Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

જ્ઞાન સાથે ગમ્મત

રવિવારથી રેસકોર્ષમાં ફરી બાળકોનો કલરવ ગુંજશે

ફન સ્ટ્રીટમાં બાળકોને ઉમટી પડવા પુષ્કર પટેલ, જયમીન ઠાકર, જીતુભાઇ ગોટેચાનો અનુરોધ

રાજકોટ, તા.૨૭ :  ગુજરાતમાં સૌ પ્રથમ વાર રાજકોટ મહાનગરપાલિકા તથા મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના નેજા હેઠળ છેલ્લા ત્રણ વર્ષથી રાજકોટના ભુલકાઓ માટે એક નવું નજરાણું કહી શકાય તેવી રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ દ્વારા ફન સ્ટ્રીટ બાળકોને ગિફ્ટ સ્વરૂપે આપવામાં આવેલ ફન સ્ટ્રીટમાં અનેક વિવિધ જુદા જુદા કાર્યક્રમો યોજી બાળકોને આનંદ સાથે જ્ઞાન પણ પ્રાપ્ત થાય તેવી સુંદર પ્રવૃતિઓ કરવામાં આવે છે. તેમ પુષ્કર પટેલ, જયમીન ઠાકર તથા જીતુભાઇ ગોટેચાએ જણાવ્યુ છે.

આ અંગે સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ પરીક્ષાના માહોલના કારણે છેલ્લા ૧ માસથી ફ્ન સ્ટ્રીટ બંધ કરવામાં આવેલ હોઈ, હાલ બાળકોને વેકેશન સમય ચાલુ હોય, વેકેશનમાં રાજકોટ શહેરના બાળકો માટે ફન સ્ટ્રીટ ફરી શરૂ કરવામાં આવનાર છે, અને અવનવી રમતો, રંગબેરંગી માહોલમાં સંગીતના તાલે મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટના જીતુભાઈ ગોટેચા અને તેમની ટીમ દ્વારા ફન સ્ટ્રીટ ચલાવવામાં આવશે. આ વર્ષ બાળકો માટે સ્ટ્રીટના સંચાલકો દ્વારા વિવિધ રમતો જેવીકે કોથળા દોડ, રસ્સા કસ્સી, લખોટી, ભમરડા, ચેસ, લૂડો, સાપ સીડી, રાસગરબા વિગેરે અનેક વિવિધ જાતની રમતો તા.૨૯ થી દર રવિવારે સવારે ૭.૦૦ થી ૯.૦૦ કલાકે બાલભવન પાસે યોજવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, સમાજ કલ્યાણ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકર, મિશન સ્માર્ટ સિટીના જીતુભાઈ ગોટેચાએ રાજકોટ શહેરના બાળકો અને તેમના પરિવારને આ ફન સ્ટ્રીટનો લાભ લેવા પુષ્કર પટેલે અનુરોધ કર્યો છે.(૨૩.૧૧)

(4:37 pm IST)