને કહેવાનું રહે કે તેમણે ઓછામાં ઓછા આટલા લોકોને એક મહિનામાં વેકિસન અપાવવા માટેની કાર્યવાહી તેમની ફરજના ભાગરૂપે કરવાની રહેશે.

તેવી જ રીતે દરેક એમ.એલ.એ.એ. ૧૦,૦૦૦ વ્યકિતઓ તથા દરેક સંસદ સભ્યોએ એક મહિનામાં ૨૫,૦૦૦ વ્યકિતને સમજાવી મદદ કરી વેકિસન અપાવવી જોઇએ.

આ માટે જરૂર પડે એમ.એલ.એ., એમ.પી., કોર્પોરેટરો વગેરેએ જરૂરીયાતમંદ લોકોને પ્રાઇવેટ વેકિસન સેન્ટરમાં પણ લઇ જવા જોઇએ. સરકારી સેન્ટરોમાં ખૂબ જ મોટી લાઇનો હોવાથી કોરોનાની બીકે ઘણા લોકો વેકિસન લેવા જતા નથી.

આ ઉપરાંત સ્કૂલ કે કોલેજમાં વેકિસન સેન્ટર ઉભું કરી ૨૪ કલાક વેકિસન મળે તેવી સગવડ થઇ શકે તો તે કરવાથી પણ ખૂબ જ ઝડપથી વેકિસનેશન થઇ શકશે. લોકોને કોરોનાથી બચાવવા વેકિસન એક જ અકસીર ઇલાજ છે. તે ઉપરાંત માસ્ક, સેનેટાઇઝર અને વારંવાર સાબુથી હાથ ધોવાની સલાહ આપતા વીડિયો બહાર પડશે તો તેની ખૂબ જ સારી અસર થશે.

આ ઉપરાંત એક અગત્યની વાત કે આપણે ગમે તેટલી નવી કોવિડ હોસ્પિટલ કે ઓકિસજનવાળી પથરીઓ ઉભી કરીએ પરંતુ તેમાંથી અનેક લોકોને ફકત થોડા ઓકિસજનની જરૂરીયાત હોય છે, જે તેમને હોમ આઇસોલેશનમાં વિનામૂલ્યે મળી જાય તો, હોસ્પિટલો ઉપર દર્દીઓનું ભારણ ઘણું ઓછું થઇ જાય.

રાજકોટ ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોકટરો વીડિયો કોલ દ્વારા કોરોના પોઝિટિવ દર્દીઓને વિનામૂલ્યે ૨૪ કલાક નિદાન તેમજ સારવાર વિશે માહિતી તથા જે કંઇ જરૂરી સલાહ સૂચનો આપવાના હોય તે આપશે અને આ રાજકોટના ડોકટરોનું ખૂબ જ સ્તુત્ય અને આવકારદાયક કાર્ય છે.

આશા છે આ સુચનોથી કોરોનાની ગતિ રોકવામાં ઘણી મદદ મળી રહેશે.

ડો. સુશીલ કારીયા

એમ.એસ., એફ.આર.સી.એસ,

(ઇંગ્લેન્ડ, એડીનબરો, ગ્લાસગો)

અનિષ હોસ્પિટલ, રાજકોટ

(3:22 pm IST)