Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજકોટમાં રવિવારથી ચિત્રોથી કંડારાયેલ પોષ્ટકાર્ડનું પ્રદર્શન

આર્ટ હટ ગેલેરીમાં દેશના ર૦૦ કલાકારોની કૃતિ રજૂ થશેઃ મુંબઇના આર્ટીસ્ટ સેન્ટર યોજીત પ્રદર્શન ૬ મે સુધી નિહાળી શકાશે

રાજકોટ તા. ર૭: મુંબઇના આર્ટીસ્ટ સેન્ટર તથા આર્ટ હટ ગેલેરીના સંયુકત ઉપક્રમે રાજકોટમાં આર્ટ હટ ગેલેરી ખાતે તા. ર૯ એપ્રિલથી તા. ૬ મે સુધી પોષ્ટકાર્ડ ઉપર થયેલ ચિત્રકામનું અદ્વિતિય પ્રદર્શન ગોઠવવામાં આવેલ છે.

ભારતીય સભ્યતામાં દાયકાઓથી મનવીય સંવેદનાઓના હૃદયસ્પર્શી પ્રભાયનના માધ્યમ તરીકે 'પોસ્ટકાર્ડ' અગત્યનું સ્થાન ધરાવતું હતું. મળેલ સંદેશો મોકલનારના મનોભાવો, જે-તે દૂરના સ્થળની મહેકનું કાવ્યસભર આનંદ લાગણીઓના તારને ઝંકૃત કરી હૃદય પહોંચતો હતો.

માનવીય સંવેદનાઓથી સભર 'પોસ્ટકાર્ડ'માંના ભાવોની સકારાત્મકતા અદ્રિતિય હોય છે જેનું સ્થાન ટેકનોલોજીથી થયેલ સંદેશા વ્યવહાર કદાવિ લઇ શકતો નથી.

ત્યારે ઐતિહાસિક બની ગયેલ ''૪ બાઇ ૬'' ઇંચનું પોષ્ટકાર્ડ પોતાનું પુનઃ ઉત્થાન ઇચ્છે છે. જન માનસમાં પોતાનું પૂર્વ સન્માન ઇચ્છે છે જેને સાર્થક કરવા માટે કલાક્ષેત્રની બે પ્રખ્યાત સંસ્થાઓ મુંબઇનું ''આર્ટીસ્ટ સેન્ટર'' તથા ''આર્ટ હટ ગેલેરી'' રાજકોટના સંયુકત ઉપક્રમે ''આર્ટ હટ ગેલેરી'', ગોંડલ રોડ રાજકોટ ખાતે તા. ર૯-૪-૧૮ થી ૬-પ-૧૮ (સમય સાંજે ૪ થી ૮) દરમ્યાન ''પોસ્ટ એજ'' નામના શોનું આયોજન કરવામાં આવેલ છે.

આ પ્રદર્શન અંતરગન રાજકોટ અહમદાબાદ સહિત દેશભરના ર૦૦ કલાકારો દ્વારા પોસ્ટકાર્ડ પર થયેલ પોતાના મનોભાવોનું કલામય નિરૂપણ માણવા મળશે. ગણમાન્ય કલાકારોના આ અનોખા આર્ટ વર્ક થકી માનવીય સંવેદનાઓના બહુમુખી આયામો નિહાળવા ''પોસ્ટ એજ'' પ્રદર્શનના રાજકોટ ખાતેના કો-ઓર્ડીનેટર આર્કિટેકટ ગૌરવ વાઢેર તથા આર્ટ હટ ગેલેરીના ઓનર ઇરફાન તબાણીએ રાજકોટની કલાપ્રિય જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવેલ છે.પ્રદર્શનનું ઉદ્દઘાટન રાજકોટના આર્ટીસ્ટ અવિનાશ ઠાકરના હસ્તે તા. ર૯ના સાંજે ૬ કલાકે રાખવામાં આવેલ છે. (૭.૩૦)

 

(4:29 pm IST)