Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

એસ.ટી. બસને નુકશાન કરવા અંગે પકડાયેલ ભાજપના યુવા નેતા સહીતના ૩૧ આરોપીઓ સામેનો કેસ પાછો ખેંચાયો

રાજકોટ તા ૨૭ : જાહેર કાર્ય કરતા જાહેર નોકરને ફરજમાં રૂકાવટ કરી ગેરકાયદેસર મંડળી રચી ગેરકાયદેસર અવરોધ કરવાનો ૩૧ આરોપીઓ સામે સરકાર દ્વારા કરવામાં આવેલ  ફોજદારી કેસ સરકારે પરત ખેંચી લીધો હતો.

 આ બનાવ અંગેની વિગત એવી છે કે, ગઇ તા. ૧૯/૮/૧૯૯૩ નારોજ ફરીયાદી ધીરજલાલ  કાંતીલાલ વ્યાસ,રહે. બ્લોક નં.સી/૧૬, મોચીનગર, જામનગર રોડ, રાજકોટવાળાએ મેહુલભાઇ પ્રવિણભાઇ રૂપાણી તેમજ ભા.જ.પ. ના યુવા નેતા નેહલભાઇ ચીમનભાઇ શુકલ વિગેરે ૩૧ આરોપીઓ સામે ફરીયાદીએ કોર્પોરેશન ચોક, ઢેબર રોડ ઉપર બસ લઇને આવતા હતા, ત્યારે આશરે ૫૦ જેટલા વિદ્યાર્થીઓનું એક ટોળુ આવેલ અને તેઓ દેકારો કરતા હતા, તેઓના  હાથમાં એસ.ટી. ના ભાડાના વિરોધમાં સુત્રો લખેલા બેનરો હતા અને તે વખતેે  આ  વિદ્યાર્થીઓના  ટોળાઓએ એસ.ટી. બસ રૂટ નં.૩(ક) ની બસ નં. જી.આર.ટી. ૭૭૦૬ ને રોકી ઘેરી લઇ બસના આગળના વ્હીલની હવા કાઢી હેડ લાઇટનો કાચ તોડી નાખેલ.

આ  દરમિયાન પાછળથી  આવતી સીટી બસ રૂટ નં. ૩(બી) ની બસને આ વિદ્યાર્થીઓ એ  ઉભી રાખી આગળના વ્હીલની હવા કાઢી નાખેલ અને હેડ લાઇટનો કાચ તોડી નાખેલ, તેમજ એક એસ.ટી. ની બસ નં. જી.આર.આર. ૮૯૬૮ ની  બસની હવા કાઢી નાખેલ. તેમજ, અલીયાબાળા થી અમદાવાદના રૂટની બસમાંથી હવા કાઢી નાખેલ  હતી. આમ કુલ ૪ બસોના આગળના વ્હીલની હવા આ વિદ્યાર્થીના ટોળાએ કાઢી નાંખતા અન ે બસની હેડલાઇટ તોડી આશરે રૂા ૧૦૦/- નું નુકશાન કરી, ગેરકાયદેસર મંડળી રચી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરેલ હોય અને બસનો અવરોધ  કરવા અંગે આઇ.પી.સી. કલમ ૧૪૩,૧૮૬,૩૪૧, ૪૨૭, ૩૪ તેમજ પબ્લીક પ્રોપર્ટી ડેમેજ એકટની કલમ-૩,૪ મુજબની ફરીયાદ રાજકોટ  શહેર  ભકિતનગર પોલીસ સ્ટેશનમાં કરેલી. ત્યારબાદ, તપાસના અંતે પોલીસને પુરતો પુરાવો જણાય આવતા તા. ૩૦/૮/૧૯૯૩ ના રોજ નામદાર કોર્ટમાં કુલ ૩૧ આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરેલ હતું.

આ કેસ ૧૯૯૩ ની સાલનો  અને ખુબજ જુનો કેસ હોય અને ફરીયાદ મુજબ રૂા ૧૦૦/- ની નુકશાની થવા અંગેનો કેસ હોવાથી  જીલ્લા  મેજીસ્ટ્રેટ  સાહેબ રાજકોટ એ તા. ૨૦/૧૦/૨૦૧૮ ના રોજ આ  હાલનો કેસ પરત ખેંચવા માટે કોર્ટની પરવાનગી મેેળવવા માટેનો  હુકમ કરેલ તે  હુકમ મુજબ ના. કોર્ટમાં સરકાર તરફે એડી. પબ્લીક પ્રોસીકયુટરે કેસ પરત ખેંચવા પરવાનગી આપવા અંગેની અરજી આપવામાં આવેલ, તે અરજી હેઠળ કોર્ટે સદરહુ કેસ પરત ખેંચવા અંગે પરવાનગી આપવાનો હુકમ ફરમાવેલ અને કોર્ટે કેસ પરત ખેંચવા અંગે પરવાનગી આપતા સરકાર પક્ષે  એડી. પબ્લીક પ્રોસીકયુટરે ફોજદારી કાર્યરીતી સંહીતાની કલમ ૩૨૧ હેઠળ સદરહુ કેસ વીથડ્રો કરવા માટે પુરશીષ આપેલ, તેથી રાજકોટના જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી એમ. એસ. અમલાણીએ સર્વોચ્ચ અદાલતના પ્રસ્થાપિત સિધ્ધાંતો અનુસાર તથા વીથડ્રો પુરશીષના   આધારે સદરહુ કેસ વીથડ્રો કરવાનો હુકમ ફરમાવેલ તથા તમામ આરોપીઓને  મુકત  કરવાનો  હુકમ તા. ૦૮/૦૪/૨૦૧૯ ના  રોજ ફરમાવેલ છે.

આ કામમાં આરોપીઓ વતી રાજકોટના એડવોકેટ મહેશ  સી. ત્રિવેદી, કીરીટ સાયમન, વાસુદેવ પંડયા, ધર્મેન્દ્ર જરીયા, કિશન જોશી, ઘનશ્યામ પટેલ રોકાયેલ હતા.

(3:14 pm IST)