Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

રાજકોટના પ્રફુલ ગઢવી પર બેડી ચોકડીએ મિત્ર પડધરીના સાગર ડોડીયાનો ટોળકી રચી હુમલો

ચાર મહિના પહેલા રેતી આપી હોઇ તેના ૧૫ હજારની ઉઘરાણી કરતાં ડખ્ખો થયોઃ લાકડી-ઢીકાપાટુનો માર મારી કહ્યું-આજે તો ખાલી માર માર્યો છે, હવૈ પૈસા માંગીશ તો જાનથી મારી નાંખશું: ૭ શખ્સો સામે બી-ડિવીઝન પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૭: જામનગર રોડ પર શેઠનગરમાં રહેતાં અને ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં ગઢવી યુવાને પોતાના રેતીના લેણા નીકળતાં રૂ. ૧૫ હજારની પોતાના જ મિત્ર પડધરીના રજપૂત શખ્સ પાસે ઉઘરાણી કરતાં તેણે ટોળકી રચી બેડી ચોકડી પાસે આ ગઢવી યુવાનને ધોકા-ઢીકાપાટુનો બેફામ માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

બી-ડિવીઝન પોલીસે શેઠનગર-૧૧માં રહેતાં પ્રફુલ શાંતિભાઇ લાંબા (ગઢવી) (ઉ.૨૬)ની ફરિયાદ પરથી તેના પડધરી રહેતાં મિત્ર સાગર ભવાનભાઇ ડોડીયા તથા સાથેના દિગ્વીજય ઉર્ફ દીગો ડોડીયા, ગુરૂ બાવાજી, રાજકોટના અનિરૂધ્ધ સોઢા, ભુરો અને બે અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ ગુનો નોંધ્યો છે. પ્રફુલના કહેવા મુજબ તે ટ્રક ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે. તેની પાસે ડમ્પર છે તેમાં રેતીના ફેરા પણ કરે છે. ચારેક મહિના પહેલા મિત્ર સાગરના ઘરે પડધરી ખાતે એક ડમ્પર રેતી ઠાલવી હતી. તેના ૧૫ હજાર રૂપિયા તેની પાસેથી લેવાના બાકી હોઇ અવાર-નવાર ઉઘરાણી કરવા છતાં તે આપતો નહોતો. આ કારણે બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

ગઇકાલે રાત્રે પોણા અગિયારેક વાગ્યે પોતે તથાન મિત્રો હરેશભાઇ મેણંદભાઇ રાઠોડ, તેના ભાઇ ચેતનભાઇ રાઠોડ એમ ત્રણેય બેડી ચોકડીએ ડમ્પર આવવાનું હોઇ તેની રાહ જોઇને બેઠા હતાં ત્યારે સાગર ડોડીયા સહિતના સ્વીફટ કાર લઇને આવ્યા હતાં અને સાગર સહિતનાને પોતે ચા પણ પીવડાવી હતી. બાદમાં વાત-વાતમાં પોતાના લેણા નીકળતા ૧૫ હજારની ઉઘરાણી કરતાં સાગર ઉશ્કેરાઇ ગયો હતો અને બોલાચાલી થતાં તે ગાળો દેવા માંડ્યો હતો.

બાદમાં સાગર તથા તેની સાથેના બીજા છ જણાએ ધમાલ મચાવી હતી અઅને ધોકા-ઢીકાપાટુનો માર માર્યો હતો. મિત્રો હરેશભાઇ અને ચેતનભાઇએ વચ્ચે પડી પોતાને વધુ મારથી બચાવ્યો હતો. આ વખતે સાગરે 'આજે તો તને ખાલી માર માર્યો છે, હવે બીજીવાર પૈસા માંગીશ તો જાનથી મારી નાંખશુ' તેવી ધમકી આપી બધા ભાગી ગયા હતાં.

પ્રફુલની આ કેફીયતને આધારે ગુનો નોંધી પી.એસ.આઇ. એમ. એમ. ઝાલા, હિતુભા ઝાલા સહિતે ગુનો નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૫)

(11:51 am IST)