Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રેલનગરના કોમ્‍પલેક્ષના ચોકીદારની ઓરડીમાંથી રોકડ અને દાગીનાની ચોરી

કરન નેપાળીની પ્રનગર પોલીસમાં ફરિયાદઃ તસ્‍કરો રોકડ તથા મંગળસુત્ર મળી ૧૯ હજારની મતા ઉઠાવી ગયા

રાજકોટ તા.૨૭: રેલનગર મેઇનરોડ પર આવેલ આસ્‍થાચોક પાસે શ્રીજી કોમ્‍પલેક્ષમાં રહેતા ચોકીદારની ઓરડીમાંથી તસ્‍કરો રોકડ તથા મંગળસુત્ર મળી રૂા.૧૯૦૦૦ની મતા ચોરી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ મુળ નેપાળના ધનગઢી ગામ હાલ રેલનગર મેઇનરોડ પર  આસ્‍થા ચોક પાસે શ્રીજી કોમ્‍પલેક્ષમાં સીકયુરીટી રૂમમાં રહેતા કરન શેરસીંગ અધિકારી(નેપાળ) (ઉ.૨૪)એ પ્રનગર પોલીસસ્‍ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્‍યુ છે કે, પોતે પત્‍ની અને ત્રણ વર્ષના પુત્ર સાથે રહે છે અને બાલાજી ફાસ્‍ટફુડમાં મજુરી કામ કરે છે. ગઇકાલે પોતે મજુરી કામે ગયો હતો. ત્‍યારે પત્‍નીએ ફોન કરીને કહેલા કે હું ચારેક વાગ્‍યે ઘરના દરવાજાને મીજાગરો આડો દઇ પુત્ર આકાશતે લઇને રેલનગર મેઇનરોડ પર બગીચામાં રમાડવા લઇ ગઇ હતી. થોડીવાર બાદ પરત ઘરે આવી ત્‍યારે દરવાજો ખુલ્‍લો હતો. અને અંદર ઘરવખરીનો સામાન વેરવીખેર હાલતમાં હોવાનું જણાવતા પોતે તુરત જ ઘરે જતા ઘરમાં સામાન વેરવીખેર અને રૂા.૯૦૦૦ રોકડા તથા મંગળસુત્ર મળી રૂા.૧૯૦૦૦ની મતા જોવા ન મળતા ચોરી થઇ હોવા ખબર પડતા પોતે પ્રનગર પોલીસમથકમાં જાણ કરતા એ.એસ.આઇ.કે.વી માલવીયા એ કરન નેપાળીની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(4:56 pm IST)