Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

દયનિય દ્રશ્યો...ઓકિસજન વગર ટળવળતા મહિલાઃ સિવિલમાંથી દર્દી માટે બાટલો ન ભરી દેવાતાં શાપર દોડવું પડ્યું: ગાદલા ઘરેથી લાવવા પડે!

એક ભાઇ સ્વજન માટે ઓકિસજનના બાટલાની વ્યવસ્થા કરવામાં સફળ થયાઃ ચોૈધરી હાઇસ્કૂલમાં જેટલા દર્દી એટલી કરૂણ કહાની

રાજકોટઃ વૈશ્વિક મહામારી કોરોનાની બીજી લહેરના કહેરમાં રાજકોટની હાલત અત્યંત ખરાબ થઇ ગઇ છે. કોરોનાના દર્દીઓ માટે હોસ્પિટલો મળતી નથી, બેડ મળતાં નથી, ઓકિસજન મળતાં નથી, ઇન્જેકશનની વ્યવસ્થા થઇ શકતી નથી...આ બધી મુશિબતો વચ્ચે ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં દર્દીઓને દાખલ કરાવવા માટેની એમ્બ્યુલન્સ-ખાનગી વાહનોની કતારો સતત યથાવત જ રહી છે. ઠેકઠેકાણેથી આવતાં કોરોનાના દર્દીઓની હાલત આ મેદાનમાં દયનિય બની જાય છે. જેટલા દર્દીઓ એટલી કરૂણ કથનીઓ અહિ સામે આવી રહી છે. પ્રથમ તસ્વીરમાં એક મહિલા દર્દીને ઉંધા સુવડાવી શ્વાસ લેવાનું તેમના સગા સમજાવી રહ્યા છે અને છાપા તથા નેપકીનથી હવા નાંખી રહ્યા છે. કરૂણતા એ છે કે ઓકિસજન પણ અહિ કતારમાં જ ખુટી ગયો હતો. અગાઉ આ રીતે દર્દી કતારમાં હોય અને ઓકિસજનનો બાટલો ખુટી જાય તો સિવિલ હોસ્પિટલમાંથી ભરી દેવામાં આવતો હતો. પરંતુ હવે સિવિલમાં પણ સતત ઓકિસજનની ઘટ રહેતી હોઇ આ સુવિધા બંધ કરી દેવામાં આવતાં આ મહિલાના સ્વજન ખાલી બાટલામાં ઓકિસજન ભરાવવા માટે શાપર તરફ દોડી ગયા હતાં. બીજી તસ્વીરમાં બાઇક પર ગાદલા-પાગરણ સાથે એક ભાઇ દેખાય છે, મેદાનમાં દર્દીને દાખલ કરાવતા કરાવતાં દિવસ આખો પસાર થઇ જાય, રાત પણ વીતી જાય એવી હાલત છે. દર્દીને સુવડાવવા માટે ગાદલા પણ ઘરેથી જ લાવવા પડે છે. છેલ્લી તસ્વીરમાં એક વ્યકિત ઓકિસજનના બાટલા સાથે દેખાય છે. પોતાના સ્વજન માટે માંડ-માંડ પોતે ઓકિસજન સિલિન્ડરની વ્યવસ્થા કરીને આવ્યાનું તેમણે કહ્યું હતું. તસ્વીરમાં એક તરફ ઓકિસજનના બાટલા વગર ટળવળતા મજબૂર મહિલા દર્દીની દયનિય હાલત દેખાય છે તો બીજી તરફ સગા માટે બાટલાની વ્યવસ્થા થઇ ગયાની ક્ષણિક ખુશી હતી, પરંતુ હજુ તેમના દર્દીને દાખલ થવા માટે એન્ટ્રી કયારે મળશે તેની તેમને ખબર નહોતી. તંત્રવાહકોના દાવાઓ વચ્ચે રોજબરોજ ચોૈધરી હાઇસ્કૂલના મેદાનમાં આવા દયનિય દ્રશ્યો સર્જાવા સામાન્ય થઇ ગયા છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(3:12 pm IST)