Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

કોર્પોરેશનની એનિમલ હોસ્ટેલમાં પશુઓ પાણી વગરનાઃ કોંગ્રેસનો મેયર ચેમ્બરને તાળા મારવાનો પ્રયાસ

રણજીત મુંધવા સહિતનાં માલધારી આગેવાનોએ અંબિકા ટાઉનશીપવાળી એનિમલ હોસ્ટેલમાં પાણીની વ્યવસ્થા માટે ઉગ્ર માંગ ઉઠાવીઃ સોમવાર સુધીમાં પાણીની વ્યવસ્થા ન થાય તો મેયર-કમિશ્નર સહિતનાં અધિકારીઓ-પદાધિકારીઓનાં નળ કનેકશન કાપવા ચિમકી

રાજકોટ તા. ર૭ :.. મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરની ભાગોળે નિર્માણ કરાયેલ એનિમલ હોસ્ટેલમાં ગાય સહિતનાં પશુઓને સાચવવામાં આવે છે પરંતુ આ એનિમલ હોસ્ટેલમાં પશુઓની સાર સંભાળ બાબતે અનેક વખત નાની-મોટી ફરિયાદો ઉઠે છે. અને તંત્રની બેદરકારી છતી થાય છે.

ત્યારે હાલમાં કાળા ઉનાળામાં એનિમલ હોસ્ટેલમાં પાણીનાં અભાવે પશુઓ તરફડતાં હોવાનું બહાર આવતા કોંગ્રેસનાં માલધારી આગેવાન રણજીત મુંધવાએ મેયરની ચેમ્બરને તાળા મારવાનો પ્રયાસ કરી તંત્રની બેદરકારી બાબતે ઉગ્ર રજૂઆતો કરી હતી.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મવડી અંબિકા ટાઉનશીપ નજીક મ્યુ. કોર્પોરેશન દ્વારા એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે.

જયાં પ૦ થી વધુ ગાય સહિતનાં પશુઓનો નિભાવ થઇ રહ્યો છે.

દરમિયાન આ કાળા ઉનાળામાં આ એનિમલ હોસ્ટેલમાં પશુઓને પીવાનાં પાણીનાં સાશાં પડતા હોવાની અને પશુઓ પાણી વગર તરફડતાં હોવાની ફરીયાદ ઉઠતાં.

આજે બપોરે ૧ વાગ્યે કોંગ્રેસનાં માલધારી આગેવાન રણજીત મુંધવા સહિતનાં ૬ થી ૭  કાર્યકરોનાં ટોળાએ મેયર ડો. જૈમન ઉપાધ્યાયની ચેમ્બર પાસે રજૂઆત માટે ધસી ગયા હતાં. પરંતુ મેયર હાજર નહી હોવાથી ધરણા અને રામધુન બોલાવી ચેમ્બરને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ વિજીલન્સ વિભાગનાં ડીવાયએસપી શ્રી ઝાલાએ મધ્યસ્થી કરતાં મામલો થાળે પડયો હતો. અને એનિમલ હોસ્ટેલ ખાતે પાણીનું ટેન્કર મોકલવા ખાત્રી અપાઇ હતી.

પરંતુ આમ છતાં જો સોમવાર સુધીમાં પશુઓ માટે પાણીની નક્કર વ્યવસ્થા નહીં  થાય તો મેયર-કમિશ્નર સહિતનાં અધિકારીઓ - પદાધિકારીઓનાં નળ કનેકશન કાપવા કોંગી આગેવાનોએ ચિમકી ઉચ્ચારી છે.(પ.ર૪)

 

(3:55 pm IST)