Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ગોંડલની ૪૦ લાખની ચોરીમાં સામેલ શખ્સે રાજકોટની ૨૬ લાખની આંગડિયા લૂંટમાં ભાગ ભજવ્યાની શંકા

જુનાગઢથી એક શખ્સને ક્રાઇમ બ્રાંચ ઉઠાવી લાવીઃ પુછતાછમાં મહત્વની કડી મળવાની આશા

રાજકોટ તા. ૨૭: સોમવારે શાસ્ત્રી મેદાન પાસે થયેલી ૨૬ લાખની આંગડિયા લૂંટનો ભેદ ઉકેલવા પોલીસ મથામણ કરી રહી છે ત્યારે ક્રાઇમ બ્રાંચે જુનાગઢના એક શખ્સને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરી છે. ગોંડલના શો રૂમમાં થયેલી ૪૦ લાખની ચોરીમાં સંડોવાયેલા મનાતા જુનાગઢ તરફના આ શખ્સે રાજકોટની આંગડિયા લૂંટમાં પણ ભાગ ભજવ્યો હોવાની દ્રઢ શંકાને આધારે તેને ઉઠાવી લેવાયો છે.

સોરઠીયા વાડી ચોકની અક્ષર આંગડિયા પેઢીના કર્મચારી મુળ પાટણના અને હાલ સુરત રહેતાં  બાબુજી ઘેમલજી વાઘેલા (ઠાકુર) (ઉ.૪૯)ને ગરદન પાછળ પાઇપ કે બીજુ કોઇ હથીયાર ફટકારી પછાડી દઇ તેની પાસેથી  રોકડ, ડાયમંડ, સોનાના દાગીનાના ૩૫ પાર્સલ ભરેલો થેલો લૂંટી બે લૂંટારા છનનન થઇ ગયા હતાં. આ થેલામાં કુલ રૂ. ૨૫,૯૩,૯૦૦ની મત્તા હતી. જે થેલો લૂંટાયો તેમાં મોબાઇલ ફોન પણ હતો. આ ફોન છેલ્લે ગોંડલ પાસે બંધ થયો હોવાનું ખુલતાં પોલીસે ગોંડલ અને જુનાગઢ તરફ તપાસનો દોર લંબાવ્યો હતો.

અુમક સીસીટીવી ફૂટેજ અને મોબાઇલના લોકેશનને આધારે ક્રાઇમ બ્રાંચ જુનાગઢથી એક શખ્સને ઉઠાવી લાવી છે. ગોંડલની ચાલીસ લાખની લૂંટમાં પણ સંડોવાયેલા મનાતા આ શખ્સે રાજકોટની આંગડિયા લૂંટમાં પણ ભાગ ભજવ્યાની શંકાએ હાલ પુછતાછ શરૂ કરવામાં આવી છે. (૧૪.૯)

(4:23 pm IST)